નવી દિલ્હી: આફ્રીકી દેશે કેન્યામાં મોટો રોડ અકસ્માત (Road accident) થયો છે. કેન્યામાં શુક્રવારે એક ટ્રક (Truck) પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 48 લોકોનાં મોત (Death) તેમજ 36થી વધુ લોકો ઘાયલ (Injured) થયાના સમાચાર સામે આવ્યાં છે. આ ઘટના પછી કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ પણ ટ્વિટ (Tweet) કરી શોક વ્યકત કર્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર પશ્ચિમ કેન્યાના લોડિયાનીમાં શિપિંગ કન્ટેનર લઈ જતી એક ટ્રકના ડ્રાઈવરે ટ્રક પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે ટ્રક લપસી ગઈ હતી અને પલ્ટી મારી ગઈ હતી. ટ્રક રસ્તા પર અન્ય વાહનો સાથે જોરભેર અથડાઈ હતી જેના કારણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં ક્ષતિગ્રસ્ત મિનિબસ અને ટ્રક તેમજ અકસ્માતની અડફેટે આવેલા કાર અને મોટરસાઇકલના ટુકડે ટુકડા થયેલા જોવા મળ્યા હતા.
પ્રાદેશિક પોલીસ કમાન્ડર ટોમ ઓડેરાએ પ્રાથમિક માહિતી આપતા મૃતકોની સંખ્યા 48 ગણાવી હતી. ત્યાર પછી વધુ તપાસ કરતા વાહનોની નીચેથી વધુ ત્રણ મૃતદેહો દબાયેલા મળી આવતા મૃત્યુઆંક 51 પર પહોંચ્યો હતો. આ સિવાય પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 36 લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર કેટલાક ઘાયલોની હાલત અત્યંત ગંભીર હોવાનું પણ જણાયું છે. જેના કારણે એવી સંભાવના વ્યકત કરવામાં આવી છે કે આ અકસ્માતમાં મૃતકઆંક હજુ વધી શકે છે.
કેન્યામાં શુક્રવારે થયેલા ભયાનક રોડ અકસ્માતમાં મૃત્યુ પામેનારાઓમાં ઘણાં યુવાનો અને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ટ્વિટર પર આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે રાષ્ટ્ર એ પરિવારો માટે શોક વ્યક્ત કરે છે જેમણે લોન્ડિયાનીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સાથે તેમણે કહ્યું હતું કે ખાસ કરીને હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે લોકોએ ગાડી ચલાવતી વખતે સાવચેત રહેવું જોઈએ.