ખેડા: ખેડા પંથકમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવામાં આવતું ન હોવાથી ઉમીયાપુર, લાલી, પારેજા, બીડજ, મહીજ સહિતના ગામોના અંદાજે 800 જેટલાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. પાણીના અભાવે ખેતરમાં લહેરાતો ડાંગર સહિતનો પાક પણ બળીને ખાક થઈ ગયો છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય, સાંસદસભ્યને રજુઆતો બાદ પણ કોઈ નિવેડો ન આવતાં રોષે ભરાયેલાં ખેડૂતોએ કેનાલ પુરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.
ખેડા જિલ્લામાં ચાલુ મહિના દરમિયાન માત્ર એકાદ-બે વખત જ સામાન્ય વરસાદી ઝાપટું વરસ્યું છે. ધોધમાર કહી શકાય તેવો વરસાદ આખા મહિના દરમિયાન વરસ્યો જ નથી.
જેને પગલે ખેડૂતોને ખેતી માટે કેનાલ અથવા તો બોરના પાણી ઉપર નિર્ભર થવું પડ્યું છે. બરાબર તેવા સમયે જ અમદાવાદના નરોડાથી નીકળી ખેડા પંથકમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે ખેડા પંથકના ઉમીયાપુર, લાલી, પારેજા, બીડજ અને મહીજ સહિતના ગામના ખેડુતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે. પાણીના અભાવે ખેતરમાં લહેરાતો ડાંગર સહિતનો પાક બળીને ખાક થઈ રહ્યો છે. જેને પગલે અંદાજે 800 જેટલાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ મામલે ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્ય તેમજ સાંસદસભ્ય સહિતના રાજકીય અગ્રણીઓને રજુઆતો કરવામાં આવી છે. તેમછતાં ખેડૂતોની સમસ્યા ઠેરની ઠેર જ છે. જેથી રોષે ભરાયેલાં ખેડૂતોએ કેનાલ પુરી દેવાની ચીમકી ઉચ્ચારી છે.