એ તો નક્કી છે કે લોકસભાની ચૂંટણી પહેલાં ‘ઈમરજન્સી’આવી જશે. તેની જરૂરિયાત કંગના રણૌતને પણ છે અને અત્યારની કેન્દ્ર સરકારને પણ. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’અને ‘ધ કેરાલા સ્ટોરી’તેના નિર્માતા-દિગ્દર્શકને જેટલી ફાયદાકારક હતી એટલી જ વર્તમાન સરકારને હતી. હિન્દી સિનેમાનો સીધો રાજકીય હેતુ સાધતો ઉપયોગ આ પહેલાં નથી થયો. ‘ઈમરજન્સી’આ નવેમ્બરમાં રજૂ થાય તેની પૂરી તૈયારી કંગનાએ કરી લીધી છે. આવતા મહિને ‘ગદર-2’આવી રહી છે તેમાં પણ રાષ્ટ્રપ્રેમ અને પાકિસ્તાન ધિક્કારનો મસાલો છે.
આજકાલ આવી બધી ફિલ્મો બની રહી છે. કંગના રણૌત એક સારી અભિનેત્રી છે અને તેનામાં રાજકીય સભાનતા પણ છે. ‘થલાઈવી’માં જયલલિતા અને ‘મણિકર્ણિકા-ધ ક્વિન ઓફ ઝાંસી’માં રાણી લક્ષ્મીબાઈ બન્યા પછી તે ઈન્દિરા ગાંધી બની છે. તેણે જયલલિતાનું પાત્ર ભજવ્યા પછી જ રબડી દેવીના પાત્રનો આધાર લઈ ‘મહારાની’બની, મહારાણી ગાયત્રી દેવીનું પાત્ર ‘બાદશાહો’માં આવી ચુક્યું છે. આ બધાના કારણમાં કંગના રણૌતને ગણાવી શકાય. કંગના હવે ફક્ત અભિનેત્રી નથી રહી બલ્કે ત્રણ ફિલ્મો ‘અપરાજિતા અયોધ્યા’, ‘ટીકુ વેડ્સ શેરુ’અને ‘ઈમરજન્સી’ની નિર્માત્રી અને ‘મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી’, ‘અપરાજિતા અયોધ્યા’અને ‘ઈમરજન્સી’ની દિગ્દર્શક પણ છે.
તેણે ‘ધ ટચ’નામની શોર્ટ ફિલ્મ પણ બનાવેલી. આ જોતાં તમે કહી શકો કે અત્યારની કોઈ પણ અભિનેત્રી કરતાં તે વધુ સાહસી છે અને પોતાને જોઈતી ભૂમિકા માટે બીજા નિર્માતાને ભરોસે નથી બેસતી. કંગના હવે ‘સીતા’ ફિલ્મમાં આવી રહી છે અને તેમાં ‘બજરંગી ભાઈજાન’ના લેખક વિજયચન્દ્ર પ્રસાદ સાથે મનોજ મુન્તસીરે જ લખી છે. જોકે તે હવે વધારે સાવધ થઈ ગયો હશે અને કંગના પોતે પણ ખૂબ સભાન છે. પણ તે ફરી એકવાર ભારતીયોના મનમાં પૂજા-આદરનું સ્થાન ધરાવતા સીતાનું પાત્ર ભજવે છે. ‘તેજસ’માં તે એરફોર્સ પાયલટ બની છે. મતલબ કે તે મોર્ડન સમયના પાત્રો પણ ભજવી રહી છે. હમણાં કાજોલને એવું કહેતા સાંભળેલી કે ‘તે સારા પાત્રો ભજવવા ઈચ્છે છે.
કોઈ આપો.’ કંગના મોટા બેનર ધરાવતા નિર્માતાઓની કે ટોપ સ્ટાર્સની પસંદ નથી. પણ તેને એવી ગરજ પણ નથી. કંગના સાહસિક છે અને તેની ક્રિયેટિવિટી આગળ વધી રહી છે. ફિલ્મજગતમાં પુરુષોનું વર્ચસ્વ છે ત્યારે અને પુરુષ સ્ટાર્સ વડે જ ફિલ્મો ચાલી શકે એવી મિથ તોડવા તે તૈયાર છે. ‘ઈમરજન્સી’જો રાજકીય ઈરાદે જ બની હશે તો નિષ્ફળ જશે યા વિવાદો કરાવી શમી જશે. હવે જોઈએ ઈન્દિરાજીની ‘ઈમરજન્સી’ બાદ કંગનાની ઈમરજન્સી વિવાદાસ્પદ હશે કે પછી સારી ફિલ્મમાં ફેરવશે? •