કામરેજ: ખોલવડ (Kholvad) ગામના માથા ભારે બાપ-દિકરાએ એક શખ્સને ‘કોર્ટમાંથી બચી ગયો છે, હોટલના કમ્પાઉન્ડની બહાર આવ તને પતાવી દઈશું’ એવી ધમકી (Threat) આપી હતી.
- છેડતીની ફરિયાદ બાદ જામીન પર છુટીને આવેલા ખોલવડના શખ્સને માથાભારે શખ્સોની ધમકી
કામરેજના ખોલવડના રાણી મહોલ્લામાં રહેતા અફઝલ જીકર મેમણ વિરૂદ્ધ ગત તા.23-12-21ના રોજ છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી, જે જામીન પર છુટીને આવ્યા તે રસ્તે જતો હતો ત્યારે સૈફ લીયાકત સીંધા (રહે.ખોલવડ) પોતાની ક્રેટા કાર નંબર જીજે 05 આરએમ 0075 તથા ટાટા નેક્ષોન કાર નંબર જીજે 05 આરડી 5700 સામે લાવીને મારી નાંખવી કોશીશ કરતો હતો. તેને કંઈ પણ કહેવા જાય તો ખોટા કેસ કરી દાવાની ધમકી આપતો હતો. અફઝલ ગત તા.14-3-22 સાંજે 5 કલાકે કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી પોતાની ફ્રુટની દુકાને હતા. ત્યાંથી વાલક રહેતા મિત્ર વારીશ મહિડાને મળવા માટે ખોલવડના ધર્મેશ પરમાર સાથે મોટરસાઈકલ લઈને તાપી હોટલ પર ગયા હતા. તેઓ હોટલમાં ફારૂક સીંધાની ઓફિસમાં બેઠા હતા.
થોડીવારમાં સૈફ લીયાકત સિંધા પોતાની ક્રેટા કાર લઈને આવીને હોટલના પાર્કિંગમાં પાર્ક કરીને ઉભો હતો જ્યાં તેના પિતા લીયાકત મહેબુબ સિંધા પણ મોપેડ પર આવ્યા હતા. બાપ-દિકરા હોટલના પાર્કિંગમાં ઉભા હતા. જ્યાં અફઝલ ઓફિસમાંથી બહાર આવ્યો ત્યારે સૈફ પાસે આવીને કહેવા લાગ્યો કે ‘તું કોર્ટમાંથી બચી ગયો છે પરંતુ તું મર્દ હોય તો કમ્પાઉન્ડની બહાર નીકળ, જાનથી મારી નાખવાનો છું મારા દાદાનો ઈતિહાસ તને ખબર છે ને તેમ કહીને ગાળો બોલવા લાગ્યો હતો. ઓફિસમાં બેસેલા વારિશ મહિડા તેમજ ફારૂક સિંધા ગાળોનો અવાજ સાંભળતાં જ બહાર આવી અફઝલને ઓફિસમાં લઈ ગયા હતા. જે અંગે કામરેજ પોલીસ મથકમાં અફઝલે બાપ-દિકરા સામે ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉ પણ સૈફ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
નવસારી ભેસતખાડાના રત્ન કલાકારનું ડાયમંડ કંપનીમાં આકસ્મિક રીતે મોત
નવસારી : નવસારી ભેસતખાડા હરીજન વાસમાં અરવિંદભાઈ રણછોડભાઈ સોલંકી (ઉ. વ. 58) તેમના પરિવાર સાથે રહેતા હતા. અરવિંદભાઈ જુનાથાણા મતીયા પાટીદારની વાડી પાસે નવયુગ ડાયમંડમાં નોકરી કરતા હતા. ગત 29મીએ અરવિંદભાઈ ડાયમંડ કંપનીમાં નોકરી ગયા હતા. જ્યાં બપોરે રીશેસમાં જમીને આરામ કરવા માટે આડા પડેલા હતા. જોકે રીશેસનો સમય પૂરો થતા અન્ય કર્મચારીઓએ તેમને ઉઠાડવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ અરવિંદભાઈ ઉઠેલા ન હતા. જેથી કર્મચારીઓએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ધર્મિનભાઈ સોલંકીએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. ધુધાભાઈને સોંપી છે.