વડોદરા : વડોદરા તાલુકાના સેવાસી નજીક આવેલ ખાનપુર ગામમાં અત્યાર સુધીમાં 48 કોરોનાંના કેસો તેમજ એક વ્યક્તિનું મોત નિપજતા ગામમાં લોકડાઉન કરવું પડ્યું છે.ગામમાં કોઈએ પ્રવેશ કરવો નહીંના બોર્ડ લગાવવામાં આવ્યા છે.તેમજ 20 મી માર્ચ સુધી ગામના તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસ માત્ર શહેરમાં આવે તેવું નથી.વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના છેવાડે તાલુકામાં સમાવિષ્ટ સેવાસી થી અંકોડીયા જતા માર્ગ પર સેવાસીથી નજીક આવેલા ખાનપુર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિદિન કોરોના ના કેસો આવી રહ્યા છે.જેમાં આજદિન સુધી કોરોનાં ના 48 કેસો નોંધાયા છે.
જેમાં એક વ્યક્તિનું કોરોના ના કારણે મોત થયા હોવાનું ખાનપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રિતેશ પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું.કોરોના ના કેસો ના કારણે ખાનપુર ગામને સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરાયું છે.ગામ ના મંદિરો તેમજ દુકાનોને પણ તાળાં મારી દેવાયા છે. ખાનપુર ગામના પટેલ ફળિયાને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે. જ્યારે કોરોનાના કેસો વધતાં ખાનપુર ગામના ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ખાનપુર ગામના સરપંચ પ્રિતેશ પટેલ એ ગ્રામજનોને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી ગામમાં બહારની વ્યક્તિ પર પ્રવેશબંધી ફરમાવાઇ ગ્રામજનોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે.
ઉલ્લેખનીય છે રાજ્યમાં ફરી એકવાર કોરોનાંનો કહેર જોવા મળી રહ્યો છે. 80 દિવસ બાદ ફરી એક વખત કોરોનાંના કેસો 900 ને પાર પહોંચી ગયા છે. કોરોનાંની ત્રીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે.ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો વધવા માંડ્યો છે.
બીજી તરફ તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજકીય મેળાવડા તેમજ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભારે ભીડ ભેગી થઈ હતી. જેના કારણે આજે નિર્દોષ નાગરિકોને હાલાકીનો ભોગ બનવાનો વારો આવ્યો છે.વડોદરા નજીક ખાનપુરમાં 48 વ્યક્તિઓ કોરોનાંથી સંક્રમિત થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થતા ભારે ખળભળાટ મચી ગયો છે.ગામમાં જાહેર સૂચના ના બોર્ડ તેમજ નોટિસ ચોંટાડવામાં આવી છે.
જેમાં જણાવાયું છે કે કોવિડ 19 ની મહામારીના વધતા જતા સંક્રમણને કારણે ખાનપુર ગ્રામ પંચાયત તરફથી દરેક ફેરિયાઓને ખાનપુર ગામમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ જાહેર કરેલ છે.તો કોઈપણ પ્રકારના ફેરિયાઓ એ ગામમાં પ્રવેશ કરવો નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જ્યારે કોરોનાંનું સંક્રમણ વધતા ગામના તમામ મંદિરોને તારીખ 20 મી માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે.