શહેરા: શહેરા તાલુકાના ખરેડીયા અને મીઠાપુર ગામની વણાંકબોરી પાણી પુરવઠા યોજનાનો સંપ પાણીથી ભરાતો હોવા છતાં ગ્રામજનો ને પાછલા ત્રણ વર્ષથી પાણી નહિ મળતા આ યોજના ગ્રામજનો માટે શોભાના ગાંઠિયા સમાન બની છે. ભર ઉનાળે આ બે ગામના ગ્રામજનો હેન્ડ પંપ અને કુવા ના સહારે પીવા માટે અને ઘર વપરાશનું પાણી મેળવતા હોય જ્યારે સંપમાં આવતું પાણી નો બગાડ થતો જોઈ ને ગ્રામજનો નો પાણી પુરવઠા તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી હતી. શહેરા તાલુકાના ખરેડીયા અને મીઠાપુર ગામના ગ્રામજનોને પીવાના પાણીની તકલીફ પડે નહી તે માટે રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠાની વણાંકબોરી પાણી જૂથ યોજના 5વર્ષ પહેલા ફાળવવામાં આવી હતી.
લાખો રૂપિયાના ખર્ચે યોજનાની કામગીરી પૂર્ણ થયા બાદ ગ્રામજનોને પાણી મળશે તેવી આશા બંધાઈ હતી. જોકે સમય જતાં મીઠાપુર અને ખરેડિયા ગામના ગ્રામજનો યોજનાનું પાણી ઘરે ઘરે નહી મળતા ગ્રામજનો માટે આ પાણી પુરવઠા યોજના પાછલા ત્રણ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની જવા પામી છે. ખરેડીયા પાસે પસાર થતા માર્ગને અડીને આવેલા વણાંકબોરી પાણી પુરવઠા યોજનાનો સંપ પાણી ભરાતો હોવા છતાં તેનું પાણી આ બે ગામના ગ્રામજનોને નહીં મળતા કુવા અને હેડ પંપ ના સહારે પીવા માટે અને ઘર વપરાશનું પાણી મેળવતા હોય છે.
માર્ગને અડીને આવેલ સંપ પાણીથી ભરાઇ જતા પાણીનો વેડફાટ થતો જોઈને ગ્રામજનો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનો પાણી પુરવઠા તંત્ર સામે ભારે નારાજગી સાથે છૂપો રોષ પણ જોવા મળે તો નવાઈ નહી. વણાકબોરી પાણી પુરવઠા યોજના પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આ યોજનાનું પાણી ગ્રામજનોને મળવાની જગ્યાએ અત્યારે પાણીના સંપ માંથી ખુલ્લી જગ્યામાં વહેતુ જોવા મળતું હોય ત્યારે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓ પોતાની ઓફિસની ઠંડી હવા ખાવાની જગ્યાએ આ ગામની મુલાકાત લઈને ગ્રામજનોને આ યોજનાનું પાણી મળે તે માટે નુ આયોજન કરે અને સંપ માંથી વેડફાતુ પાણી બંધ કરવામાં આવે તે પણ જરૂરી છે. ઉલ્લેખનિય છે કે પાણીના સંપ એટલા માટે બનાવાયા છે કે લોકોને પીવાના પાણીની તકલીફ ન રહે પરંતુ આ પાણીનો વેડફાટ થાય છે.