SURAT

કમાલની છે હાથોની જાદુગરી, બેમિસાલ બની મિનીએચર કલાકૃતિઓ

દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે પણ તે પિછાણી નથી શકતા. ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ અન્ય કલાકારની કળા વિશેના સમાચાર કે લેખ છપાય ત્યારે તે વાંચનારને એહસાસ થાય છે કે, આ કળા મારામાં પણ છુપાયેલી છે અને ત્યાર બાદ તે પોતાની કળાને ઉજાગર કરવા માટે કમર કસી લે છે. આવા જ સુરતના મિનીએચર આર્ટના એક કલાકાર છે ‘ડિમ્પલ જરીવાળા’. 41 વર્ષ સુધી આ કલાકાર પોતાનામાં રહેલી કળાથી બેખબર રહ્યાં. પણ જાપાનની એક મહિલાની મિનીએચર કલાકૃતિ બનાવવાની કળા વિશેના સમાચાર વાંચ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે, આવું તો હું પણ કરી શકું છું. બસ પછી તો રોજ નવી કલાકૃતિનું સર્જન કરી આ વિરલ કલાકારે 300 મિનીએચર કલાકૃતિનો ખજાનો ઘરમાં ભરી દીધો. પેન્સિલ, ચોક, પેન, પલાસ્ટિકની બોટલ, કાગળ, પીપળાના પાન, ન્યૂઝ પેપર, રબર, ટાંકણી, કાપડ આ બધામાંથી જ મિનીએચર કલાકૃતિના સર્જન થકી તેમણે 11 રેકોર્ડ પોતાના નામે કર્યા. પૈસા માટે નહીં પણ શોખ માટે કલાકૃતિઓ તૈયાર કરતા આ કલાકાર પતંગબાજીમાં પણ ઉસ્તાદ છે. આ કલાકારને સુરતીઓ ખાસ તો ઉત્તરાયણમાં યાદ કરે છે તો શા માટે? કઈ-કઈ કલાકૃતિઓ માટે તેમણે રેકોર્ડ બનાવ્યા છે? તે આપણે અહીં જાણીએ.

41 વર્ષની ઉંમરમાં મિનીએચર કલાકૃતિ બનાવવાનો શોખ જાગ્યો: ડિમ્પલ જરીવાળા
53 વર્ષના ડિમ્પલભાઈ જરીવાળાએ જણાવ્યું કે, સ્કૂલમાં હતો ત્યારે મેં હનુમાન દાદાનું અને રેમ્બો ફિલ્મના અભિનેતાના એક સીનનું ડ્રોઈંગ બનાવ્યું હતું. પણ હું એક સારો કલાકાર છું તે ખ્યાલ જ નહીં આવ્યો. 12 વર્ષ પહેલાં મિનીએચર કલાકૃતિના એક સમાચાર વાંચ્યા બાદ મેં કાગળમાંથી મિનીએચર હોડી, ચકલી અને ફૂલ બનાવ્યું. મારી આ કલાકૃતિના સમાચાર પણ અખબારમાં છપાયા અને પછી તો મારી આ કળાકારીગરી ખીલતી ગઈ. હું ઓફિસમાં અડધો કલાક અને ઘરે અડધો કલાક મારા આ શોખ માટે આપું છું. મને પરિવારનો સપોર્ટ મળે છે પણ મારી વાઈફ પ્રીતિ ક્યારેક અકળાઈને તો ક્યારેક મજાકમાં મને કહેતી હોય છે કે આમાં ગાંડા નહીં થઈ જતા. આ કળાકૃતિઓને રાખીશું ક્યાં ? આખા ઘરમાં તમારી જ બનાવેલી કળાકૃતિઓ દેખાતી હોય છે.

ઇન્ડિયા બુકમાં 11 રેકોર્ડ
સ્મોલેસ્ટ કેલેન્ડર, ટી-શર્ટ, શર્ટ, ટી પોટ, ફોટો ફ્રેમ, જિમ ઈકવિપમેન્ટ, પેપરમાંથી ગણેશજી, પલાસ્ટિક બોટલમાંથી ગણપતિ, પેન્સિલની અણી પર ઇન્ડિયન મેપ, પેન્સિલની અણી પર ગણેશજીની પ્રતિમા, સ્મોલેસ્ટ શૂઝ અને સ્લીપર્સ માટે રેકોર્ડ ઇન્ડિયા રેકોર્ડ બુકમાં નોંધાયા છે.

મિનીએચર જિમ ઈકવિપમેન્ટ છે આકર્ષણનું કેન્દ્ર
આજકાલના યંગસ્ટર્સ ફિટ રહેવા માટે જિમમાં જાય છે. ત્યારે ડિમ્પલ જરીવાળાએ એક નાના અમસ્તા પ્લાસ્ટિકના કન્ટેનરમાં આખું મિનીએચર જિમ બનાવ્યું છે. રબર અને ટાંકણી તથા એલ્યુમિનિયમ શીટની મદદથી આ ઈકવિપમેન્ટ બનાવ્યા છે. દોડવા માટેનું રોલર, ડમબેલ્સ, વેઇટ લીફટિંગ માટેનું બાર, સુઇને કસરત કરી શકાય તે માટે બેન્ચ અને એક મશીન છે જેની સાઈઝ એક CM જેટલી છે.

2020 ખાલી પેનમાંથી બનાવ્યા ગણપતિ
વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પણ કલાકૃતિઓ બનાવી છે. ખાલી થઈ ગયેલી 2020 બોલપેન ભેગી કરીને ગણપતિ બનાવ્યા છે. ત્રણ પેન્સિલની અણી પર કાર્વિગ કરીને ગણપતિ બનાવ્યા છે. 80થી 90 પેન્સિલની અણી પર કલાકૃતિઓ બનાવી છે જેમાં 26 પેન્સિલ પર A to Z અને 9 પેન્સિલ પર 1 to 9, ખુરશી, નાઈટ લેમ્પ, એરોપ્લેન, માછલી, વર્લ્ડ કપ, મોટરની કલાકૃતિ તથા ચોકમાંથી ગણેશજી અને વર્લ્ડ કપ તૈયાર કર્યા છે. પીપળાના પાન પર કોતરણી કરીને અમિતાભ બચ્ચન, સલમાન ખાન, કરીના કપૂર, કિશોર કુમાર ની કલાકૃતિ બનાવી છે.

એક m.m. થી માંડીને 10 C.M.ના 30થી 40 પતંગ
અલગ-અલગ ડિઝાઇન જેમકે, ગ્લાઈડર, કાઘરી, લાકડો, નવરંગ, ચોપાનીયો મિનીએચર પતંગ બનાવ્યા છે. 5 m.m.ની ફીરકી છે જેમાં દોરી પણ લપેટાયેલી છે. ડિમ્પલ જરીવાળા સારી પતંગબાજી પણ કરે છે. તેઓ ચાર વર્ષથી ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લે છે. તેમણે ચાયનાથી 30 ફૂટ જેટલા મોટા પતંગ મંગાવેલા છે. એક દોરી પર 100 પતંગ, કાર્ટૂન પતંગ, છત્રી આકારનું ગ્લાઇડર શામિલ છે.

Most Popular

To Top