આણંદ : ખંભાતના શક્કરપુરમાં રહેતા પતિ – પત્નીએ મુદ્રા લોન અને દીકરીના અભ્યાસ માટે લોન અપાવવાના નામે અકબરપુરની 14 જેટલી બહેનો પાસેથી રૂ.2.18 લાખ પડાવી લીધા બાદ છેતરપિંડી આચરી હતી. આ અંગે બહેનોએ નાણા માંગતા તેમની મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે બહેનોએ પોલીસનું શરણું લઇ દંપતી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ખંભાતના અકબરપુરના મોટી ચુનારવાડમાં રહેતા પતંગ બનાવવાનું કામ કરતા કોકીલાબહેન રાજેશભાઈ ચુનારા મામલતદાર કચેરીમાં બહેનોને રેશનકાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાના ફોર્મ ભરી આપવાનું પણ કામ કરે છે.
તેઓ 20મી ડિસેમ્બર,2019ના રોજ બપોરના ખંભાત મામલતદાર કચેરીમાં હતાં તે વખતે તેમને મિતાલી ઉર્ફે મિતલ નિતીન મિસ્ત્રી (રહે.શક્કરપુર, ખંભાત) મળ્યાં હતાં. કોકીલાબહેન અને મિતાલીબહેન વચ્ચે પ્રાથમિક પરિચય બાદ વાતચીત થઇ હતી. જેમાં મિતાલીએ જણાવ્યું હતું કે, હું કોઇ પણ સરકારી બેન્કમાં રૂ.પાંચ લાખ સુધીની મુદ્રા લોન 12 દિવસમાં અપાવું છું. જોકે, આ લોન લેવા માટે તમારે મને રૂ.17,500 આપવા પડે તેવી વાત કરી હતી. કોકીલાબહેને લોન લેવા બાબતે રસ દાખવતા બીજા દિવસે મિતાલી તેમના ઘરે ગયાં હતાં.
જ્યાં કોકિલાબહેને રૂ.પાંચ હજાર આપ્યાં હતાં. આ ડીલ બાદ મિતાલી અવાર નવાર કોકિલાબહેનના ઘરે આવતાં જતાં હોવાથી આસપાસમાં રહેતા અન્ય બહેનોએ તેમના અંગે પુછપરછ હાથ ધરી હતી. જેમાં કોકિલાબહેને જણાવ્યું હતું કે, મિતાલીબહેન મુદ્રા લોન 12 દિવસમાં અપાવે છે. આથી, અન્ય બહેનો પણ આગળ આવ્યાં હતાં અને તેમણે પણ લોન લેવા રસ દાખવ્યો હતો. આ અંગે મિતાલીને કહેતા તેઓએ સાત દિવસ બાદ ફરી કોકિલાબહેનના ઘરે આવ્યાં હતાં. આ સમયે તેમને રૂ. ચાર હજાર આપ્યાં હતાં અને આસપાસના બહેનો સાથે પરિચય કરાવ્યો હતો.
આ સમયે મિતાલીએ મુદ્રા લોન ઉપરાંત દિકરીઓ ભણતી હોય તેમને ભણવા માટેની લોન પણ અપાવતા હોવાનું જણાવ્યું હતું. તેમની વાતમાં આવી બહેનો આવી ગયાં હતાં અને 8મી જાન્યુઆરી,2020ના રોજ મિતાલીને દિકરીઓના ભણવા માટે તથા લોન પેટે વધુ રૂ.11 હજાર કોકિલાબહેને આપ્યાં હતાં. આમ કોકિલાબહેને જ રૂ.20 હજાર મિતાલીને આપ્યાં હતાં. આ ઉપરાંત અન્ય 13 જેટલી બહેનોએ પણ રૂ.1.98 લાખ આપ્યાં હતાં. જોકે, આ રકમની લેતી દેતી માટે મિતાલીનો પતિ નીતીન મિસ્ત્રી પણ અવાર નવાર આવતો હતો.
બહેનોએ બેન્કમાં ખાતા ખોલવા અને લોન સહિતના મામલે આપ્યાં હતાં. જોકે, 12 દિવસ બાદ બહેનોએ મિતાલીની પુછપરછ કરતાં તેઓએ ગલ્લા તલ્લા શરૂ કરી દીધાં હતાં. આથી, બહેનોએ નાણા પરત માંગતા તેઓ બહાના બતાવવા લાગ્યાં હતાં. દરમિયાનમાં 2020માં લોકડાઉન આવતા બહેનો તેમના ઘરે જઇ શક્યાં નહતાં. પરંતુ લોકડાઉન હટતા ફરી ઉઘરાણી કરતાં નીતિને પૈસા લેવા આવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી, ડરી ગયેલા બહેનોએ તેમના ઘરે જવાનું પણ માંડી વાળ્યું હતું. આખરે આ અંગે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મિતાલી અને તેના પતિ નીતિન મિસ્ત્રી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બહેનો પાસેથી આધારકાર્ડ અને રેશન કાર્ડ સહિતના દસ્તાવેજો પણ લીધા
મુદ્રા લોન અને દીકરીઓના અભ્યાસ માટેની લોનના નામે ઠગાઇ કરનારા દંપતી મિતાલી અને નિતીને બહેનો પાસેથી દસ્તાવેજો પણ પડાવ્યાં હતાં. બેન્કમાં ખાતુ ખોલાવવાના બહાને આધારકાર્ડ, રેશનકાર્ડની ઝેરોક્ષ અને પાસપોર્ટ ફોટા લીધાં હતા. જે પણ પરત આપ્યાં નથી.
કોણ કોણ ભોગ બન્યું
અલ્પાબહેન વિજયભાઈ ચુનારા રૂ.17,500,
ચકુબહેન રવિભાઈ ચુનારા રૂ.21,000
મીનાબહેન અરવિંદભાઈ ચુનારા રૂ.15,500
મીનાબહેન નગીનભાઈ ચુનારા રૂ.14,500
રાધાબહેન શંકરભાઈ ચુનારા રૂ.18,500
ભાનુબહેન દલસુખભાઈ ચુનારા રૂ.16,000
સુમનબહેન સુનીલભાઈ ચુનારા રૂ.17,500
રેખાબહેન અરવિંદભાઈ ચુનારા રૂ.6,000
દક્ષાબહેન હેમેશભાઈ ચુનારા રૂ.33,500
સુમીબહેન કમલેશભાઈ ચુનારા રૂ.7,500
સરોજબહેન લખતભાઈ ચુનારા રૂ.5,000
દક્ષાબહેન સંજયભાઈ ચુનારા રૂ.8,000
ચંપાબહેન રાજુભાઈ ચુનારા રૂ.17,500
કોકીલાબહેન રાજેશભાઈ ચુનારા રૂ.20,000