નવી દિલ્હી: IPS અધિકારી પ્રવીણ સૂદને CBIના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1986 બેચના IPS અધિકારી સૂદ બે વર્ષ સુધી આ પદ સંભાળશે. સીબીઆઈના (CBI) વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ 25 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. સૂદ એ જ દિવસે પોતાનું પદ સંભાઈ શકે છે. IPS અધિકારી પ્રવીણ સૂદ હાલમાં કર્ણાટકના DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. શનિવારે પસંદગી સમિતિની બેઠક મળી હતી, પીએમ મોદીની આગેવાની હેઠળની સમિતિએ ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યા હતા. સૂદ ઉપરાંત મધ્યપ્રદેશના ડીજીપી સુધીર સક્સેના અને વરિષ્ઠ આઈપીએસ તાજ હસનનું નામ આમાં સામેલ હતું. રવિવારે સૂદનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું. આ માહિતી CBI દ્વારા આપવામાં આવી છે.
અધીર રંજન ચૌધરીએ બેઠક દરમિયાન પ્રવીણ સૂદની નિમણૂકનો વિરોધ કર્યો હતો
શનિવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી સામેલ હતા. આ કમિટી જ CBIના નવા ચીફની પસંદગી કરે છે. અધીર રંજન ચૌધરીએ બેઠક દરમિયાન પ્રવીણ સૂદની નિમણૂકનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ સીબીઆઈ ડાયરેક્ટર પદ માટે લાયક નથી. સમિતિના મુખ્ય સભ્યના વિરોધ છતાં આખરે સૂદને CBI ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સૂદ આ પદને લાયક નથી: શિવકુમાર
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે ડીજીપી પ્રવીણ સૂદને અસમર્થ ગણાવ્યા હતા. 14 માર્ચે શિવકુમારે કહ્યું હતું કે સૂદ આ પદને લાયક નથી. તેઓ ત્રણ વર્ષથી ડીજીપી છે, પરંતુ ભાજપના કાર્યકરની જેમ કામ કરે છે. તેની સામે એફઆઈઆર થવી જોઈએ. શિવકુમારે આરોપ લગાવ્યો હતો કે સૂદે કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ 25 કેસ નોંધ્યા હતા, પરંતુ ભાજપના નેતાઓ વિરુદ્ધ એક પણ કેસ નથી. તેઓએ વધુમાં કહ્યું અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી હતી અને પ્રવીણ સૂદની ધરપકડની માંગ કરી હતી. શિવકુમારે કહ્યું હતું કે જો ચૂંટણી પછી કોંગ્રેસની સરકાર બનશે તો સૂદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવે છે. તેમની નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવે છે. સાથે જ જો ઈચ્છે તો આ કમિટી સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારી શકે છે.