ઉત્તરાખંડના કેદારનાથ મંદિરની (Kedarnath Temple) આવક છેલ્લાં ચાર વર્ષમાં 2.3 ગણી વધી છે. વર્ષ 2020-21માં મંદિરને મળેલા દાન, પ્રસાદ અને વિવિધ સેવાઓમાંથી આવક 22.04 કરોડ હતી જે 2023-24માં વધીને 52.9 કરોડ થઈ ગઈ છે. માહિતી અધિકાર (RTI) અરજીના જવાબમાં શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ નોઈડા સ્થિત આરટીઆઈ (RTI) કાર્યકર્તા અમિત ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં મંદિર સમિતિએ જણાવ્યું હતું કે 2020-21માં મંદિરની આવક 22.04 કરોડ રૂપિયા હતી. જોકે કોવિડ-19 રોગચાળા અને તેના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે 2021-22માં તે ઘટીને 16.52 કરોડ રૂપિયા થઈ હતી.
સરકારે મંદિરમાં દર્શન માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાનું ફરજિયાત બનાવ્યા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. આ ઉપરાંત દરરોજ આવતા ભક્તોની સંખ્યા પણ મર્યાદિત હતી જેના કારણે મંદિરની આવક પર અસર પડી હતી.
2022-23 અને 2023-24માં રેકોર્ડ વધારો કોવિડ-19 ના કેસોમાં ઘટાડો થયો અને મુસાફરી પર પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. કેદારનાથ ધામમાં આવતા ભક્તોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો હતો. પરિણામે મંદિરની આવક 2022-23માં વધીને 29.67 કરોડ રૂપિયા થઈ અને 2023-24માં 52.9 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
મંદિરની આવકના સ્ત્રોત શું છે?
મંદિર સમિતિના જણાવ્યા અનુસાર કેદારનાથ મંદિરની આવક ભક્તો દ્વારા આપવામાં આવતા ચઢાવા અને દાનમાંથી આવે છે. આ ઉપરાંત મંદિરમાં દર્શન કરવા માટે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરતા મુસાફરો પાસેથી વધારાનો ચાર્જ પણ વસૂલવામાં આવે છે જેના કારણે આવકમાં પણ વધારો થયો છે.
ભવિષ્યમાં આવકમાં વધુ વૃદ્ધિ થવાની શક્યતા
મંદિર સમિતિનું કહેવું છે કે જો ચાર ધામ યાત્રાની લોકપ્રિયતા એવી જ રહેશે અને ભક્તોની સંખ્યા વધતી રહેશે. તો આગામી વર્ષોમાં કેદારનાથ મંદિરની આવકમાં વધુ વધારો થઈ શકે છે. કોવિડ પછીના સમયગાળામાં યાત્રાળુઓમાં વધારો થયો છે જેની મંદિરની આવક પર સકારાત્મક અસર પડી છે.