કેરળ: દેશના અનેક ભાગોમાં ચોમાસુ (Monsoon) સક્રિય થઈ ગયું છે. વરસાદના કારણે લોકોને ગરમીના પ્રકોપમાંથી તો છૂટકારો મળી રહ્યો છે પણ બીજી તરફ અનેક જગ્યાએ વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેરળમાં અતિભારે વરસાદ વરસવાના લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીએ લોકોને વધુ ડરાવી મુક્યા છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ, કેરળના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આથી જ હવામાન વિભાગે કેરળ અને હિમાચલના કેટલાંક જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.
કેરળના આ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ
કેરળના પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. કેરળના ઇડુક્કી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી સંભાવના રહેલી છે.
હિમાચલ પ્રદેશમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDએ સોમવાર અને મંગળવાર માટે હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ આગામી 5 દિવસ સુધી આવી જ સ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ચોમાસાની શરૂઆતના પગલે રામપુરમાં વાદળો ફાટયા હતા.. આ ઉપરાંત મંડી અને કુલ્લુમાં પણ વાદળ ફાટવાના કારણે ભારે તબાહી સર્જાઈ હતી.
હિમાચલમાં મંડીમાં વાદળ ફાટ્યું, ચંદીગઢ-મનાલી હાઈવે નજીક ભૂસ્ખલન
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે ચંદીગઢ-મનાલી હાઈવે નજીક ભૂસ્ખલન થયું છે. જેના કારણે માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. પહાડી વિસ્તારોમાં લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો મંડીના હનોગી મંદિર પાસે અચાનક પૂરના કારણે નેશનલ હાઈવે-3 બંધ થઈ ગયો હતો. બીજી તરફ કુલ્લુમાં ભારે વરસાદને કારણે મોહલ ખાડમાં અચાનક પૂર આવ્યું હતું.જેના કારણે અનેક વાહનોને નુકસાન થયું હતું. હિમાચલની મંડીમાં વાદળ ફાટવાની હૃદયદ્રાવક તસવીરો પણ સામે આવી છે.
મુંબઈ અને દિલ્હીમાં પણ પ્રથમ વરસાદમાં તબાહી સર્જાઈ
મુંબઈ અને દિલ્હીમાં એક જ દિવસે ચોમાસાની શરૂઆત થતાં એક અદ્ભૂત સંયોગ સર્જાયો છે. 62 વર્ષથી પછી એક જ દિવસે મુંબઈ અને દિલ્હીમાં મેઘો વરસ્યો હતો. જો કે પહેલા વરસાદમાં જ મુંબઈમાં એક ઈમારત ધ્વસ્ત થઈ હતી જ્યારે દિલ્હીમાં એક મહિલાનું મોત થયું હતું.
રાજસ્થાનમાં વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા
રાજસ્થાનમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. IMD અનુસાર આજે શ્રી ગંગાનગર વિસ્તારમાં વરસાદ અથવા તોફાન અથવા ધૂળની આંધી થવાની સંભાવના છે, આંશિક વાદળછાયું વાતાવરણ છે. તે જ સમયે અન્ય ઘણા જિલ્લાઓમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળશે.
આસામમાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે અને લગભગ પાંચ લાખ લોકો તેની ઝપેટમાં છે. બ્રહ્મપુત્રા સહિત રાજ્યની મુખ્ય નદીઓ વિવિધ સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.