ખંભાત : ખંભાતના વાસણા ગામે રહેતા અને પશુ આહારનો વ્યવસાય કરતાં વેપારીને ગઠિયાએ ઇફ્કો લીમીટેડની ડીલર શીપ આપવાની લાલચ આપી રૂ.2.62 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગઠિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખંભાતના વાસણા ગામે રહેતા કેવિનકુમાર દશરથભાઈ પટેલ ખેતી ઉપરાંત કેટલફિડ (પશુ આહાર)નો વેપાર કરે છે. તેમણે ગયા વરસે સોશ્યલ મિડિયા પર ઇફ્કો લીમીટેડ કંપનીના નામથી જાહેરાત જોઇ હતી. આ ઇફ્કો લીમીટેડ કંપનીની જાહેરાતમાં માંગેલી વિગતો મોકલી આપતા સામેથી ફોન આવ્યો હતો. જેમાં ઇફ્કો લીમીટેડ કંપનીના ખાતરની ડીલરશીપ આપવા બાબતે વાતચીત કરી હતી.
આ સમયે તે શખસે કંપનીના સેલ્સેમેન તરીકે પરિચય આપ્યો હતો અને યુરીયા, ડીએપી પર 30 ટકા સુધી કમીશન આપવાની લાલચ આપી હતી. આ વાતચીતમાં વિશ્વાસમાં આવી ગયેલા કેવિનકુમારે રૂ.4,32,750ની ખરીદીનો ઓર્ડર આપ્યો હતો. જોકે, આ ખાતર ખરીદવા લાયસન્સની જરૂર હોવાથી ગઠિયાએ લાયસન્સ કઢાવવા માટે રૂ.35 હજાર લીધા હતાં. બાદમાં ડીલરશીપ એગ્રીમેન્ટના રૂ.75 હજાર રીફન્ડેબલ એમાઉન્ટ હોવાનું કહી લીધાં હતાં. આ ઉપરાંત રૂ.500 સ્ટેમ્પ ખર્ચ, 300 ટાઈપીંગ ખર્ચ લીધો હતો.
બાદમાં ખાતર ખરીદીના રૂ.1,52,193 પણ ચુકવી આપ્યાં હતાં. જોકે, ગઠિયાઓએ એનઓસી માટે રૂ.1.25 લાખ માગતા કેવિનકુમારને શંકા ગઇ હતી. તેઓ નાણા ટ્રાન્સફર કર્યા નહતા અને પોતે આપેલા નાણા પરત લેવા મેઇલ કર્યો હતો. પરંતુ તેમને કોઇ જવાબ મળ્યો નહતો. આથી, તેમણે મોબાઇલ પર કોલ કરતાં તે તમામ નંબર સ્વીચ ઓફ આવતા હતા. આમ, કેવિનકુમારને પોતાની સાથે રૂ.2,62,993ની છેતરપિંડી થઇ હોવાનું જણાતાં તેઓએ આ અંગે સાયબર ક્રાઇમ માં ફરિયાદ આપી હતી. જેના પગલે ખંભાત ગ્રામ્ય પોલીસને તપાસ સોંપી હતી. આથી, ખંભાત ગ્રામ્ય પોલીસે ઇફ્કો લીમીટેડ કંપનીના સેલમેન તરીકે પરિચય આપી કેવિન કુમાર સાથે રૂ.2.62 લાખની છેતરપિંડી કરનારા ગઠિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.