કંગના રનોતની ફિલ્મ ‘ધાકડ’ના ‘એક્શન, એક્શન, એક્શન’ સામે કાર્તિક આર્યનની ‘ભુલભુલૈયા 2’ના ‘એન્ટરટેન્મેન્ટ, એન્ટરટેન્મેન્ટ, એન્ટરટેન્મેન્ટ’ની જીત થઇ છે. એકશન ફિલ્મ હોય એટલે માત્ર એક્શન જ હોય એવી ગેરમાન્યતા ધરાવતા નિર્દેશકને કારણે ‘ધાકડ’ને પહેલા દિવસે રૂ. 1.4 કરોડ જ્યારે ‘ભુલભુલૈયા 2’ને રૂ. 14 કરોડ મળ્યા હતા. એવું નથી કે ‘ભુલભુલૈયા 2’માં કોઇ ભૂલ નથી પણ એમાં કાર્તિકની જબરદસ્ત કોમેડી હોવાથી તેની કારકિર્દીની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ સાબિત થઇ છે. 14 વર્ષ પછી અક્ષયકુમાર-વિદ્યા બાલનની ‘ભુલભુલૈયા’ને કોઇ ભૂલી શકે એમ નથી. કાર્તિકની સરખામણી અક્ષયકુમાર સાથે કરવાની જરૂર નથી. કેમ કે ‘ભુલભુલૈયા 2’ની વાર્તાને એની સાથે લેવાદેવા નથી. છતાં એ ફિલ્મના નામને વટાવવામાં આવ્યું છે. કાર્તિકે પોતાને અક્ષયકુમારથી વધુ કમાણી કરતો હીરો સાબિત કર્યો છે.
કાર્તિકે ‘ધમાકા’ પછી એ પણ સાબિત કર્યું છે કે હીરો તરીકે આખી ફિલ્મને ખેંચવા માટે એકલો જ કાફી છે. તેનું કોમિક ટાઇમિંગ એટલું જબરદસ્ત છે કે કેટલાક ફાલતુ સંવાદ પણ હસવા મજબૂર કરે એવા છે. એનો અભિનય ફિલ્મની ખામીઓને ઢાંકી દે છે. તેની ફિલ્મને તબ્બુનો સારો સાથ મળ્યો છે. બીજા ભાગમાં તબ્બુને કારણે જ દર્શકો ખુરશી સાથે જકડાઇને બેસી રહે છે. કાર્તિક અને તબ્બુના શાનદાર અભિનયને કારણે ‘ભુલભુલૈયા 2’ અલગ છાપ છોડી શકી છે. દર્શકો ભલે કાર્તિકના નામ પર ફિલ્મ જોવા ગયા હશે પણ છેલ્લે તબ્બુની જ ચર્ચા વધુ કરતા દેખાશે.
ટ્રેલર જોઇને કોઇએ એવી અપેક્ષા કરી ન હતી કે હોરર-કોમેડી આટલી મજા આપી શકશે. ફિલ્મની કોમેડીએ દર્શકોના પૈસા વસૂલ કરી આપ્યા છે. તેથી વીકએન્ડમાં રૂ. 56 કરોડ કમાઇ શકી છે. ફિલ્મમાં લોજિકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એનું ઉદાહરણ તબ્બુની ‘મંજુલિકા’ની ભૂમિકા અંગેનું છે. ફિલ્મમાં કાર્તિકે કોમેડી કરીને કિયારા સાથે રોમાન્સ કર્યો છે. કિયારાને નવું કરવાની કોઇ તક મળી નથી. ત્યારે કાર્તિકે જાહેર કર્યું છે કે દર્શકોને ગમતી એકસરખી રોમ-કોમ ફિલ્મો કરવામાં તેને વાંધો નથી. નિર્દેશક અનીસ બઝમીએ કલાકારો પાસે સારો અભિનય કરાવીને હોરર અને કોમેડી વચ્ચે સારું સંતુલન જાળવી રાખ્યું છે. ફિલ્મ હસાવવા સાથે ડરાવતી રહે છે.
ફિલ્મને પ્રીતમ અને તનિષ્ક બાગચીના સંગીતનો ખાસ લાભ મળ્યો નથી. એક માત્ર ટાઇટલ ગીત દમદાર છે. માત્ર અને માત્ર મનોરંજન માટે ફિલ્મ જોઇ શકાય એવી છે. ‘ભુલભુલૈયા 2’ સામે બોક્સઓફિસ પર કંગનાની ‘ધાકડ’ ટકી શકી નથી. કંગનાએ પ્રચાર સારો કર્યો હોવા છતાં ‘ધાકડ’નું એડવાન્સ બુકિંગ નિરાશાજનક થતા અંદાજ આવી જ ગયો હતો. સમીક્ષકોએ ફિલ્મને મિશ્ર પ્રતિભાવ આપ્યો છે. કંગનાની ‘અગ્નિ’ની ભૂમિકાવાળી ફિલ્મ બોક્સઓફિસ પર ઠંડી જ રહી છે. કંગનાએ વાર્તાને બદલે એક્શનને જ મહત્ત્વ આપ્યું છે. કંગના સિવાય બીજી કોઇ અભિનેત્રી આવી ભૂમિકા ભજવી શકી ન હોત એ વાત સ્વીકારવા છતાં તે ફિલ્મની વાર્તા પસંદ કરવામાં થાપ ખાઇ ગઇ છે એ સ્વીકારવું પડશે. કંગનાએ અનેક વખત રૂપ બદલ્યાં છે અને તે દરેક રૂપમાં કમાલનું કામ કરી ગઇ છે.
અર્જુન રામપાલ વિલન તરીકે પોતાના અંદાજથી પ્રભાવિત કરે છે. દિવ્યા દત્તા પણ પોતાની ક્રૂર ભૂમિકાથી ધ્યાન ખેંચે છે. ખલનાયિકા તરીકે તે એક નાની બાળકીને ત્રાસ આપે છે ત્યારે ખતરનાક લાગે છે. સતત એક્શન દ્રશ્યો આવતા રહેતા હોવા છતાં સવા બે કલાકની ફિલ્મ લાંબી લાગે છે. એક્શન વધુ હોવાથી ઇમોશન પર ધ્યાન અપાયું નથી. માતા-પિતાના મોતના બદલાની બાબતમાં કે પછી માસૂમ છોકરીઓને વેચવાના મુદ્દે કોઇ દ્રશ્ય ભાવનાત્મક રીતે પ્રભાવિત કરી શકતું નથી. ક્લાઇમેક્સની પણ દર્શકો કલ્પના કરી શકે એમ છે. નિર્દેશક રજનીશ ઘઇ પાસે બજેટ ઓછું હોવા છતાં હોલિવુડ જેવા એક્શન દ્રશ્યો આપ્યા છે. ફિલ્મમાં નામ માત્રના સંવાદ છે. પારિવારિક ગણાયેલી ‘ભુલભુલૈયા 2’ની સામે પહેલી મહિલા કેન્દ્રિત એક્શન ફિલ્મ ગણાતી ‘ધાકડ’ને ‘A’ સર્ટિફિકેટ મળ્યું હોવાથી દર્શકો સીમિત થઇ ગયા છે અને વાર્તા એવી છે કે માત્ર એક્શનના અને કંગનાના ચાહકોને જ પસંદ આવે એવી છે.