રાજપીપળા : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ કેવડિયા (Kavdiya) ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં નવા બે પ્રવાસન આકર્ષણો, મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન (Maze Garden) અને મિયાવાકી ફોરેસ્ટને (Miyawaki Forest) પ્રવાસીઓ માટે ખુલ્લા મુક્યાં હતા. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતાં. વડાપ્રધાન એ તકતી અનાવરણ દ્વારા મેઝ (ભુલભુલૈયા) ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કરી તેને નિહાળી નિર્માણ પામેલ આ બંને સ્થળોની વિગતવાર જાણકારી મેળવી હતી.
જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે
આ ભુલભુલૈયા બનાવવા માટે અહીંયા અંદાજે કુલ ૧,૮૦,૦૦૦ છોડ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓરેન્જ જેમિન (મુરૈયા એક્સોટિકા), મધુકામિની, ગ્લોરી બોવર (ક્લરોડેન્ડ્રમ ઇનરમ) અને મહેંદીના છોડનો સમાવેશ થાય છે. આ સ્થળ મૂળરૂપે ખડકાળ પથ્થરોની ડમ્પિંગ સાઇટ હતી, જે હવે લીલોછમ ભૂપ્રદેશ બની ગઈ છે.આ ઉપરાંત વડાપ્રધાન ના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ મિયાવાકી વન એ જાપાનીઝ બોટાનિસ્ટ અકિરા મિયાવાકી દ્વારા પ્રેરિત ટેક્નીક છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે.
મિયાવાકી પદ્ધતિ માત્ર 2 થી ૩ વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે
આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુ-બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, આ પદ્ધતિમાં છોડનો વિકાસ ૧૦ ગણો ઝડપી થાય છે અને પરિણામ સ્વરૂપે ૩૦ ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર ૨ થી ૩ વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે.