ઠાસરા : ખેડા જિલ્લામાં કોલસાનું વહન કરતી ગાડીઓ સામે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું છેલ્લા લાંબા સમયથી જોવા મળી રહ્યું છે. અધિકારીઓ સાથેની સાંઠગાંઠને કારણે જિલ્લામાં બેરોકટોક કોલસાનું વહન કરવામાં આવે છે. ગેરકાયદેસર ચાલતાં ઇંટના ભઠ્ઠામાં કોલસાની માંગને લઇને એક સુચારૂ નેટવર્ક છેલ્લા લાંબા સમયથી ચલાવવામાં આવી રહ્યું છે.
ખેડા જિલ્લામાં કોલસાની માંગ વધુ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં તંત્રની રહેમનજર હેઠળ ઇંટના ભઠ્ઠા ધમધમે છે. આ ભઠ્ઠાઓમાં ચિમની ન હોવાથી કોલસાનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. જેની માટે ચોટીલા નજીકના થાનથી નિયમિત રીતે કોલસાની ટ્રકો જિલ્લામાં આવે છે. જોકે, તંત્ર સાથેની મિલીભગતને કારણે આવી કોઇજ કોલસાની ટ્રક સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. દિવસથી 50 થી 70 ગાડીઓ નિયમિત રીતે જિલ્લામાં બેરોકટોક અવરજવર કરે છે.
રૂટમાં આવતાં તમામ સરકારી અધિકારીઓને માફિયાઓ દ્વારા સાચવી લેવામાં આવતા હોવાથી તેમની એકપણ ગાડી સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત આ તમામ ટ્રક નંબર પ્લેટ વગરની જ હોવાછતાં પણ કોઇપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. જેને લઇને દિનપ્રતિદિન ગેરકાયદેસર રીતે કોલસાનું વહન મોટાપાયે વધતું જઇ રહ્યું છે. તંત્રને ‘સાચવી’ લેવાની આવડતને કારણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારાઓ સામે કોઇ પગલાં ભરવામાં આવતાં નથી.
ખેડા- મહિસાગર જિલ્લામાં થાનથી ટ્રક આવે છે
ખેડા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ધમધમતા ઇંટના ભઠ્ઠામાં કોલસાની ટ્રક ઠાલવવામાં આવે છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં આવા ભઠ્ઠા ધમધમે છે, જેમને આ કોલસા સપ્લાય કરતાં માફિયાઓ સાથે સીધી સાંઠગાંઠ હોય છે અને આ માફિયાઓ દ્વારા જ નેટવર્ક ચલાવવા માટે તમામ અધિકારીઓને સાચવી લેવામાં આવે છે, જેથી કરીને તેમના ટ્રકને ક્યાંય રોકવામાં આવતાં નથી.
રાત્રે નીકળતી ટ્રકમાં 80 થી 90 હજારનો કોલસો
થાનથી વાયા ધોળકા થઇને ખેડા જિલ્લામાંથી પસાર થતી કોલસા ભરેલી ટ્રક મોટાભાગે રાત્રિના સમયે જ પસાર કરવામાં આવે છે, ટ્રકને નંબર પ્લેટ લગાડેલી હોતી નથી. તંત્રની રહેમનજર વગર આ રીતનું વહન શક્ય નથી. કોલસા ભરેલી એક ટ્રકની કિંમત રૂ. 80 થી 90 હજારની હોય છે. ઇંટોના ભઠ્ઠા પર તેમજ ડિલરોને નિયમિત રીતે કોલસાનો જથ્થો મળી રહે છે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.