કામરેજ: (Kamrej)) દિગસમાં આજુબાજુમાં દુકાન (Shop) ચલાવતા ઈસમે ધંધાની હરીફાઈમાં બીજા દુકાનદાર અને તેના પુત્રને માર માર્યો હતો. માર મારી હત્યાની (Murder) ધમકી (Threat) આપતા કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
- દિગસમાં કરિયાણાના દુકાનદારે બાજુમાં દુકાન ચલાવતા પિતા-પુત્રને ફટકાર્યા
- હત્યાની ધમકી આપતા કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી
કામરેજના દિગસ ગામે ગોચર ફળિયામાં દાલુરામ દલાજી ગુર્જર રહીને કરિયાણાની દુકાન ચલાવે છે. તેમની દુકાનની પાછળ જ ગોવિંદ રાજુભાઈ શર્માની પણ કરિયાણાની દુકાન આવેલી હોવાથી બંને વચ્ચે ધંધાની હરીફાઈને લઈ ગોવિંદ દાલુરામને દુકાન ખાલી કરીને જતો રહેવા માટે જણાવતો હતો. પરંતુ દુકાન ખાલી ન કરતાં બે દિવસ અગાઉ રાત્રિના 9 કલાકે પોતાની બાઈક લઈને દાલુરામ કચરો નાંખવા માટે દિગસથી ગલતેશ્વર જતા રોડ પર રાત્રિના 9.15 કલાકે જતા ગોવિંદ પણ પોતાનું મોપેડ લઈને આવીને દાલુરામને ઊભો રાખી ગાળો બોલી તેં કેમ અમારી દુકાનની બાજુમાં દુકાન બનાવી છે.
તને ના કહેવા છતાં તું કેમ દુકાન ખાલી કરી જતો રહેતો નથી? તેમ કહી ઉશ્કેરાઈ જઈ મારામારી કરવા લાગ્યો હતો. દાલુરામના પુત્રને ફોન કરીને તારા બાપને માર માર્યો છે. તારાથી થાય તે કરી લે તેમ કહેતાં દાલુરામનો પુત્ર પણ બાઈક લઈને આવતાં તેને પણ માર મારી હત્યાની ધમકી આપી જતો રહ્યો હતો. જે અંગે દાલુરામે ગોવિંદ સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
કઠોરમાં ત્રણ દિવસ અગાઉ ડુપ્લિકેટ ચાવીથી બાઈક ચોરનારા બે પકડાયા
કામરેજ: ત્રણ દિવસ અગાઉ કઠોરમાંથી ચોરાયેલી બાઈકને કામરેજ પોલીસે નવી પારડી પાસેથી બે ઈસમને બાઈક સાથે પકડી પાડ્યા હતા. મૂળ વડોદરાના કપુરા ચોકડી પાસે અક્ષસસિટીના રહેવાસી અને હાલ કામરેજના કઠોર ગામે આવેલી માન સરોવર રેસિડન્સીમાં બિલ્ડિંગ-એમાં ફ્લેટ નં.404માં રહેતા વિશ્વજીતસિંહ ભૂપતસિંહ સોલંકીની કે.ટી.એમ. બાઈક નં.(જીજે 06 એમએલ 7062) ત્રણ દિવસ રાત્રિના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લોક કરીને મૂકી હતી. બીજા દિવસે સવારે નોકરી પર જવા માટે એપાર્ટમેન્ટ નીચે બાઈક જોવા ન મળતાં ચોરી થઈ હતી. જે ચોરીની બાઈક સાથે બે ઈસમ નવી પારડી પાસે આવેલી રાજ હોટલ પાસે ઊભા હોવાની માહિતી કામરેજ પોલીસને મળતાં પોલીસે વિનોદ બાલુ રાઠોડ (ઉં.વ.37) (રહે.,મોટા હળપતિવાસ, ખોલવડ), સતીષ જેરામસીંગ વસાવા (ઉં.વ.22) (રહે.,ફ્લેટ નં.14, બિલ્ડિંગ નં.10, માન સરોવર એપાર્ટમેન્ટ, કઠોર)ને ચોરીની બાઈક સાથે પકડી પાડ્યા હતા. પૂછપરછ કરતાં બંને ઈસમ રાત્રિના સોસાયટી વિસ્તારોમાં ફરી પોતાની પાસે રાખેલી ચાવીથી ચાલુ કરીને બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.