એક દિવસ કૃષ્ણ ભગવાન અને અર્જુન એક ગામમાંથી પસાર થતા હતા. અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું, ‘માધવ, દાન તો બધા જ કરે છે હું પણ કરું છું, જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર પણ કરે છે.દાઉ બલરામજી પણ…સ્વયં તમે પણ, છતાં બધા કર્ણને જ દાનેશ્વરી શું કામ કહે છે.એ જેટલું દાન આપે છે તેટલું તો હું પણ આપું છું છતાં હું કેમ દાનેશ્વરી નહિ અને કર્ણ જ દાનેશ્વરી?’
કૃષ્ણે વિચાર્યું કે અર્જુનના મનમાં દ્વેષ પ્રવેશ્યો છે તે દૂર કરવો જ પડશે અને તે માટે અર્જુનને પાઠ ભણાવવો પડશે.આમ વિચારી ભગવાન કૃષ્ણે લીલા કરી અને ગામની બહાર થોડે દૂર જે પહાડ દેખાતા હતા તે સોનાના થઈ ગયા.
કૃષ્ણે અર્જુનને કહ્યું, ‘આ સામે બે સોનાના પહાડ છે તેનું સોનું ગામનાં લોકોમાં વહેંચી દે અને યાદ રાખજે કે બધું જ સોનું વહેંચી દેવાનું છે.’ આ વાત સાંભળી અર્જુન ગામમાં ગયો અને લોકોને એકત્ર કરી કહ્યું, ‘હું ગામના દરેક ગામવાસીને સોનું દાનમાં આપવાનો છું. બધા ગામવાસીઓ ગામ બહારના પહાડ પાસે ભેગા થઇ જજો.’ગામલોકોએ તેનો જયજયકાર કરી અને અર્જુન છાતી ફુલાવતો પહાડ પાસે પહોંચ્યો.સતત બે દિવસ અને બે રાત સુધી અર્જુન પહાડમાંથી સોનું ખોદી ખોદીને કાઢીને ગામવાસીઓને આપતો રહ્યો.
બધા ગામવાસીઓને સોનું અપાઈ ગયું પણ આ પહાડ એક ઇંચ પણ ઓછો થતો ન હતો. ગામવાસીઓ ફરી ફરી આવીને કતારમાં ઊભા રહી જતા હતા. અર્જુન હવે સોનું ખોદી ખોદીને અને ગામવાસીઓને આપી આપીને થાક્યો હતો.પણ તેનો અહમ્ તેને કૃષ્ણની લીલા સમજવા દેતો ન હતો. તેણે કૃષ્ણને કહ્યું, ‘હવે આરામ કર્યા વિના કંઈ નહિ કરી શકે.’ કૃષ્ણ મર્માળું હસ્યા અને તેમણે કર્ણને બોલાવ્યો અને કર્ણને કહ્યું, ‘કર્ણ, તારે આ બે પહાડમાં જેટલું સોનું છે તે બધું જ દાન કરી દેવાનું છે.’કર્ણે તરત ત્યાંથી પસાર થતા બે ગામવાસીઓને રોક્યા અને કહ્યું, ‘આ સામે દેખાય છે તે બે પહાડ સોનાના છે એ હું તમને બન્નેને આપું છું અને તે સોનાનો તમે તમારી મરજી મુજબ ઉપયોગ કરી શકો છો.’
કર્ણની દાન કરવાની રીત જોઈ અર્જુન હતપ્રભ થઈ ગયો કે ‘મને કેમ આ ન સૂઝ્યું?’કૃષ્ણે અર્જુનને કહ્યું, ‘અર્જુન, તું આમ ન કરી શક્યો કારણ તારું સુષુપ્ત મગજ આ સોનાના મોહમાં હતું.તું ગામલોકોને સોનું આપતો હતો તને એમ લાગતું હતું કે તું દરેકને ઘણું સોનું આપી રહ્યો છે.એથી તું જે દાન આપી રહ્યો હતો તેનું પ્રમાણ તું નક્કી કરતો હતો.જયારે કર્ણના મનમાં આવો કોઈ મોહ ન હતો.જો તે બે સોનાના પહાડનું દાન પળવારમાં કરીને જતો રહ્યો. તેના મનમાં કોઈ લાલસા નથી કે લોકો તેનો જયજયકાર કરે…તેના વખાણ કરે …માટે તે દાનેશ્વરી છે અને બીજા બધા દાની.’