કાનપુર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથની હાજરી છતાં કાનપુરમાં શરૂ થયેલો હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સમયાંતરે તોફાનીઓ ઘણા વિસ્તારોમાં પથ્થરમારો કરી રહ્યા છે. સાંકડી ગલીઓમાં સૂત્રોચ્ચાર કરીને બદમાશો પોલીસને નિશાન બનાવી રહ્યા છે. રસ્તાઓ પરથી સમયાંતરે પથ્થરમારો થઈ રહ્યો છે. પોલીસ જ્યાં જાય છે ત્યાં પથ્થરમારો બંધ થઈ જાય છે. જ્યાંથી તે ખસે છે ત્યાંથી પથ્થરમારો શરૂ થાય છે.
બદમાશોનું વર્ચસ્વ જોઈને પોલીસે પણ કડકાઈ શરૂ કરી છે. પૂરા સાધનો સાથે શેરીઓમાં ઘૂસીને બદમાશોનો પીછો કરવામાં આવી રહ્યો છે. લાઠીચાર્જ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કાનપુરમાં હંગામા વચ્ચે સીએમ યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને જલ્દીથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.
ખરેખર અહીં બજાર બંધ કરવાના મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. યતીમખાના ચાર રસ્તા પર પત્થરમારો થયો હતો. નૂપુર શર્માના નિવેદનના વિરોધમાં મુસ્લિમ સંગઠનો દ્વારા બજાર બંધનું એલાન કરાયું હતું. પરંતુ ત્યાર બાદ બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અહીં સૈંકડો લોકોએ પત્થરમારો કર્યો છે. પત્થરમારાની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હવામાં કેટલાંક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાનપુરના દેહાત જિલ્લામાં એક કાર્યક્રમ છે. ત્યારે જ ભાજપના નેતા નૂપુર શર્માના નિવેદનના વિરોધમાં મુસ્લિમ સમુદાય દ્વારા બજાર બંધ રાખવાનું એલાન કરાયું હતું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે લઘુમતી સમુદાયના લોકો બીજા સમુદાયના લોકો અને પોલીસ જવાનો તરફ દોડી પત્થરમારો કરી રહ્યાં છે.
આ ઘટના બાદ કાનપુર નગરના જિલ્લા અધિકારી નેહા શર્માએ કહ્યું કે, ત્યાં પત્થરમારો થયો છે. અધિકારીઓ પરિસ્થિતિ પર કાબુ મેળવી રહ્યાં છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવાયા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર અનુસાર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને CCTVની મદદથી પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. તોફાન મચાવનારાઓની ધરપકડ શરૂ કરી દેવાઈ છે.