Dakshin Gujarat

બાઈકની ચાવી નહીં આપતા પિતાને પુત્રએ પતાવી દીધા

વાપી : વાપીના (Vapi) નાની તંબાડી ગામે બાઈકની ચાવી (Bike key) નહીં આપતા પિતા સાથે પુત્રએ ઝઘડો કર્યા બાદ પિતાના માથામાં ઇંટ મારતા સારવાર બાદ પિતાનું મોત (Death) નીપજ્યું હતું. નજીવી બાબતમાં ઉશ્કેરાઈને પુત્રએ પિતાની હત્યા (Murder) કરી નાંખતા સમગ્ર વાપી પંથકમાં આ બનાવને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

વાપીના નાની તંબાડીમાં એઠી ફળિયામાં રહેતા ૫૦ વર્ષના મહેશભાઈ ઉત્તમભાઈ પટેલ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર રાહુલ પટેલ જે ૧૯ વર્ષની ઉંમર ધરાવે છે એ કંઈ કરતો નહીં હોય બેકાર છે. ગત તા.૧૨ સપ્ટેમ્બરે રાહુલે તેના પિતા પાસે બાઈકની ચાવી માંગી હતી. પિતાએ ચાવી આપવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાઈ ગયેલા રાહુલે તેના પિતા મહેશભાઈના માથામાં ઇંટનો ટૂકડો મારી દીધો હતો. મહેશભાઈને માથામાં ગંભીર ઈજા થતા સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં સારવાર બાદ પિતાનું મોત નીપજ્યું હતું. ડુંગરા પોલીસે રાહુલ પટેલ સામે તેના પિતાની હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ માટે કાર્યવાહી કરી હતી. જોકે રાહુલ પટેલનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હોવાથી હાલ તેને વલસાડ સિવિલમાં સારવાર માટે લઈ જવાયો છે. કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરીને વધુ તપાસ કરાશે.

હાંસાપોર ગામમાં પાસે પૈસા બાબતે બે યુવાનો બાખડ્યા
નવસારી : હાંસાપોર ગામ પાસે પૈસા માંગતા એક યુવાને બીજા યુવાનને માર મારતા મામલો જલાલપોર પોલીસ મથકે પહોચ્યો હતો. વિજલપોર રામનગર-3 માં રાજીવ રામનિવાસ શર્મા પરિવાર સાથે રહે છે. રાજીવભાઈએ પડોશમાં રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્ના જોરાવરભાઈ ભદોરિયાને અગાઉ મકાનના પૈસા આપ્યા હતા. જે પૈસા રાજીવભાઈ નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્ના પાસે માંગી રહ્યા હતા.

પરંતુ તેઓ રાજીવભાઈને પૈસા આપતા ન હતા. ગત 18મીએ હાંસાપોર ગામે ચાચા ચીકનની બાજુમાં આવેલી નહેર પાસે રાજીવભાઈ નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાને મળ્યા હતા. ત્યારે નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાએ પૈસા બાબતની અદાવત રાખી રાજીવભાઈ સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી માર મારવા લાગ્યો હતો. ઝઘડામાં ઝપાઝપી દરમિયાન રાજીવભાઈને ધક્કો લગતા રાજીવભાઈ નહેરમાં પડી જતા નહેરની દીવાલ માથામાં વાગી હતી. જેના પગલે તેમને માથામાં ઈજાઓ થઇ હતી. જેથી નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્ના જતા જો તું મકાનના પૈસા ફરી માંગશે તો તને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગયા હતા. આ બનાવ અંગે રાજીવભાઈએ જલાલપોર પોલીસ મથકે નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્ના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. પ્રવિણભાઈને સોંપી છે.

Most Popular

To Top