નવી દિલ્હી(NewDelhi): એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે તા. 21 માર્ચની સાંજે લિકર સ્કેમ કેસમાં (Liquor Scam) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (DelhiCMArvindKejriwal) ધરપકડ (Arrest) કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને સર્ચ બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. આજે આ કેસમાં પીએમએલએ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ઈડીએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
- EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં કેજરીવાલ વિરુદ્ધ 28 પાનાની દલીલો રજૂ કરી
- EDએ અરવિંદ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા
- કોર્ટે કેજરીવાલના રિમાન્ડ અંગેનો પોતાનો નિર્ણય અનામત રાખ્યો
રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થતાની સાથે જ EDએ કેજરીવાલની ધરપકડના કારણોને સમજાવતા કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી. EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું કે આરોપી (કેજરીવાલ)ની ગુરુવારે રાત્રે 9.05 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. તેમને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. અમે તેમના 10 દિવસની રિમાન્ડ અરજી આપી છે. અમે તમામ જોગવાઈઓનું પાલન કર્યું છે. આ અંગે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. EDએ કેજરીવાલની ધરપકડ અને તેમના ઘરે દરોડાની ફાઇલ પણ કોર્ટને બતાવી.
કેજરીવાલ લિકર પોલીસીના ગઠનમાં સીધા સામેલ હતા
આ સાથે ઈડીએ કેજરીવાલ વિરુદ્ધ 27 પાનાની ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડના કિંગપિન છે. EDએ કહ્યું કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસીની ગઠનમાં સીધા સામેલ હતા. કેજરીવાલે લાંચ લઈ અમુક લોકોની તરફેણ કરી હતી. EDએ કોર્ટને જણાવ્યું કે દારૂ કૌભાંડની આરોપી કવિતાનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. નોંધાયેલા નિવેદનો અનુસાર, કેજરીવાલ કવિતાને મળ્યા અને તેમને કહ્યું કે તેઓએ દિલ્હીની દારૂની નીતિ પર સાથે મળીને કામ કરવું જોઈએ.
કવિતાએ ‘આપ’ને 100 કરોડ રૂપિયા આપ્યા
કવિતાએ AAPના મોટા નેતાઓને લાંચ આપી હતી. કવિતાએ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા. લાંચની રકમ રોકડમાં આપવામાં આવી હતી. EDએ કહ્યું કે કેજરીવાલને માત્ર તેમના કાર્યો માટે જ નહીં પરંતુ તેમના સહયોગીઓએ જે કર્યું તેના માટે પણ તેમને જવાબદાર ઠેરવવા જોઈએ.
બે વખત રોકડ ટ્રાન્સફર થઈ, ગોવાની ચૂંટણી માટે 45 કરોડનો ઉપયોગ કરાયો
EDએ કહ્યું કે રોકડ બે વખત ટ્રાન્સફર કરવામાં આવી હતી. દારૂ કૌભાંડનો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. નાયર ખરેખર કેજરીવાલના ઘરની નજીક રહેતો હતો. તે ખરેખર વચેટિયા તરીકે કામ કરતો હતો. કેજરીવાલે સાઉથની લોબી પાસેથી લાંચ માંગી હતી. અમારી પાસે મજબૂત પુરાવા છે.
EDએ કેજરીવાલ વિશે ઘણા દાવા કર્યા છે. EDએ બે લોકો વચ્ચેની ચેટનો ઉલ્લેખ કર્યો હતો. આ ચેટમાં રોકડની ચર્ચા થઈ રહી હતી. EDએ કહ્યું કે હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વિવિધ લોકોને મોટી રકમ આપવામાં આવી હતી. અમે આ લોકોની સીડીઆર (CDR) વિગતો મેળવી છે. અમારી પાસે તેમનો ફોન રેકોર્ડ પણ છે. વિજય નાયરની એક કંપની પાસેથી પણ પુરાવા મળ્યા છે. આ પૈસા ચાર માર્ગો દ્વારા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ED પાસે બધા પુરાવા છે તો ધરપકડ કેમ કરી?, કેજરીવાલના વકીલની દલીલ
સીએમ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કોઈને દોષિત શોધવાનું કારણ અને ED પાસે ઉપલબ્ધ સામગ્રી વચ્ચે સંબંધ હોવો જોઈએ. સવાલ એ છે કે ધરપકડની જરૂર કેમ પડી? તેમણે કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો અને કહ્યું કે ED પાસે બધું જ છે તો ધરપકડની શી જરૂર હતી?
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ મારી વિરુદ્ધ નિવેદન આપે તો શું આ કોર્ટ તેને પુરાવા તરીકે માની શકે? કોઈ ખોટું કામ બતાવવા માટે કોઈ ભૌતિક પુરાવા નથી. કોઈ વાંધાજનક સામગ્રી મળી નથી. EDએ બાર્ટર દ્વારા નિવેદનો મેળવ્યા છે. તેમણે કહ્યું કે રાજકીય બદલો લેવા માટે EDની સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે. ઉદારતાની આડમાં સહઆરોપીઓના નિવેદન લેવામાં આવે છે. આ પ્રક્રિયાનો સંપૂર્ણ દુરુપયોગ છે.
કેજરીવાલની ધરપકડ સામે વિરોધ
કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીની જાહેરાત પછી તરત જ કેજરીવાલની ધરપકડ એ દર્શાવે છે કે પીએમ મોદી તેમનાથી ડરે છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડને લોકશાહીની હત્યા ગણાવી હતી. આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપ વિરુદ્ધ લડાઈ ચાલુ રાખશે. અમે તેની વિરુદ્ધ રસ્તા પર ઉતરીશું. મંત્રી ગોપાલ રાયે કહ્યું કે આમ આદમી પાર્ટી તેના રાષ્ટ્રીય કન્વીનરની ધરપકડના વિરોધમાં આજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરનો ઘેરાવ કરશે.