Columns

કરીએ સઘળું સ્વાહા

એક સયુંકત કુટુંબ હતું. લગભગ 4 પેઢીથી બધા સભ્યો સાથે રહેતા હતા. કુલ મળીને 65 સભ્યો હતા. બધા એકસાથે એક સોસાયટીમાં આવેલા 3 બાજુ – બાજુના બંગલામાં રહેતા હતા. રસોડું એક હતું અને કુટુંબનો વ્યવહાર બધો જ સાથે હતો. 4 પેઢી સાથે હતી – વડીલો, યુવાનો અને બાળકો. પરિવારનો પોતાનો બિઝનેસ હતો. વડીલો બિઝનેસ સંભાળતા હતા અને તેમના પછીની યુવા પેઢીના યુવાનો પોતાના જુદા જુદા વ્યવસાય કરતા હતા. ઘર અને પરિવારમાં સંપ હતો અને બધુ નિયમ મુજબ ગોઠવેલું હતું, એટલે કોઈને મન દુઃખ ન થાય. બધાના કામ નક્કી અને વહેંચાયેલા હતા. થોડા થોડા દિવસે કામની જવાબદારીઓ બદલાય પણ જતી હતી. સૌથી મોટા બાએ બધુ જ ગોઠવ્યું હતું અને હવે તેમની ઉંમર 80 વર્ષની થતા બધુ આગળની પેઢી બધુ તેમના કહ્યા મુજબ જ આગળ કામ સંભાળી રહી હતી. બા હજી પણ ખડે ખાં અને સદા હસતા હતા. કોઈને ખીજાય નહીં, વાંક હોય તો સમજાવીને કહે અને ખાસ બોલે , ‘વડીલ થવું બહુ અઘરું છે, બધાને સાચવવા પડે અને સંભાળવા પડે.’

એક વખત ‘જોઈન્ટ ફેમીલી ડે’ નિમિત્તે તેમના પરિવાર વિષે એક ખાસ કાર્યક્રમ TVમાં આવવાનો હતો. કુટુંબ વિષે તેના સભ્યો વિષે બધી માહિતી પછી કુટુંબની રીત, કામની વહેંચણી, ઘર ખર્ચની જવાબદારી વિષે ઘણી વાતો થઇ પછી TV એન્કરે આદત પ્રમાણે કઇંક મસાલેદાર માહિતી મેળવવા પૂછ્યું, – ‘શું તમારા ઘરમાં ઝઘડા થયા જ નથી? અને ઝઘડા થાય તો શું કરો? અને ધારો કે બહુ મોટો ઝઘડો થાય અને કુટુંબ તૂટવાની અણી પર આવે તો શું કરશો?’ આવો સવાલ સાંભળી કોઈ કાંઈ ન બોલ્યું. વડીલ બા બોલ્યા, ‘ભાઈ, તારો આ પ્રોગ્રામ જોનાર બધાના ઘરમાં ઝઘડા થતાં જ હશે. અમે પણ બધા માણસો છીએ અને અહીં પણ ઝઘડા થાય. એવું કયુ કુટુંબ છે, જેમાં ઝઘડા નહિ થતા હોય? અમારા ઘરમાં પણ ઝઘડા થાય છે, પણ અમે દર વર્ષે કુટુંબ સાથે રહે, કદી ન તૂટે તેને માટે એક યજ્ઞ કરીએ છીએ.’ એન્કરે પૂછ્યું, ‘એવો કયો યજ્ઞ છે?’

બા એ કહ્યું, ‘અમે દર વર્ષે દિવાળીની સાફ – સફાઈ શરૂ કરીએ તે પહેલા જ એક યજ્ઞ કરીએ છીએ – ‘સઘળું સ્વાહા યજ્ઞ.’ આ યજ્ઞમાં અમે કુટુંબીજનો બધા જ એકબીજા પ્રત્યેનો ગુસ્સો, એકમેક પ્રત્યેની છાની ઈર્ષ્યા, મનનું હું પણું, અભિમાન, લોભ, સ્વાર્થ જેવી બધી જ મનના પ્રેમની ઝાંખી કરતી, ભાવનાઓને સાથે મળીને યજ્ઞમાં સ્વાહા કરી નાખીએ અને મનમાં યજ્ઞની જ્વાળા જેવો તપ્ત સોનેરી ચમકદાર પ્રેમ ફરી એકવાર પ્રગટાવીએ છીએ. એટલે ભલે ઝઘડા થાય અમારું કુટુંબ તૂટતું નથી. દિવાળીમાં ઘરની સાફ – સફાઈ પહેલા મનની સાફ – સફાઈ કરી લઈએ છીએ.’ બાનો જવાબ સાંભળી એન્કર ચૂપ થઈ ગયો. બધા સભ્યોએ એક સાથે તાળી પાડી અને બોલ્યા, ‘કરીએ સઘળું સ્વાહા …’
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top