સુરત: (Surat) રિન્યુએબલ ડિઝલના (Renewable diesel) વેચાણ માટે તમામ મંજૂરીઓ (Sales approval) હોવાની સાથે હાઈકોર્ટ (High Court) દ્વારા પણ તેને બહાલી આપવામાં આવી હોવા છતાં પણ કામરેજ મામલતદારે ગઈકાલે કામરેજ ખાતેના ‘મી’ કંપનીના પંપ પર દરોડા (Raid) પોડી તેને સીલ (Seal) કરી દેતા વિવાદ (Controversy) ઉભો થયો છે. મામલતદાર દ્વારા આ ગેરકાયદે કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરી કંપનીના વકીલ વિરલ મહેતા દ્વારા આ મામલે આગામી દિવસોમાં કોર્ટના તિરસ્કારની સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
- કંપનીના ગુજરાતની સાથે અનેક રાજ્યોમાં રિન્યુએબલ ડિઝલના પંપ ચાલે છે, ખુદ હાઈકોર્ટ દ્વારા વચગાળાની રાહત અપાઈ છે
- કામરેજ મામલતદારે સીલ કરવાના કારણો નહીં આપવાની સાથે હાઈકોર્ટનો આદેશ પણ જોયો નહીં
- જિલ્લા પુરવઠા અધિકારી પણ રજા પર ઉતરી ગયા, તમામ અધિકારીઓને હાઈકોર્ટના કન્ટેમ્પ્ટની કંપનીના વકીલ દ્વારા નોટિસ અપાઈ
વકીલ વિરલ મહેતા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘મી’ કંપનીના મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાં રિન્યુએબલ ડિઝલના પંપો આવ્યા છે અને ચાલી રહ્યાં છે. ગુજરાતમાં પણ અનેક પંપો ચાલે છે. ગઈકાલે સાંજે કામરેજના મામલતદાર કૃતિકા વસાવા દ્વારા જ્યારે પંપ પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે પંપના સંચાલકો દ્વારા તેમને પુછવામાં પણ આવ્યું હતું કે, તેઓ દ્વારા કયા કારણોસર પંપ સિઝ કરવામાં આવ્યો છે. પરંતુ તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો નહોતો. ઓપરેટર દ્વારા તેમને મુંબઈ હાઈકોર્ટ દ્વારા કંપનીના પંપને આપવામાં આવેલી વચગાળાની રાહતનો આદેશ પણ બતાવવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, જો પંપ સીલ કરાશે તો તે હાઈકોર્ટના હુકમનો અનાદર કર્યો ગણાશે, પરંતુ મામલતદારે હુકમને જોવાની તસ્દી પણ લીધી નહોતી અને હાઈકોર્ટની ઉપરવટ જઈને પંપને સીલ કરી દીધો હતો.
મામલતદાર દ્વારા પંપના ડિઝલના સેમ્પલ લેવામાં આવ્યા પરંતુ સ્થળ પર કોઈ જ પંચનામું કરવામાં આવ્યું નહી અને કોઈપણ પ્રકારનો સિઝર મેમો પણ ઓપરેટરોને આપ્યો નહોતો. પંપ સીલ કરવાના કારણો પણ જણાવ્યા નહોતા. આ બાબતે એડવોકેટ વિરલ એ.મહેતા ગુરૂવારે કામરેજ મામલતદાર સામે વિરોધ રજૂ કરવા માટે ગયા પરંતુ મામલતદાર રજા પર ઉતરી ગયા હતા. મામલતદાર કચેરીમાં કોઈએ જવાબ આપવાની પણ તસ્દી લીધી નહોતી. જિલ્લા પુરવઠા અધિકારીને મળવા ગયા ત્યારે તેઓ પણ રજા પર ઉતરી જતાં અંતે કલેકટરને રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા જવાબો નહી અપાતા 48 કલાકમાં પંપ ચાલુ કરવા આખરે તમામ અધિકારીઓની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ પણ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં આ મામલે વધુ કડક કાયદાકીય પગલાઓ પણ લેવામાં આવશે તેમ વિરલ મહેતાએ જણાવ્યું છે.