બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતનો તિરંગો નીચે ઉતાર્યો, ભારતે તેનાથી પણ મોટો તિરંગો લહેરાવ્યો – Gujaratmitra Daily Newspaper

World

બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતનો તિરંગો નીચે ઉતાર્યો, ભારતે તેનાથી પણ મોટો તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હી: ખાલિસ્તાન સમર્થકો (Khalistan supporters) ભારતમાં (India) જ નહીં પણ વિદેશમાં પણ વિરોધ (Protest) કરી રહ્યા છે. પંજાબમાં (Punjab) ખાલિસ્તાનની માગ સાથે બળવો કરી રહેલા અમૃતપાલ સિંહને (Amritpal singh) હવે વિદેશમાં વસતા ખાલિસ્તાની સમર્થક પંજાબીઓ તરફથી પણ સમર્થન મળવા લાગ્યું છે. આ સાથે જ ભારતની જેમ બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં અમૃતપાલની ધરપકડ ન થાય તેન વિરોધ થવા લાગ્યો છે. ત્યારે રવિવારે સાંજે બ્રિટનમાં બ્રિટિશ હાઈકમિશનની ઓફિસ બહાર લહેરાતા ભારતના તિરંગાને ખાલિસ્તાનીઓએ ઉતારી લીધો હતો અને ભારે તોડફોડ કરી હતી. આ પગલાં સામે ભારતે બ્રિટન પાસે આ મામલે ખુલાસો માગ્યો છે. જો કે બ્રિટનામાં વસતા અન્ય ભારતીયોએ જે તિરંગો ખાલિસ્તાની સમર્થકો દ્વારા ઉતારવામાં આવ્યો હતો તેનાથી પણ મોટો તિરંગો લહેરાવીને ખાલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. બીજી તરફ, સૌથી વધારે પંજાબીઓ જ્યાં વસે છે એ કેનેડામાં પણ અમૃતપાલના સમર્થકોએ જોર બતાવ્યું છે અને આજે સોમવારે બપોરે 12 વાગ્યે વિશાળ રેલી કાઢવાની જાહેરાત કરી છે.

મળતી માહિતી અનુસાર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ સામેની કાર્યવાહીના વિરોધમાં લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરવામાં આવી હતી. રવિવારે સાંજે સેંકડો ખાલિસ્તાન સમર્થકો હાઈ કમિશનની બહાર એકઠા થયા હતા. બિલ્ડીંગમાં પ્રવેશ કર્યો અને ત્રિરંગો ઉતાર્યો લીધો હતો. ભારતે આનો સખત વિરોધ કર્યો અને દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરને બોલાવ્યા હતા. આ દરમિયાન હવે હાઈ કમિશન પર એક મોટો તિરંગો ફરકાવવામાં આવ્યો છે.

આ પહેલા હાઈકમિશન પહોંચેલા ખાલિસ્તાન સમર્થકોના હાથમાં ખાલિસ્તાની ઝંડા અને અમૃતપાલ સિંહના પોસ્ટર હતા. પોસ્ટર્સ પર લખ્યું હતું, ‘ફ્રી અમૃતપાલ સિંહ’ (મુક્ત અમૃતપાલ સિંહ), ‘વી વોન્ટ જસ્ટિસ’ (અમે ન્યાય જોઈએ છે) અને ‘અમે અમૃતપાલ સિંહ સાથે ઊભા છીએ’ (અમે અમૃતપાલ સિંહ સાથે છીએ). એક વ્યક્તિને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ કહેતા પણ સાંભળવામાં આવ્યા હતા.

વિદેશ મંત્રાલયે વિરોધ કર્યો
ભારતના વિદેશ મંત્રાલયે આ સમગ્ર મામલે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. મંત્રાલયે કહ્યું- હાઈ કમિશનની બહાર પર્યાપ્ત સુરક્ષા કેમ ન રાખવામાં આવી? સુરક્ષાના અભાવે જ ખાલિસ્તાની અંદર પ્રવેશી શક્યા હતા. બ્રિટનમાં ભારતીય રાજદ્વારીઓ અને દૂતાવાસની સુરક્ષાને લઈને બ્રિટિશ સરકારની ઉદાસીનતા સહન કરી શકાય નહીં. આ વિયેના કન્વેન્શનના નિયમોનું સીધું ઉલ્લંઘન છે. અમે આશા રાખીએ છીએ કે આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા
વાઈરલ થયેલા વીડિયોમાં વિરોધીઓને નારા લગાવતા પણ સાંભળી શકાય છે. તેઓ ભારત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર હંગામાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે જ સમયે, ઘટના પછી, ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે તેની નિંદા કરી. તેમણે કહ્યું – આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. હું યુકેમાં ભારતીય હાઈ કમિશનના લોકો અને પરિસરમાં થયેલા હંગામાની નિંદા કરું છું.

પોલીસે અમૃતપાલના 114 લોકોની ધરપકડ કરી છે
અજનલા પોલીસ સ્ટેશન પર હુમલાના આરોપી અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. પોલીસે રવિવારે અમૃતપાલના વધુ 34 સહયોગીઓની ધરપકડ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં 114 લોકોની ધરપકડ કરી છે. રાજ્યભરમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહી છે. બીજી તરફ અમૃતપાલના સમર્થકોએ દાવો કર્યો હતો કે પોલીસે મોડી રાત્રે તેને કસ્ટડીમાં લીધો હતો. જોકે પોલીસે આ વાતને નકારી કાઢી હતી.

અમૃતપાલ ઈંગ્લેન્ડમાં બેઠેલા ખાલિસ્તાનીનો શિષ્ય છે
પંજાબ પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે અમૃતપાલનું નામ અવતાર સિંહ ખંડા સાથે જોડવામાં આવી રહ્યું છે. અતવર સિંહ ખાંડા બબ્બર ખાલસા ચીફ પરમજીત સિંહ પમ્માનો નજીકનો સહયોગી છે, જે પાકિસ્તાનમાં છુપાયેલો છે અને ‘બબ્બર ખાલસા યુકે’ ચલાવે છે.

પોલીસને એવા ઇનપુટ્સ મળ્યા છે કે બબ્બર ખાલસા હાલમાં પ્રોજેક્ટ K2 પર કામ કરી રહ્યો છે. આ અંતર્ગત કાશ્મીરમાં ભડકાઉ ગતિવિધિઓની સાથે પંજાબમાં ફરી એકવાર ખાલિસ્તાન ચળવળ બનાવવાની યોજના છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના વડા પરમજીત સિંહ પમ્મા અને અવતાર સિંહ ખાંડાએ પંજાબમાં ખાલિસ્તાન ચળવળને પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્ય સાથે અમૃતપાલને પંજાબ મોકલ્યો હતો.

Most Popular

To Top