ખેડા : ખેડા જિલ્લાના કલોલી ગામની ગૌચરની જમીન પર દબાણ મામલે ઘણા વર્ષોથી ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતી ઉદભવી હતી. ગામના જાગૃત સરપંચ દ્વારા છેલ્લા વર્ષોથી જમીન બાબતે ખૂબ જ આક્રમકતા દાખવી સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ કલોલની દબાણવાળી જમીનની માપણી નિશાન ખૂંટની કામગીરીમાં ઠાગાઠૈયા કરાતા હતા. આખરે ગતરોજ સદર જમીન સંબંધિત નિવારણ રૂપે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કલોલની અંદાજીત 250 વીઘા જેટલી જમીનમાં દબાણ મામલે મહેમદાવાદ ધારાસભ્યની જીલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન ચર્ચાયો હતો. જે અંતર્ગત સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. કલેકટર દ્વારા કલોલી ગૌચરની જમીન નિશાન ખૂંટ માટે આદેશ આપવામાં આવ્યો હતો. જે મુજબ આજે બુધવારે પહેલી નવેમ્બરે કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે માપણી કામગીરી માટે અધિકારીઓ કર્મચારીઓ પોલીસ ટીમને દબાણવાળી જમીનની જગ્યાએ પહોંચવા માટે નદી પાર કરવા માટે સ્થાનિક સ્તરે સાત ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રથમ દિવસે માપણી કામગીરી માટે ખેડા જિલ્લા જમીન માપણી કચેરી નડિયાદની ટીમના ચાર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમીન નિશાન ખૂંટની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ તંત્ર ખડેપગે રહ્યું હતું. આજે હાથ ધરવામાં આવેલ માપણી કામગીરી દરમિયાન ગામના પૂર્વ સરપંચ સહિત ગ્રામજનો પણ ગૌચરની જમીન સ્થાન પર ખૂબ જ ઉત્તેજનાભરી પરિસ્થિતિ વચ્ચે દિવસભર ઉપસ્થિત રહ્યા હતા. જોકે ઘણા વર્ષોથી અધ્ધરતાલ રહેલા વિકટ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શરૂ થયેલ કામગીરી પ્રથમ દિવસે શાંતિપૂર્વક સંપન્ન થઇ હતી. જેથી વહીવટી તંત્ર સહિત ગ્રામજનો આગેવાનોએ હાશકારો અનુભવ્યો છે. ખેડાના કલોલી ગામમાં ગૌચર દબાણનો મામલો છેલ્લા કેટલાક સમયથી તંત્ર માટે પણ પેચીદો બન્યો છે. જેના ઉકેલ માટે ફરી તંત્ર હરકતમાં આવ્યું છે.
સવારે 11 વાગ્યે કામગીરી શરૂ, સાંજે 5 કલાક સુધી યથાવત
કલોલીના જમીન મામલે નિશાન ખૂંટ કામગીરી માટે વહીવટી તંત્રની ટીમ કલોલી ગૌચરની જમીન સ્થાન પર પહોંચીને કામગીરી શરૂ કરી હતી. સવારે 11 વાગ્યે જમીન માપણી ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાંજે પાંચ વાગ્યા સુધી જમીન માપણી વિભાગની ટીમે કામગીરી યથાવત રાખી હતી. દિવસભર શાંતિપૂર્વક ચાલી રહેલ કામગીરી દરમિયાન સવા સો વીધા જેટલી જમીનની માપણી પુર્ણ કરવામાં આવી હતી. બાકી રહેલા ગૌચરની જમીન બીજા દિવસે ગુરુવારે પણ યથાવત રાખવામાં આવનાર હોવાનું જણાવાયું છે.