આણંદ : ‘વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીની સફળતા પાછળ ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી)નો સિંહફાળો રહેલો છે. સહકાર વડે છેવાડાના માનવીને સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે.’ તેમ ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની 75મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું હતું. કેડીસીસી બેંકની સ્થાપના 1949માં સરદાર પટેલે કરી હતી. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં 84 શાખા છે, જેમાં 7 લાખથી વધુ ખેડૂતોના ખાતા છે. હાલ બે હજાર કરોડથી પણ વધુનું ટર્ન ઓવર ધરાવે છે.
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 1200થી વધુ ગામોના ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદરૂપ એવી ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની 75મી વાર્ષિક સાધારણ સભા રવિવારના રોજ અમૂલ ડેરીના સરદાર પટેલ હોલમાં યોજાઇ હતી. આ પ્રસંગે બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ જણાવ્યું હતું કે, ગામડામાં રહેલો માનવી આર્થીક પ્રવૃત્તિ સાથે સંકળાય અને આગળ આવે તે માટે બેંક દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સુવિધા છેવાડના માનવી સુધી લઇ જવી જોઈએ. માઈક્રો ફાયનાન્સ દ્વારા 37 ટકા જેટલું વ્યાજ વસુલવામાં આવતું હતું. પરંતુ હવે આત્મનિર્ભર બનવા માટે મોહિમ ચલાવવી પડશે. કેડીસીસી બેંકનું આગામી દિવસોમાં નેશનલાઇઝ બેંક અને કોર્પોરેટ બેંકને પણ વટાવી જાય તેવું વિઝન છે. બે મહિનામાં દરેક મંડળી બેન્ક બની જાય તે રીતે સુવિધા ઉભી કરાશે. મંડળીમાં જ ખાતું ખોલવા સહિતની સુવિધા મળશે. આ સંદર્ભે સેક્રેટરીને મહેનતાણું પણ આપવામાં આવશે.
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાના વિવિધ ઠરાવોની બહાલી લેવામાં આવી હતી. જેમાં જુના હિસાબો મંજુર કરવા ડિવિડન્ટ મંજુર કરવા, વનટાઇન સેટલમેન્ટ યોજના, એપીએની હરાજીમાંથી થયેલી આવક પેનલ્ટી નાબદુ કરવા સહિતના ઠરાવો મંજુર કરવામાં આવ્યાં હતાં. ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ડિઝીટલ સેવાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુવેનિયરનું અનાવરણ કર્યું હતું. જે દર મહિને સભાસદોને અપડેટ રાખશે. આ ઉપરાંત છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વોટ્સઅપ સેવા પણ શરૂ કરવામાં આવી છે. આત્મનિર્ભર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના થકી નાના રોજગારો માટે લોન આપવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના નાણા મંત્રી ડો. ભાગવત કિશનરાવ કરાડ, પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો. ઓપ. બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેષભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક રમણભાઇ સોલંકી, ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, કમલેશ પટેલ, યોગેન્દ્રસિંહ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ સહકારી સેલના સંયોજક બિપીનભાઈ પટેલ, કેડીસીસી બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, એક્ઝિક્યુટીવ ઓફિસર અરવિંદ ઠકકર વિગેરે હાજર રહ્યાં હતાં.
બેંક દ્વારા વોટ્સઅપ સેવાનો પ્રારંભ કરાયાે
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સાધારણ સભામાં કેટલીક નવી સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વોટ્સઅપ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના માટે કોઇ પણ ખાતેદારે મોબાઇલ નં. 8055 373737 પર ‘હાઈ’ લખી મોકલવાનો રહેશે. આ મેસેજ કરતાં જ સામેથી ગુજરાતી અથવા અંગ્રેજી ભાષા પસંદ કરવા જણાવવામાં આવશે. જેમાંથી એક ભાષા પસંદ થતાં જ બેંકની જુદી જુદી સુવિધાનો મેસેજ આવશે. મીની સ્ટેટમેન્ટ, લોનની માહિતી, ફિક્સ ડિપોઝીટની માહિતી સહિતની વિગતો આવશે. જેમાંથી વિકલ્પ પસંદ કરતાં તમામ માહિતી પુરી પાડવામાં આવશે. આવી સુવિધા આપનાર ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પ્રથમ સહકારી બેંક બની છે.
મોટી હાજરીથી સહકારી સંમેલન બન્યું છે
‘આણંદ અમૂલના આંગણે કેડીસીસી બેંકની 75મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યાં છે. જેથી આ સહકારી સંમેલન બની ગયું છે. અગાઉ હું કેડીસીસી બેંકના ચેરમેન તરીકે હતો, તે સમયે ડિવિડન્ટ બે આંકડામાં આપવાનું વચન આપ્યું હતું. જે આજે પૂર્ણ થયું છે. ડિવિડન્ટ 9 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યું છે. જે ઇતિહાસમાં પહેલીવાર છે. મારા કાળમાં એક હજાર કરોડનું ધિરાણ કર્યું હતું અને એક વર્ષમાં 30 કરોડથી વધુ નફો કર્યો હતો. હાલ દૂધ મંડળીઓએ આર્થિક સધ્ધરતા લાવવા સોલાર નાંખવા જોઈએ.’
વિપુલભાઈ પટેલ, ચેરમેન, અમૂલ ડેરી, આણંદ.