Charchapatra

કઠપૂતળીની કળાને જીવંત રાખો

ભારત દેશ જેટલો પ્રાચીન છે, એટલું એના સાંસ્કૃતિક કળા-વારસામાં પણ વૈવિધ્ય છે. આજે આપણો દેશ દરેક ક્ષેત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિએ રંગાઈ ગયો છે. પાશ્ચાત્ય દેશો ભારત જેટલા પ્રાચીન નથી. અર્વાચીનતાના નામે પ્રાચીનતાને વિસારે પાડી દેવામાં આવી છે. મનોરંજન ક્ષેત્રે ફિલ્મ, ટીવી, મોબાઈલ તેમ જ કોમ્પ્યૂટર ગેમનું વર્ચસ્વ છે. આ ક્ષેત્રે ભારતની પ્રાચીન કળાઓ ક્યાંય ખોવાઈ ગઈ છે. એમાંની એક છે કઠપૂતળીની કળા. પચાસ વર્ષ અગાઉ સુધી કઠપૂતળીની કળા જીવંત હતી. નાનાં ભૂલકાંઓને બાલમંદિરમાં અવારનવાર કઠપૂતળીના ખેલ બતાવવામાં આવતા. આ પ્રાચીન કથાઓ, રામાયણ-મહાભારતના પ્રસંગો કઠપૂતળીના માધ્યમથી આંખો સમક્ષ જીવંત થઈ ઉઠતા. શરૂઆતમાં તો નાની પૂતળીઓ કઈ રીતે હલનચલન કરતી હતી તે સમજ ન પડી; બસ, જોવાની મજા આવતી. 2-3 શો પછી ખબર પડી કે એક માણસ પોતાને સંતાડેલો રાખીને પોતાની આંગળીઓએ બાંધેલ દોરીઓ વડે આ કઠપૂતળીઓને નચાવે છે. અભિનય કરાવે છે. તે સમયે પણ એ માણસની કળા પર અભિભૂત થઈ જવાતું. અને આજે પણ થઈ જવાય છે.

કેટલી બધી આંગળીઓ પર કેટલી બધી દોરી એ માણસ બાંધતો હશે? એમાં યુદ્ધના દૃશ્યો પણ ભજવાઈ જાય. દરબારના દૃશ્યો પણ ભજવાઈ જાય. રાજાની સવારીના દૃશ્યો પણ ભજવાઈ જાય. સૌથી વધુ વિસ્મયકારક તો ઘોડા પર કે હાથી બેઠેલો રાજા કે સૈનિક હતો. એક સાથે ઘોડો અને સૈનિક બંનેને નિયંત્રિત કરવા એ આજે પણ મુશ્કેલ ભાસે છે પરંતુ કઠપૂતળી કલાકારને એ કળા હાથવગી હતી. કઠપૂતળીઓ કાપડની, ગાભાની અને લાકડાની બનતી. એની બનાવટ પણ એક કળા હતી. કઈ પૂતળીના કયાં અંગો ક્યાંથી ‘‘મુવેબલ’’ રાખવાં એ એ ઘણો વિચારમાગી લેતી પ્રક્રિયા હશે. કઠપૂતળીની કળા મૂળે રાજસ્થાનની. આટલી સુંદર કળાને કેમ વિસારે પાડી દેવામાં આવી એ મારી તો સમજ બહારની વાત છે.

એ પૂતળીઓને નચાવનાર કળાકાર શો દરમિયાન તો દેખાતા નહીં, પણ શો પછી પમ એમને લોકોની સામે આવતા જોયા નથી. ખબર નહીં કે 50-60 વર્ષ અગાઉ એમને શું મહેનતાણું મળતું હશે! કઈ રીતે એ કળાને પુનર્જિવિત કરી શકાય? શું આજે વિદ્યાર્થીઓને શાળામાં કઠપૂતળીના શો નહીં બતાવી શકાય? લાયન્સ, રોટરી જેવી સંસ્થાઓ પણ પોતાની મીટિંગમાં કઠપૂતળીના શો રાખી શકે. મિલન સમારોહમાં પણક્યારેક કઠપૂતળીના સો રાખી શકે. કઠપૂતળીનો ખૂબ સારો ઉપયોગ તો શિક્ષણ ક્ષેત્રમાં પણ થઈ શકે છે.
સુરત- ઉમેશ દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top