SURAT

કતારગામના ગોડાઉનમાં આગ લાગતા પાંચ હજાર કાંડા ઘડિયાળ બળીને ખાક

સુરત : કતારગામ (Katargam) ડભોલી ચાર રસ્તા પાસે આવેલા એપલ સ્કેવરમાં (Apple Skewers) પાંચમા માળે બપોરના સમયે અચાનક જ આગ (Fire) લાગી હતી. જેમાં ગોડાઉનમાં રહેલી 5000 જેટલી કાંડા ઘડિયાળોનો (Wrist watches) જથ્થો બળીને ખાક થઇ જવા પામ્યો હતો.બનાવની વિગત એવી છે કે કતારગામમાં ડભોલી ચાર રસ્તા પાસે એપલ સ્કેવર નામનું પાંચ માળનું બિલ્ડીંગ આવેલું છે. આ બિલ્ડિંગમાં પાંચમાં માળે વોચ જંક્શન નામનું ઓનલાઇન વેચાણ કરતી પેઢીનું ગોડાઉન અને ઓફિસ છે. રવિવારે બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં વોચ જંક્શનમાં અચાનક જ કોઈ કારણસર આગ લાગી હતી.

ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું
ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનમાં ઘડિયાળનો મોટો જથ્થો હતો અને પુંઠાના બોક્ષ હતા. જેથી આ બોક્ષએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. ગણતરીની મિનિટોમાં આગ આખા ગોડાઉનમાં અને ઓફિસની અંદર ફેલાઈ ગઈ હતી. બનાવને પગલે 3.34 કલાકે ફાયર બ્રિગ્રેડ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા કતારગામ અને મુગલીસરા ફાયર સ્ટેશનથી કુલ પાંચ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. ફાયરબ્રિગ્રેડના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો શરુ કર્યો હતો.

હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા તાત્કાલિક પાણીનો મારો કરવામાં આવ્યો હતો
જોકે આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ બારીના કાચ તોડી બહાર આવી ગઈ હતી. જેથી ફાયર બ્રિગ્રેડના જવાનોએ હાઇડ્રોલિક પ્લેટફોર્મ બોલાવવાની જરૂર પડી હતી. હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા તાત્કાલિક પાણીનો મારો કરી લગભગ પોણા બે કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી. જોકે ભીષણ આગમાં ગોડાઉનમાં રહેલી ૫૦૦૦ કાંડા ઘડિયાળ તથા ઓફિસનું ફર્નિચર, કાગળો, વાયરિંગ અને કોમ્યુટર સહિતનો સમાન બળીને ખાક થઇ ગયો હતો.

સાયણ રોડ પર સેગવા ગામ નજીક ટ્રકમાં આગ લાગી
સુરત : શહેરના સાયણ રોડ પર આવેલા સેગવા ગામ નજીક એક ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટના અંગે ફાયરમાં જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર આવી આગને કાબુમાં લીધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ સેગવા પાસેથી એક ખાલી ટ્રક બપોરના દોઢ વાગ્યે પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક જ કોઈ કારણસર ટ્રકના એન્જિનમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ટ્રકના ડ્રાઈવરે ટ્રકને રસ્તાની સાઇડે ઉતારી ઉતરી ગયો હતો. કોસાડ ફાયર સ્ટેશનથી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. અને આગને કાબુમાં લીધી હતી. જોકે ભીષણ આગને પગલે ટ્રક સંપૂર્ણ બળીને ખાક થઇ ગઇ હતઈ. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Most Popular

To Top