બધાને જ આશા છે કે આ દિવાળીથી ફિલ્મોદ્યોગનું વાતાવરણ એકદમ નોર્મલ થવા માંડશે. થિયેટરો ફરી હાઇસ્કૂલ જવા માંડશે. ફિલ્મોના પ્રમોશન પણ થશે અને સ્ટાર્સમાં નવા ઉત્સાહ પ્રવેશશે. ખરું પુછો તો આવનારા છ મહિના દરેક સ્ટાર્સના દાવાઓના મહિના છે. બધાને જ એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં અમારી ફિલ્મ સફળ જશે ને સ્ટારડમ આગળ વધશે. મનોવૈજ્ઞાનિક રીતે જુઓ તો ૧૮-૨૦ મહિનાથી બધા અકળાયેલા છે ને હવે તેમની ફિલ્મો સારો ધંધો કરશે તો જ માર્કેટમાં ઊભા રહી શકાશે.
બધા પોતપોતાની બાજી ચીપી રહ્યાં છે પણ તેથી પ્રેક્ષકો તેમના વિશે શું પ્રતિભાવ આપશે તે કહી નહીં શકાય. અત્યારે કોઇ પોતાને રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચન માની શકે તેમ નથી. સફળતા માત્ર સ્ટાર્સને આધારે નથી મળી. સારા વિષય, સારી પટકથા, સારા દિગ્દર્શક અને ટોટલ પ્રોડકશન વેલ્યુ વિના કશું જ જજ કરી શકાતું નથી. પણ કાર્તિક આર્યન તેની નવી ઇનિંગ માટે ખૂબ ઉત્સાહી છે. વરુણ ધવન, ટાઇગર શ્રોફ જેવા નવા સ્ટાર્સ વચ્ચે પોતે વધુ ફ્રેશ ફિલ્મ આપી શકે છે એવું તે માની રહ્યો છે.
હમણાં જ તેણે ‘ભુલભુલૈયા-2’ નું શૂટિંગ પૂરું કર્યું છે. વિત્યા અઢી વર્ષથી આ ફિલ્મ બની રહી હતી તે ઠેઠ હમણાં પુરી થઇ છે. તેના ઉત્સાહનું કારણ એ પણ છે કે તે નવી ફિલ્મ માટે પણ પસંદ થઇ રહ્યો છે. અલબત્ત, તેને ઓરીજિનલ ફિલ્મના બદલે રિમેક જ વધારે મળે છે એટલે કે હજુ તેની પર નિર્માતા – દિગ્દર્શકો પૂરો ભરોસો કરી શકતા નથી. હમણાં તે ‘શેહજાદા’નું શૂટિંગ કરી રહ્યો છે જે મૂળ તેલુગુમાં બનેલી મ્યુઝિકલ એકશન ફિલ્મની રિમેક છે. મૂળમાં આલુઅરવિંદ, અર્જૂન અને પૂજા હેગડે હતાં. હવે કાર્તિક આર્યન અને પૂજા હેગડે છે. આ ફિલ્મનું દિગ્દર્શન વરુણ ધવનનો ભાઇ રોહિત ધવન કરશે.
‘શેહજાદા’માં પરેશ રાવલ, મનિષા કોઇરાલા, રોનિત રોય વગેરે પણ છે એટલે ફિલ્મ માટે નિર્માતા ભુષણકુમાર અને આલુ અરવિંદ વધારે મહત્વાકાંક્ષી હોવાનું જણાય છે. આ ફિલ્મ આવતા વર્ષે ૪ નવેમ્બરે રિલીઝ થશે એવું ય એનાઉન્સ કરી દેવાયું છે. કાર્તિક પાસે ચાર ફિલ્મો છે ને તેમાંની એક સિવાયની બધી જ ૨૦૨૨ માં રજૂ થવાની છે એટલે તેને ડર પણ લાગી રહ્યો છે. અનેક સ્ટાર્સની ફિલ્મોનો મેળો જામ્યો હશે ત્યારે પોતાની ફિલ્મનું શું થશે એવી ચિંતા થવી જરૂરી પણ છે. કાર્તિક બધા જ પ્રકારની ફિલ્મ માટે પર્ફેક્ટ ગણાવી શકાય એવો નથી અને તેણે એ જ પ્રયત્ન કરવાનો છે કે તે ટકકરનો સ્ટાર છે.
અત્યારે તો તે રોમેન્ટિક કોમેડીમાં જ યોગ્ય લાગે છે અને આવી ફિલ્મો બહુ મોટો ધંધો કરી શકતી નથી. અલબત્ત ‘ધમાકા’ એક એકશન થ્રીલર ફિલ્મ છે જે ‘ધ ટેરર લાઇવ’ નામની ફિલ્મ આધારે બની છે. રામ માધવાની દિગ્દર્શક આ ફિલ્મમાં તે પત્રકાર બન્યો છે. તેની સાથે મૃણાલ ઠાકુર અને અમૃતા સુભાષ છે. આ ફિલ્મ ૧૯ નવેમ્બરે નેટફલિકસ પર સ્ટ્રીમ થવાની છે. આ પહેલાં તે એકશન ફિલ્મમાં આવ્યો નથી. અત્યારે અજય દેવગણ, અક્ષયકુમાર, જહોન અબ્રાહ્મ, ટાઇગર શ્રોફથી માંડી વિદ્યુત જામવાલ પણ એકશન ફિલ્મ માટે પર્ફેકટ ગણાય છે તેમાં કાર્તિક કઇ રીતે જુદો પડશે?
તેની બોડી એકશન માટે પર્ફેક્ટ લાગશે ખરી? ૨૦૧૧ થી શરૂ થયેલી તેની કારકિર્દી ૧૦ વર્ષમાં નવા તબકકામાં જરૂર પ્રવેશી ગઇ છે. તેની ૯ ફિલ્મ આ દરમ્યાન રજૂ થઇ ચુકી છે પણ ૨૦૨૨ નવા પડકારભર્યું વર્ષ છે. તેની ‘ફ્રેડી’ ફિલ્મ પણ બનીને તૈયાર છે જેમાં તે અલાયા એફ અને તૃપ્તિ અગ્રવાલ સાથે દેખાવાનો છે અને આ ઉપરાંત ‘સત્યનારાયણ કી કથા’ છે. એક વાત નકકી છે કે તેણે બહુ બધા વચ્ચે પોતાને ફરીવાર સાબિત કરવાનો છે. શરૂઆતની ફિલ્મો સફળ ગયા પછી જયારે નવી ફિલ્મો આવે ત્યારે અપેક્ષા વધેલી હોય છે. શરૂની ફિલ્મોની સફળતા જ દબાણ ઊભું કરે છે અને તેમાં સફળ રહો તો જ મોટા સ્ટાર બની શકાય છે. કાર્તિક આર્યન શું એ માટે પર્ફેક્ટ પૂરવાર થશે?