નવી દિલ્હી: કથ્થક નૃત્ય (Kathak dance) માટે વિશ્વભરમાં પ્રખ્યાત બિરજુ મહારાજ (Birju Maharaj) ઉર્ફે પંડિત બ્રિજમોહન મિશ્રાનું રવિવારે મોડી રાત્રે નિધન (Died) થયું છે. 83 વર્ષીય બિરજુ મહારાજનું હાર્ટ એટેકના (Heart attack) કારણે નિધનના સમાચાર પ્રાપ્ત થયા છે. રવિવારે મોડી રાત્રે બિરજુ મહારાજ તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા. આ પછી તેના સંબંધીઓ તેને દિલ્હીના સાકેતની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પદ્મવિભૂષણ સન્માનિત બિરજુ મહારાજાએ 83 વર્ષની વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ આ માહિતી આપી હતી. તેઓ થોડા દિવસો પહેલા કિડનીની સમસ્યામાંથી સાજા થયા હતા અને હાલમાં ડાયાલિસિસ (Dialysis) પર હતા. પંડિત બિરજુ મહારાજના નિધનથી ભારતીય કલા જગતે પોતાનો એક અનોખો કલાકાર (Artist) ગુમાવ્યો છે.
- થોડા દિવસો પહેલાં બિરજુ મહારાજની કિડનીનો ઈલાજ થયો હતો, તેઓ ડાયાલિસિસ પર હતા
- બિરજુ મહારાજના કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ કથ્થક નર્તકો હતા
- પંડિત બિરજુ મહારાજના નિધનથી ભારતીય કલાજગતે અનોખો કલાકાર ગુમાવ્યો
બિરજુ મહારાજ જેઓ પંડિતજી અથવા મહારાજજી તરીકે જાણીતા છે. તેઓ દેશના ટોચના કથ્થક નર્તકોમાંના એક ગણાય છે. દાયકાઓ સુધી તેઓ કલા જગતના વડા રહ્યા છે. તેઓ કથક નર્તકોના મહારાજા પરિવારના છે. તેમના કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ કથ્થક નર્તકો હતા. આ સિવાય તેમના પિતા અને ગુરુ અચ્છન મહારાજ પણ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના (Indian classical music) મોટા કલાકાર હતા. બિરજુ મહારાજને કથ્થક નૃત્ય દ્વારા સામાજિક સંદેશ આપવા માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમના નિધન પર કલા જગતની ઘણી મોટી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. સિંગર્સ માલિની અવસ્થી અને અદનાન સામીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
ગાયિકા માલિની અવસ્થીએ લખ્યું, ‘ભારતીય સંગીતનો લય આજે અટકી ગયો. સૂર શાંત થઈ ગયા. કથકના સમ્રાટ પંડિતજી હવે આ દુનિયામાં રહ્યા નથી. ગાયક અદનાન સામીએ લખ્યું, મહાન કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજના નિધનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. કલાના ક્ષેત્રની એક મહાન હસ્તીને આજે આપણે ગુમાવી દીધી છે. તેમણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.
1983માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા
બિરજુ મહારાજે દેવદાસમાં, દેઢ ઇશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાનીમાં જેવી ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. રેખા, માધુરી દિક્ષીત, દિપીકા પાદૂકોણ જેવી અભિનેત્રીઓ તેમના ઈશારે નાચી ચૂકી છે. તેમણે સત્યજીત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ માટે સંગીત આપ્યું હતું. બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળ્યા હતા. બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી.
પીએમ મોદીએ કહ્યું, કલા જગતને ન પુરી શકાય તેવી ખોટ
પીએમ નરેન્દ્ર મોદીએ પણ કથક સમ્રાટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. બિરજુ મહારાજ સાથેની પોતાની એક તસવીર શેર કરતા પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું, ‘ભારતીય નૃત્ય કલાને વિશ્વભરમાં એક ખાસ ઓળખ આપનાર પંડિત બિરજુ મહારાજજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમનું અવસાન સમગ્ર કલા જગત માટે અપુરતી ખોટ છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ!”