સુખસર, ફતેપુરા: ફતેપુરા તાલુકાના તમામ વિસ્તારોમા સરકારી-ગૌચરની જમીનો આવેલી છે.તે જમીનો ઉપર કેટલાક તકવાદી તત્વોએ પોતાનો કબજો જમાવી જમીનો હડપ કરી છે. આવું જ એક દબાણ અટકાવાયું. જ્યારે દબાણકર્તાઓ સામે વહીવટી તંત્રો દ્વારા કરવી પડતી કાર્યવાહીની ઉપેક્ષા કરાતા દબાણકર્તાઓ બેફામ બની રહ્યા છે.જોકે તેમાં તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી,ગૌચરની જમીનો નામ પુરતી બચી છે.અને બચેલી જમીનો ઉપર લોકો કબજો જમાવે તે પહેલા સ્થાનિક વહીવટીતંત્રોએ કુંભકર્ણની ઊંઘ છોડી દબાણકર્તાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂરત જણાઈ રહી છે.
ફતેપુરા સહિત સુખસર,બલૈયા જેવા ગામોમાં આવેલી મોટાભાગની સરકારી તથા ગૌચરની જમીન અને કેટલીક જગ્યાએ સરકારી જમીનની આડમાં માલિકીની જમીન કેટલાક લોકોએ પચાવી પાડી તેમાં પાકા દબાણો ઉભા કરી દીધેલા છે.અને તેવા દબાણ હટાવવા માટે અનેકવાર જાગૃત નાગરિકો દ્વારા વહીવટી તંત્રોને રજૂઆતો કરવામાં આવે છે.તેમ છતાં તેવા દબાણો હટાવવા વિલંબ થતા દબાણકર્તાઓ નીડર બની દબાણો વધારતા જાય છે.તેવી જ રીતે ફતેપુરા પાસે આવેલ કાળીયા-વલુંડા ગામમાં આગાઉનો જે સરકારી કુવો હતો તે કુવાનું રાતોરાત પુરાણ કરી તેના ઉપર પાકું બાંધકામ કરતા તેની જાણ કાળીયા-વલુંડા ગ્રામ પંચાયતને થતાં તાત્કાલિક નોટિસ ફટકારી ગેરકાયદેસર થતી આ કામગીરી સ્થગીત કરાવી હોવાનું જાણવા મળે છે.
હવે જોવું રહ્યું કે,સ્થગિત થયેલી કામગીરી ઉપર પૂર્ણવિરામ મુકાશે કે આગળ વધશે?તે સમય જ બતાવશે. પરંતુ હાલમાં ગ્રામ પંચાયત દ્વારા કરવી પડતી કાર્યવાહી કરી થતી કામગીરી બંધ કરાવી છે તે યોગ્ય છે. સુખસરમાં સરકારી અને ગૌચરની જમીનમાં કેટલાંક તકવાદી તત્વોએ પાકા બાંધકામ કરી જમીનો પચાવી પાડી છે. તેમ છતાં તે પ્રત્યે તટસ્થ કહી શકાય તેવી કાર્યવાહી થઈ હોય તેવું જાણવા મળ્યું નથી.પરંતુ સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણ કર્તાઓ વિરુદ્ધમાં સમયસર કાર્યવાહી કરી, દબાણ હટાવી સરકારી જમીનો ખુલ્લી કરવી જરૂરી છે.