SURAT

શહીદોના સન્માનમાં સુરતના વરાછામાં નીકળી તિરંગા યાત્રા

સુરત: દેશભરમાં તા. 26મી જુલાઈએ આજે કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ભવ્ય રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના વરાછા-સરથાણા વિસ્તારમાં નેચરપાર્ક પાસે આવેલા ફાઈટર પ્લેન સામે સવારે શહીદોને પુષ્પથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ અહીં વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. સરથાણા જકાતનાકાથી નીકળેલી યાત્રાનું સુરતના વિવિધ વિસ્તારોમાં પુષ્પવર્ષાથી સન્માન કરવામાં આવ્યું છે. વરાછાના મિની બજાર સુધીની આ યાત્રામાં અલગ અલગ ઠેકાણે વિદ્યાર્થીઓથી માંડીને સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા રેલીમાં જોડાયેલા સ્વયંસેવકોનું સન્માન કરાયું છે.

જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી ગૌરવ સમારોહનું આયોજન કરાયું છે. જે અંતર્ગત મેગા રક્તદાન શિબિર અને સપ્તરંગી કલાંજલિનું પણ આયોજન કરાયું છે. નોંધનીય છે કે, 1999માં થયેલા કારગીલ યુદ્ધમાં ગુજરાતના 12 સહિત દેશના 527 વીરજવાનો વીરગતિ પામ્યા હતા.

દરમિયાન રાત્રે 8.30 કલાકે સરદાર સ્મતિ ભવન ખાતે સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી આ સમારોહમાં 12 વીરશહીદ જવાનોના પરિવારોનું જાહેરમાં અભિવાદન કરી આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવશે.

કારગીલનું યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું
કારગીલ યુદ્ધને કારગીલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યુદ્ધ 3-5-1999થી 16-7-1999 સુધી કુલ 84 દિવસ ચાલ્યું હતું. સશસ્ત્ર સંઘર્ષમાં ભારતના 527 સૈનિકો શહીદ થયા હતા. યુદ્ધ 26-7-1999 ખત્મ થયું હોવાથી આ દિવસને ઓપરેશન વિજય અથવા કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કાનૂન તથા બે દેશો વચ્ચેના કરારનો ભંગ કરી જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી હતી. તેને ખદેડવા ખેલાયેલ જંગ એટલે કારગીલ યુદ્ધ.

Most Popular

To Top