મુલાયમસિંહ યાદવનાં પુત્રવધૂએ અન્ય પક્ષમાં પ્રવેશ મેળવ્યો, ગુજરાતમાં વિજય સુવાળાએ આપ છોડી ભાજપ જોઇન્ટ કર્યું. ભાજપના આગેવાન નેતાઓ અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદીમાં જોડાયા. સમાચારપત્રો હોય કે ચેનલો, દિવસભર ચાલતા સમાચારોનું વિશ્લેષણ કરો તો માત્ર રાજકીય સમાચારો અને તેના મનઘડંત અર્થઘટન જ કર્યા કરે છે. રાજકારણથી થાકે તો વિરાટ કોહલીનું રાજીનામું આઇ.પી.એલ.માં ખેલાડીઓની હરાજી જેવા મુદ્દાને રાષ્ટ્રિય મુદ્દાઓ બનાવી ચલાવે છે. પ્રજાજીવનના પ્રવાહો ભુલાય તેવા સમાચારો તો દિવસમાં એક – બે વાર ટૂંકમાં પતાવાય છે. પોતાનું મૂળભૂત કામ માત્ર કર્મકાંડની જેમ શુકન પૂરતું પતાવી ગૌણકામને મહત્ત્વનું બનાવી દેવાયું છે. પણ આની ગંભીર અસરો મધ્યમ વર્ગીય જનમાનસ ઉપર સર્જાય છે. તે ઇચ્છે કે ન ઇચ્છે તે સવારથી સાંજ સુધી આ પક્ષપલટા અને રાજકીય દાવપેચની ચર્ચાઓમાં જ સંકળાયેલો રહે છે. રાષ્ટ્રિય ચેનલોની દેખાદેખીમાં સ્થાનિક ચેનલો પણ આ જ સમાચારો ચર્ચામાં રાખે છે. પરિણામે રોજિંદા જીવનમાં જે પ્રશ્નો તરફ પ્રજાનું ધ્યાન જવું જોઇએ, પાનના ગલ્લાથી માંડીને અપડાઉનમાં જે પ્રશ્નો ચર્ચાવા જોઇએ તે ચર્ચાતા નથી.
એક રીતે વર્તમાનપત્રોમાં એટલું સારું હોય છે કે વાચકે પસંદગી કરવાની હોય છે કે તેણે શું વાંચવું! વિગતો બધી જ હોય છે. તે ઇચ્છે તો પહેલા પાને છપાયા હોવા છતાં વિરાટ કોહલીના સમાચાર તે ન વાંચે અને અંદરના પાને તંત્રીલેખમાં લખાયેલ ગંભીર વિષયના લેખને વાંચી શકે! જયારે ન્યુઝ ચેનલમાં દર્શક પાસે બે જ વિકલ્પ છે. કાં તો ચેનલોવાળા જે બતાવે તે જુએ અથવા તે ચેનલ બંધ કરે! જો આપણે ચેનલોના નિર્ણાયક પોસ્ટ પર બેઠેલા મિત્રોને પૂછીએ કે તમે સતત રાજકીય ન્યૂઝ કેમ ચલાવો છો? તો કહેશે ટી.આર.પી…. લોકો જુએ છે જ આ! જૂના સમયમાં ગામના ચોરે બેસીને પંચાત કરતા લોકો જેવી ચેનલોની ચર્ચાઓની હાલત થઇ છે. ‘જોવાય છે જ આ’ ના બહાના હેઠળ એ લોકો સ્ટુડિયો ચર્ચાના સરળ રસ્તા અપનાવે છે. પણ ખરેખર આવું નથી. એક તો દિવસના કામના કલાકોમાં જેઓ ઘરે છે તે કામ ન કરતો વર્ગ છે. ઉચ્ચ મધ્યમ વર્ગ આવી કારણ વગરની બૌધ્ધિક ચર્ચા બે મીનીટ સાંભળે તો આખા સમાજને આ જ જોઇએ છે તેમ માની ન લેવાય! લોકોને જે ગમે તે આપવું તેવો અભિગમ હોય તેવી જ રીતે લોકોને બીજું પણ ગમતું થાય એવા સમાચાર આપવા પણ મીડિયાની ફરજ છે!
ગુજરાતમાં એક ગાયક એક પાર્ટીમાં જોડાય કે પાર્ટી છોડે તે એટલું અગત્યનું છે જ નહીં જેટલું કોલેજ – યુનિવર્સિટીમાં કોરોનાકાળમાં શિક્ષણ -પરીક્ષણ ખાડે ગયું તેની ચર્ચા અગત્યનું છે. આપણા ન્યાયતંત્રમાં અંગ્રેજીનું પ્રભુત્વ, ગુજરાતના તમામ મુખ્ય સ્થાનો પર બિનહિન્દી અધિકારીઓનું વલણ, સહકારી ડેરી ઉદ્યોગમાં કોમર્શિયલ એપ્રોચ અને જાહેરાતોનું વધતુ મહત્ત્વ, જાહેર વાહન વ્યવહારની ઘટતી સગવડો, રાજયના રસ્તા તથા ટ્રાફિકમાં પોલીસકર્મીની અછત, રાજયમાં સરકારી રોજગાર ભરતીમાં શંકાસ્પદ આક્ષેપો. આ સતત ચર્ચાતા રહેવા જોઇએ તેવા સમાચાર છે. આની લાંબી અને ઉકેલ આવે તેવી ચર્ચા થવી જોઇએ!
ભારતમાં એક સમયે છાપાં અને ચેનલોએ ભ્રષ્ટાચારને મોટો મુદ્દો બનાવ્યો હતો, કાળા નાણાંને સક્રિય સમસ્યા તરીકે ઘરે ઘરે ચર્ચામાં મૂકયું હતું. સરકારની અનિર્ણાયકતા અને સતત વધતી મોંઘવારી રોજ સમાચારનો હિસ્સો બનતા. હવે માત્ર પક્ષપલટો જ આપણી રાજકીય સમસ્યા છે. પહેલાં એવું કહેવાતું કે રાજકીય નેતાઓ પ્રજાને જુદા મુદ્દે ચડાવી દે છે. ધર્મના નામે અંદર-અંદર ઝઘડાવે છે. હવે આ કામ સમૂહ માધ્યમોએ ઉપાડી લીધું છે. ‘માત્ર ધંધો ચાલે’ – એ એક જ મુદ્દા પર આ સમૂહ માધ્યમો ચાલે છે. સ્ટુડિયોની નિરર્થક ચર્ચાઓમાં કલાકો આપવા પાછળનો ચેનલોનો એક ઇરાદો એ પણ હોય છે કે સમાચારો શોધવા માટે ખર્ચ ન કરવો પડે! પત્રકારો ન રોકવા પડે! પ્રજાજીવનના પ્રવાહો ખૂલતા સમાચારો મોટે ભાગે સત્તા અને સ્થાપિત હિત વિરુધ્ધ હોય છે એટલે તેમનો અણગમો ન વેઠવો પડે એટલે આયારામ – ગયારામની ચર્ચાઓમાં દિવસ પૂરો કરવો! પણ આ યોગ્ય નથી. આટલા સશકત માધ્યમે આ રીતે વેડફાઇ જવું ન જોઇએ!
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે