કામરેજ: (Kamrej) ખોલવડ પાસે ઈનોવા કારમાં (Car) આવેલા ચાર ઈસમે વડોદરા એલસીબીમાંથી (LCB) આવ્યા હોવાની ઓળખ આપી 15 લાખ રૂપિયા તેમજ મોબાઈલની (Mobile) લૂંટ (Loot) કરી હતી. આ બનાવમાં એક સગીર સહિત ચાર ઈસમને સુરત એલસીબીએ લૂંટના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
મૂળ અમરેલીના આંબાકણકોટ ગામના વતની અને હાલ કામરેજના નનસાડની શક્તિલેક સિટીમાં મકાન નં.બી-128માં વંદિપ મનુભાઈ રૂપારેલિયા રહે છે. સુરત અને અમદાવાદ જિલ્લામાં મકાન લે-વેચનો ધંધો કરે છે. મકાન લે-વેચના ધંધાને લઈ વડોદરાના સી.એ.નું કામ કરતાં નીશાબેન સાથે ઓળખાણ થઈ હતી. બંને વચ્ચે રૂપિયાની લેતીદેતી થતી હતી. કામરેજના જોખા ગામે મકાન વેચાતું રાખવાનું હોવાથી રૂપિયાની જરૂર પડતાં રૂ.15 લાખ લેવા માટે ગુરુવારે વડોદરા જવા માટે મિત્ર મુકેશ મનજી સોલંકી (મૂળ રહે., કુકાવાવ, જિ.અમરેલી, હાલ રહે.,મકાન નં.862, પાર્થ સોસાયટી, અમરોલી)ની સાથે તેમના સાળા રાહુલ મથુર રાઠોડ (ઉં.વ.32) (મૂળ રહે.,અરજણસુખ, જિ.અમરેલી, હાલ રહે.,મકાન નં.1154, પાર્થ સોસાયટી, અમરોલી) તેમજ અન્ય મિત્ર અશોક પરમાર સાથે હુન્ડાઈ વરના કાર નં.(જીજે 12 એકે 4559) લઈને વડોદરા ખાતે રૂ.15 લાખ લઈ મોડી રાત્રે 12.30 કલાકે ખોલવડથી કામરેજ ચાર રસ્તા જતા સર્વિસ રોડ પર આવી રહ્યા હતા. ત્યારે ઈનોવા કારમાં સવાર ચાર ઈસમ વડોદરા જિલ્લા એલસીબીમાંથી આવ્યા છીએ. તમે વડોદરામાં રૂપિયાનું કાંડ કરીને આવ્યા છો. તમારે વડોદરા આવવું પડશે તેમ કહીને ગાળો આપી વરના કારને ધોરણપારડી પાસે આવેલી રિલીફ હોટલ પાસે લઈ જઈ રોકડા 15 લાખ, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.15,10,500ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.
આ ઘટનાની જાણ સુરત જિલ્લા એલસીબી પીઆઈ રાજેશ ભટોળને જાણ થતાં તુરંત જ ઘટનાની ગંભીરતા દાખવી નવી પારડી રાજ હોટલ પાસેથી વંદિપભાઈના મિત્ર મુકેશ તેમજ તેમનો સાળો રાહુલ, દેવાયત ઉર્ફે દેવ પરબત ભોજવીયા (ઉં.વ.35) (મૂળ રહે., જુજરવદી, જિ.સુરેન્દ્રનગર, હાલ રહે.,બિલ્ડિંગ એચ-102, વૈષ્ણોદેવી રેસિડન્સી, અમરોલી) તેમજ સગીર વયનો યુવાન સહિત ચારની પાસેથી રોકડા રૂ.15 લાખ, મોબાઈલ, ઈનોવા કાર નં.(જીજે 05 જેએફ 5556) પાસેથી કબજે કરી પૂછપરછ કરતાં મુકેશ સોલંકીએ સાળા રાહુલ તથા તેના મિત્રો સાથે મળી વંદિપને રસ્તામાં રોકીને પોલીસની ઓળખ આપી રૂપિયા લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. લૂંટમાં દેવાયત ઉર્ફે દેવાએ વડોદરા એલ.સી.બી. તરીકે ઓળખ આપી હતી. જ્યારે રાહુલ પાસેથી જી-9 ન્યૂઝ લખેલું મીડિયાનું કાર્ડ તેમજ લોગો મળી આવ્યો હતો. લૂંટમાં અન્ય આરોપી ભરત ચૌહાણ (રહે.,વડોદરા) અને તેના મિત્રને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.