આણંદ : ઉમરેઠમાં છેલ્લા વીસેક દિવસથી પોલીસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારમાં એક કપિરાજએ આતંક મચાવ્યો હતો. ટીઆરપી જવાન સહિત લગભગ પાંચેક વ્યક્તિને કપિરાજ એ બચકા ભરી લેતા પોલીસ સ્ટેશન તથા સોસાયટીનાં રહીશોમાં ભય ફેલાયો હતો. આખરે ઉમરેઠ આરએફઓ તથા તેમની ટીમ અને દયા ફાઉન્ડેશનનાં સહયોગથી આ કપિરાજને પકડી લેવામાં આવ્યો છે. ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તાર, પોલીસ સ્ટેશન વિસ્તાર તથા આસપાસનાં સોસાયટી વિસ્તારમાં એક કપિરાજએ આતંક મચાવ્યો હતો. ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જઈ ટીઆરપી જવાન તથા જલારામ સોસાયટીમાં એક બાળકી સર્વોદય સોસાયટી માં એક મહિલા અને બસ સ્ટેશન વિસ્તાર માં એક રસ્તે ચાલતા ફકીર ને આ કપિરાજ એ બચકા ભરી લેતા તેમને સારવાર લેવી પડી હતી આજે આ કપિરાજ ને પકડી લેવાતાં ગ્રામજનો ને રાહત થઈ હતી
ઉમરેઠ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.આર. પટેલએ જણાવ્યું હતું કે, કપિરાજ દ્વારા આવતા જતા તથા સોસાયટી રહીશોને બચકા ભરવાની ઘટના સામે આવતા જુદી જુદી ટીમ બનાવી હતી અને ઉમરેઠ પોલીસ સ્ટેશન નજીક પાંજરું મૂક્યું હતું. જેમાં કેળાં-બટાકાં જેવા કપિરાજને ભાવતા શાકભાજી મૂકવામાં આવ્યાં હતાં. પરંતુ બે ત્રણ દિવસ કપિરાજનાં આવતા પાંજરું ઉમરેઠની જલારામ સોસાયટીમાં મૂક્યું હતું. પરંતુ તેમાં પણ કપિરાજ ન આવતા બુધવારના રોજ અમદાવાદના દયા ફાઉન્ડેશનનાં સ્વયંસેવકોને બોલાવી ઉમરેઠની મહિ કેનાલ સોસાયટીમાં વાંદરાનાં ઝૂડમાંથી કપિરાજને ઓળખી તેનું રેસ્ક્યું કરી પકડી લેવામાં આવ્યો હતો. હવે તેની સારવાર કરવામાં આવશે.