આજ સવારથી ભારતીબેનનું હૈયું હરખને હિલોળે ચડ્યું હતું. એકની એક દીકરીની આજે સગાઇ નક્કી થઇ ગઇ. બે મિટિંગ પછી છોકરા છોકરીએ લગ્ન માટે હા પાડી દીધી એટલે પછી તો કોને પૂછવાનું હોય. ભારતીબેને પોતાના દિયરને તેડાવી લીધા. ભલે હવે અતુલ નથી રહ્યોં પણ એની ગેરહાજરીની કમી ન વરતાય એટલાં માટે દિયર અને પોતાના સાસુને પણ તેડાવી લીધાં. વેવાઇ પક્ષ સમયસર નવ વાગતાં જ આવી ગયા એટલે ગોર મહારાજે ચાંદલાંવિધિ પતાવીને વેવાઈ–વેવાણે સામ સામે ગોળ ધાણા ખવડાવી દીધાં.
દીકરી નિધિ અને જમાઇ જયદીપને ફરવા મોકલી આપ્યાં. અને પછી ભારતીબેને વેવાઇ–વેવાણને કહ્યું,‘આપણે હવે લગ્ન સમજી લઈએ? મને તૈયારી કરવાની ખબર પડે.’ ‘અરે ભારતીબેન તમે મુંઝાતા નહીં. હું બેઠી છું ને.’ વેવાણ તરત બોલ્યા. વિધવા સ્ત્રીને દીકરીના લગ્ન કરવા હોય તો કેટલાં વીસે સો થાય એ બધાં સમજદાર લોકો જાણતાં જ હોય. વેવાઈ પણ એટલાં સમજદાર છે તે જાણીને ભારતી બેને ઠંડક થઇ. દીકરીને સારું ઘર તો મળ્યું પણ માણસો પણ લાખેણાં મળ્યાં છે. ‘બેન લગ્ન સમજવામાં તો શું સમજવાનું? અમારે તો કંકુ અને કન્યા સિવાય બીજું કંઇ જોતું નથી. લગ્નની તારીખ નક્કી કરવી હોય તો આ મહારાજ સામે બેઠાં. પૂછો એટલે તારીખ જોઇ આપે.’
વેવાણ બોલ્યા એટલે ફરી વાર ભારતીબેનને હૈયે આનંદ ફરી વળ્યો. કહેવું પડે. દીકરીને સસરારૂપી બા તો લાખેણોં મળ્યો છે, ઉપરથી સવાઇ સાસુ મળી છે.ગોર મહારાજે પંચાગ કાઢીને વર કન્યાની રાશિ જોઇને નક્ષત્ર મેળવીને લગ્ન માટે તારીખ કાઢી આપી. ‘કારતક સુદ પૂનમ..સૌથી સારો દિવસ છે. બધાં ગ્રહ–નક્ષત્ર મળે છે.’
‘કરો કંકોના…ત્યારે…વેવાણે હરખી ગોળની કાંકરી ભારતીબેનને ખવડાવી દીધી.પછી વાત ચાલી કેટલાં માણસોને બોલાવવા તેની. અત્યાર સુધી ચુપ રહેલાં ભારતીબેનના સાસુ હવે બોલ્યા, ‘અમારે ઘરમાં મારા દીકરાંની હાજરી નથી. એટલે ટૂંકમાં પતાવો એવી અરજ છે. મારા આ નાનો દીકરો, નિધિના કાકાને ય હજુ બે વરા કરવાના છે. એટલે અતુલના પેન્શનના પૈસામાંથી બધું પતે તેવું કરવાનું છે.‘
ભારતીબેનને સાસુનું આમ કહેવું ન ગમ્યું. અતુલને કેન્સરમાં ગુજરી ગયાને દસ વર્ષ થવા આવ્યા. નિધિ દસમાં ધોરણમાં હતી અને અતુલને કેન્સર થયું. પછી તો ત્રણ વર્ષ ટ્રિટમેન્ટ ચાલી. સાસુ રોજ ખબર પૂછવા આવતાં. આ બજુ નિધિએ એન્જિન્યરિંગમાં એડમિશન લીધું અને આ બાજુ અતુલ કેન્સર સામે હારી ગયો. અતુલનો સ્વર્ગવાસ થયો એ પછી સાસુ કદી આવ્યાં નથી. વાર તહેવારે કે સાજે-માંદે હંમેશાં ભારતી જ દિયરના ઘરે સાસુને મળવા જાય. કદી પૂછયું નથી કે તને ઘર ચલાવવામાં તકલીફ પડે છે કે નહીં! નથી કદી રુપિયા પૈસા જોઇને છે કે નહીં તે પૂછયું. એ તો સારું હતું કે અતુલની કંપનીએ બધી જવાબદારી ઉપાડી લીધી એટલે નિધિનું ભણતર પૂરું થયું. પેન્શનના પૈસામાંથી ઘર ચાલતું રહ્યું અને ભારતીને ખુદને પણ ભરત–ગૂંથણનો બહુ શોખ એટલે એ કામમાંથી પણ બે ચાર પૈસા કમાઈ લેતી.
અને હવે આજે નિધિના લગ્ન નક્કી થાય છે ત્યારે સાસુએ પહેલી વાત પૈસાની જ કરી. પોતાના દીકરાને એ ફરજમાંથી બાકાત કરી દીધો. આ સુધી દિયરે એ તે ક્યાં કદી પાંચ્યુએ આપ્યું છે તે હવે એ લગ્નમાં ખરચો આપે તેવી અપેક્ષા રાખી હોય?ભારતી કશું કહે તે પહેલા જ નિધિના સસરા બોલ્યા,‘અરે બા…નિધિ અમારી વહુ જ નહીં દીકરી પણ બની છે, એટલે તમે ખરચાની ચિંતા કરશો નહીં. બધું અમે ઉપાડી લઇશું.’
એટલે પછી એ વિશે કોઈ વાતચીત કરવાની રહી નહી. પણ ભારતીએ મનોમન નક્કી કરી લીધું હતું કે એ લગ્નનો અડધો ખરચો વેવાઇને આપી જ દેશે. એટલી બચત છે જ કે એ એકની એક દીકરીના લગ્ન ધામધૂમથી કરી શકે.ત્યાં ભારતીબેનના દિયર બોલ્યા,
‘આમ જુવો તો હવે કોરોનોનો કોપ ઓછો છે અને સરકાર દિવાળી સુધીમાં તો સો માણસની છૂટ આપી દેશે. પણ ન કરે નારાયણ અને કોરોના વધ્યો તો ય આપણે ઘર ઘરના લગ્ન કરી દઇશું.’ ‘હા..એ તો એમ જ હોય ને….‘વેવાણે પણ સહમતિનો સુર પુરાવ્યો. એટલે પછી સાથે મળીને લગ્નના બે સમયનું મેનું પણ નક્કી થઇ ગયું. રાસ ગરબા અને સંગીત સંધ્યા પણ પાર્ટી પ્લોટમાં નક્કી થઈ. જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાય રહે. બધી વાતની ચર્ચા થઈ ગઇ એટલે છેલ્લે ભારતીબેને વેવાઇ–વેવાણ સામે જઈ કહયું,‘તમારી પરમિશન હોય તો મારે એક વાત કહેવાની છે. તમને યોગ્ય લાગે તો માન્ય રાખજો.‘રુમમાં હતાં એટલાં બધાં સચેત થઈ ગયા. એવી તે શી વાત હશે કે હવે બધું નક્કી થઇ ગયા પછી ભારતી બેન બોલે છે!
‘અતુલને દીકરીને કન્યાદાન કરવાનો બહુ હરખ હતો. એ તો નથી રહ્યોં પણ હું એની અર્ધાગિંની કહેવાઉં…આમ તો ખંડિત જોડી કન્યાદાન ન કરી શકે. પણ મારે એની ઇચ્છા પૂરી કરવી છે. એટલે જો તમને વાંધો ન હોય તો હું અતુલનો ફોટો બાજુમાં રાખીને કન્યાદાન કરું.‘ વેવાઇ–વેવાણ કશું બોલે એ પહેલાં ભારતીબેનના સાસુ બોલી ગયા, ‘વિધવા બાઇથી તો દીકરીને વળાવાય ન જવાય અને તારે કન્યાદાન કરવું છે? કેટલાં અપશકુન થાય! ન કરાય…! નિધિના કાકા કાકી કન્યા દાન કરી શકે પછી તારે શું કામ કરવાનુ?‘રૂમમાં સન્નાટો છવાય ગયો.
‘બા..તમને વાંધો હોય શકે…પણ દીકરી નિધિ બહેનની છે એટલે એનું કન્યાદાન કરવાનો અધિકાર તો એમને જ નક્કી કરવા દેવો જોઇએ.‘ નિધિના ભાવિ સાસુએ ભારતીબેનના સાસુ સામે જોયું, ‘વળી જેને દાન થવાનું છે તે મારો દીકરો છે. એટલે બીજો અધિકાર અમને હોય કે અમે કોના હાથે દાન લઇએ. અમે વિધવાએ કન્યાદાન ન કરાય તેવું માનતા નથી. એટલે અમે તો ભારતીબેન સાથે સહમત છીએ. નિધિનું કન્યાદાન એ જ કરે…બાકી તમે વડીલ છો એટલે તમારો વિરોધ ન હોય પણ માની તોલે તો દુનિયામાં કોઈ ન આવે ને!‘
ભારતીબેનના સાસુ કશું બોલતે પહેલાં વેવાઇએ પત્નીના સૂરમાં સૂર પરોવ્યો, ‘હવે આ એકવીસમી સદીમાં પણ જો આપણે શુકન અપશુકન ગણીએ તે યોગ્ય ન કહેવાય. કાલ સવારે નિધિને ખબર પડે કે એના દાદીમાંએ એની માને એના બાપની આખરી ઇચ્છા પૂરી કરવા ન દીધી તો એને તમારે પ્રત્યે માન રહે બા? ‘બસ એ પછી બા કશું બોલ્યા નહીં. અને હવે ખરેખર ભારતીબેનનો દીકરીને પરણાવવાનો હરખ ચહેરા પર છલકવા લાગ્યો.