આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલા હુમલાની ઘટના સામે આવી છે. આમ આદમી પાર્ટીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાજપ હારના ડરથી નર્વસ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવા માટે ભાજપને તેના ગુંડા મળી ગયા છે. AAPનો આરોપ છે કે ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર ઈંટો અને પથ્થરોથી હુમલો કરીને તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ પ્રચાર કરી શકે નહીં.
આમ આદમી પાર્ટીએ કહ્યું, ભાજપના લોકો… કેજરીવાલ જી તમારા કાયર હુમલાથી ડરવાના નથી, દિલ્હીના લોકો તમને જડબાતોડ જવાબ આપશે.
અમારા કાર્યકરોને કચડી નાંખ્યાઃ ભાજપ
આ દરમિયાન ભાજપે જવાબી કાર્યવાહી કરીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. નવી દિલ્હી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું કે કેજરીવાલની કાળી કારે અમારા કાર્યકર્તાઓને કચડી નાખ્યા છે.
પ્રવેશ વર્માએ કહ્યું કે છેલ્લા 11 વર્ષથી દિલ્હીમાં ચાલી રહેલી સરકારે દિલ્હીમાં ભ્રષ્ટાચાર જ નથી ફેલાવ્યો પરંતુ દિલ્હીને પણ બરબાદ કરી દીધું છે. આજે હું દેશવાસીઓ અને દિલ્હીની જનતાને અપીલ કરવા આવ્યો છું કે તમારે દિલ્હીને બચાવવી પડશે, છેલ્લા 11 વર્ષમાં યમુના માત્ર ગંદી જ નહીં પરંતુ ગટર જેવી પણ બની ગઈ છે.
