નડિયાદ: મહુધા તાલુકાના કપરૂપુર ગામના ખેડુતોએ વર્ષો અગાઉ કેનાલ બનાવવા માટે પોતાની કિંમતી જમીન ત્યાગ કરી હતી. જોકે, કેનાલ બન્યાં બાદ તેની મરામત અને સાફસફાઈ કરવાની સિંચાઈ વિભાગ દ્વારા તસ્દી લેવામાં આવતી ન હોવાથી આ કેનાલ હાલ મૃતપાય બની છે. જેને પગલે ખેડુતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે. ત્યારે આ કેનાલમાં વહેલીતકે પાણી આવે તેવી સુવિધા ઉભી કરવા અથવા તો કેનાલ પુરી દઈ, તે જમીન પરત સોંપવામાં આવે તેવી ખેડુતોએ માંગ ઉચ્ચારી છે.
મહુધા તાલુકાના કપરૂપુર ગામના ખેડુતોએ સિંચાઈ માટેના પાણીની સુવિધા મળી રહે તે હેતુસર વર્ષો કેનાલ બનાવવા માટે પોતાની કિંમતી જમીન છોડી હતી. જે બાદ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ બનાવવામાં આવી હતી. કેનાલ બનાવવાથી કેટલાક ખેતરોમાં અવરજવરના રસ્તા પણ બંધ થઈ ગયાં હતાં. જોકે, કેનાલ બન્યાં બાદ સિંચાઈ માટેના પાણીની તકલીફ દૂર થશે તેમ માની ખેડુતોએ જમીનનો ભોગ આપ્યો હતો.
કેનાલ બન્યાં બાદ થોડા મહિનાઓ સુધી ખેડુતોને સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી મળ્યું હતું. જોકે, બાદમાં સિંચાઈ વિભાગ દ્વારા આ કેનાલમાં નિયમિત સાફસફાઈ કરવામાં ન આવતાં, કેનાલમાં કચરો તેમજ જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાવા લાગ્યું હતું. સાફસફાઈના અભાવે માત્ર થોડા પાણીમાં જ કેનાલ છલકાઈ જતી હોવાથી તેમાં પાણીનો વધારે પ્રવાહ છોડી શકાતો નથી. જેને પગલે આ વિસ્તારના ખેડુતોને સિંચાઈ માટેના પાણીની અછત વર્તાવા લાગી હતી. જેની સીધી અસર પાક ઉપર પડતી હતી. પાકના ઓછા ઉત્પાદનને પગલે ખેડુતોની આર્થિક સ્થિતી પણ કથળવા લાગી છે.
સિંચાઈ માટેના પાણીની સુવિધા મળી રહે તે હેતુસર ખેડુતોએ પોતાની કિંમતી જમીનનો ભોગ આપ્યો હોવા છતાં આજે તે જ ખેડુતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે. આ મામલે ખેડુતોએ સિંચાઈ વિભાગના સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સમક્ષ મૌખિત તેમજ લેખિત રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તેમની રજુઆતો કોઈ ધ્યાને લેતું નથી. નેતાઓ પણ ચુંટણી ટાણે વોટ માંગવા જાય ત્યારે કેનાલ ચાલુ કરવાના જુઠ્ઠા વચનો આપી જતાં રહ્યાં બાદ ફરકતાં જ નથી. જેને પગલે ખેડુતોની હાલત કફોડી બની છે. ત્યારે રોષે ભરાયેલાં ખેડુતોએ કેનાલમાં પાણી આપવા અથવા તો તે જમીન સમતલ કરી, પરત આપવાની માંગ ઉચ્ચારી છે.