Gujarat

બે દાયકાથી બંધ પડેલા કેશોદ એરપોર્ટને પુનઃ શરૂ કરાશે

છેલ્લા બે દાયકાથી બંધ જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટને વધુ એકવાર પુનઃ ધમધમતું કરવાની જાહેરાત કરાતા સોરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગુરૂવારે દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ વૈશ્વિક પ્રવાસન અને વેપારને પ્રાધાન્ય મળે તે હેતુસર ઉડાન સ્કિમ હેઠળ દેશના પાંચ શહેરોમાં એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જેના પગલે સોરઠના પ્રવાસન ઉઘોગમાં નવી આશા જન્‍મી છે. આ બંધ એરપોર્ટને ધમધમતું કરવા અનેકવાર સ્થાનિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ અને ઉઘોગકારો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. આ મુદો ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે પણ ચર્ચામાં આવ્યો હતો.

પાકિસ્તાન સાથે જૂનાગઢને જોડવાના સપનાં જોતા જૂનાગઢના નવાબે જ્યારે ભારત છોડી ભાગવું પડ્યું હતું ત્યારે તેને કેશોદ એરપોર્ટ પરથી જ ઉડાન ભરી હતી અને પાકિસ્તાન પહોંચ્યા હતા. જૂનાગઢના નવાબના ઉપયોગ માટે જ નવાબીકાળમાં કેશોદ એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ તેનો ઉપયોગ ચાલુ હતો.

કેશોદ એરપોર્ટ શરૂ થવાથી અત્રેથી અમદાવાદ, મુંબઇ, દિલ્‍હી સહિત દેશભરના વિવિધ શહેરોને જોડતી ફલાઈટ ઉડાન ભરશે તેવી આશા ફરી જાગી છે. સોરઠના સાસણ, સોમનાથ, ગીરનાર રોપ-વે, દેવભૂમિ દ્વારકા સહિતના અનેક પર્યટન સ્થળોની મુલાકાતે આવતા દેશ-વિદેશના યાત્રિકોને ટ્રાવેલ કરવાનો એક સારો વિકલ્‍પ મળતો થશે.

જેનો સીધો ફાયદો સ્‍થાનિક પ્રવાસન ઉઘોગ સાથે જોડાયેલા નાના-મોટા વેપાર-રોજગારીને થશે. અત્યાર સુધી દેશ-વિદેશથી સોરઠના પ્રખ્‍યાત ફરવાલાયક સ્‍થળોએ આવતા યાત્રિકોને દીવ અથવા પોરબંદર એરપોર્ટ ઉતરવું પડતું હતું. હવે જ્યારે કેશોદ ખાતે એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત થઇ છે ત્‍યારે યાત્રિકો માટે ફરવાલાયક સ્‍થળોનું અંતર સાવ નજીક થઇ જશે.

આ ઉપરાંત સોરઠમાં ફીશ એક્ષપોર્ટ, અંબુજા સીમેન્‍ટ, શાપુરજી પાલોનજી, જીએચસીએલ, ઇન્‍ડીયન રેયોન, સિઘ્‍ઘી સીમેન્‍ટ જેવા મોટા ઔધોગિક વિસ્તાર આવેલો છે ત્યારે કેશોદ એરપોર્ટ શરૂ થવાથી ઉદ્યોગોને સુવિધા મળવાથી ફાયદો થવાની આશા વ્‍યકત થઇ રહી છે. કેશોદ એરપોર્ટ પરથી હવાઈ યાત્રા કાયમી ધોરણે ચાલુ રહે તેવી આશા સોરઠના લોકો રાખી રહ્યાં છે.

Most Popular

To Top