વડોદરા: વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ફ્રુટના વેપારીઓ દ્વારા આડેધડ પોતાના વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા યથાવત રહેવા પામી છે.અગાઉ પણ આ મામલે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આ માર્ગ પરથી પસાર થતાં સંખ્યાબંધ વાહન ચાલકો સહિત રાહદારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે.
વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરી થી માત્ર થોડા જ અંતરે ફ્રુટના વેપારીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે જેના કારણે છાશવારે આ માર્ગ ઉપર ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવતી હોય છે.અગાઉ પણ સ્થાનિક કોર્પોરેટર તેમજ વોર્ડ અધિકારીની ટીમ દ્વારા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી હતી.તેમ છતાં પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી છે. વહેલી સવારના સુમારે પણ આ માર્ગ ઉપર ફ્રુટના વેપારીઓ પોતાના આઇસર ટેમ્પા સહિતના વાહનો માર્ગ ઉપર આડેધડ લગાવી દેતા હોય છે.
જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.ઘણી વખત તો ટ્રાફિક જામમાં દર્દીઓને લઈ અવરજવર કરતી એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હોય છે. અનેક વખત આ બાબતે વોર્ડ કચેરી સ્થાનિક કોર્પોરેટરો તેમજ પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ ફ્રુટના વેપારીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા પાલિકાની એસી કેબિનમાં બેસતા શાસકો સહિત અધિકારીઓની સામે વેધક સવાલો ઉઠ્યા છે.