નડિયાદ: કઠલાલમાં રહેતાં એક વૃધ્ધ દંપતિએ પાડોશમાં રહેતાં એક યુવકને પુત્રની જેમ રાખ્યો હતો. જોકે, આ યુવકે વૃધ્ધ દંપતિની ગેરહાજરીમાં તેમના ઘરના લોકરમાંથી 19 લાખ રૂપિયા ચોરી લીધાં હતાં. રૂપિયા પરત ન આપતાં મામલો પોલીસમથકે પહોંચ્યો છે. આ મામલે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કઠલાલમાં શ્રી રામ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ મકાન નં સી-306 માં રહેતાં 67 વર્ષીય શંકરભાઈ બાબુભાઈ ગોહિલ કસ્ટમ વિભાગમાં નોકરી પૂર્ણ કરી, હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. શંકરભાઈ નિવૃત્તિ પેટે આવેલી રકમમાંથી 20 લાખ રૂપિયા બેંકમાંથી લાવ્યાં હતાં અને ઘરના લોકરમાં મુક્યાં હતાં. જે બાદ તા.6-9-22 ના રોજ શંકરભાઈને એકાએક પગમાં તકલીફ થઈ હતી.
જેથી શંકરભાઈ લોકરમાંથી એક લાખ રૂપિયા લઈને રીઝવાન સાથે નડિયાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ગયાં હતાં. જ્યાં શંકરભાઈને દાખલ કરવામાં આવ્યાં હતાં. જેથી રીઝવાન ઘરે જઈને શંકરભાઈના પત્નિ ગોદાવરીબેનને પણ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. આ વૃદ્ધ દંપતિ હોસ્પિટલમાં હતું. તે દરમિયાન રીઝવાન પરત કઠલાલ આવ્યો હતો અને પોતાની પાસેની ચાવીથી શંકરભાઈનું મકાન ખોલી, લોકરમાંથી 19 લાખ રૂપિયા ચોરી લીધા હતાં. લોકરમાંથી 19 લાખ રૂપિયા લીધાં હોવાની કબુલાત કરી હતી અને આ રૂપિયા બે-ચાર મહિનામાં પરત આપી દેવાની ખાત્રી આપી હતી. પરંતુ, બાદમાં રીઝવાન મકાન ખાલી કરીને આણંદ રહેવા જતો રહ્યો હતો અને આજદિન સુધી શંકરભાઈને 19 લાખ રૂપિયા પરત આપ્યાં નથી. જેથી શંકરભાઈએ આ મામલે કઠલાલ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે કઠલાલ પોલીસે રીઝવાન ઈસ્માઈલભાઈ વ્હોરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.