કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે અને ભરપૂર વનૌષધિઓ ઉગાડી છે, એવા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા મથકેથી ૮ કિ.મી. અંદર દૂર પૂર્વ દિશામાં ધરમપુરથી વાપી તરફ જતા બાયપાસ હાઇવે રોડ ઉપર આવેલું નાનકડું ગામ એટલે કાકડકુવા. જે આજે વિકાસના પંથે પા-પા પગલી પાડતું ગામ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કાકડકુવા ગામ રાજા રજવાડાના સમયથી પ્રખ્યાત છે. કારણ કે, કાકડકુવા ગામની બાજુમાં નાની વહિયાળ ગામ વસેલું છે. જ્યાં ધરમપુરના મહારાજા વિજય દેવજીનો મહેલ આવેલો છે. રાજા પોતાની રાણીઓ સાથે આ વિસ્તારમાં ફરવા માટે નાની વહિયાળ મુકામે આવતા હતા. બાદ રાજા વિજયદેવજી શિકાર કરવા માટે નાની વહિયાળ, કાકડકુવા ગામે ખાસ જંગલોમાં તે સમયે રોકાતા હતા અને પોતાના સૈનિકોના કાફલા સાથે નાની વહિયાળ ગામે આવેલા પોતાના મહેલમાં રાત્રિ રોકાણ કરતા હતા
બાદ બીજા દિવસે ધરમપુર ખાતે આવેલા પોતાના રાજમહેલમાં જવા માટે નીકળતા હતા. ધરમપુરના રાજા વિજય દેવજી હંમેશાં શિકાર માટે કાકડકુવા, ફૂલવાડી, વહિયાળ સહિતનાં ગામોને પસંદ કરતા હતા. કેમ કે, આ ગામો નદી કિનારે આવેલાં હોવાથી આ વિસ્તારમાં જંગલ વધુ હોવાથી દીપડા, હરણ સહિત પ્રાણીઓ વધુ પ્રમાણમાં જોવા મળતાં હતાં. જેના લીધે શિકાર કરવા માટે આ ગામોને વધુ પસંદ કરતા હતા. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કાકડકુવા ગામનું નામ કાકડકુવા કેમ પડ્યું? કારણ કે, કાકડકુવા ગામમાં કાકડાનાં ઝાડો વધુ પ્રમાણમાં જોવા મળતાં હતાં. જેથી લોકવાયકા મુજબ આ ગામનું નામ કાકડકુવા પડ્યું હતું. આ ગામમાં શિક્ષિત લોકો વધુ હોવાથી મોટા ભાગે લોકો શિક્ષક તથા અન્ય ખાનગી નોકરી વધુ પ્રમાણમાં કરે છે. કાકડકુવા ગામમાં પટેલ ફળિયા ખાતે રહેતા અરવિંદભાઇ છોટુભાઇ પટેલ અગાઉ આસુરા ગામે આવેલી માધ્યમિક શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા.
પરંતુ તેઓ હાલમાં ધરમપુરના ધારાસભ્ય પદે આરૂઢ છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ વખત ધારાસભ્ય પદે ચુંટાઇ આવતાં તેઓ સરકારી નોકરી છોડી તાલુકાની પ્રજાનાં વિકાસનાં કામો કરવા માટે હરહંમેશ આગળ રહ્યા છે. ખેડૂત પરિવારમાંથી આવેલા અરવિંદ છોટુભાઇ પટેલે કાકડકુવા ગામના વિકાસ માટે ધારાસભ્ય ફંડમાંથી તથા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ લાખો કરોડો રૂપિયાનાં કામો મંજૂર કરાવ્યાં છે. ત્યારે કાકડકુવા ગામનો વિકાસ સારો થશે એવું હાલ લાગી રહ્યું છે.
ત્યારે આવનારા દિવસોમાં પણ કાકડકુવા ગામમાં મોટા પ્રોજેક્ટ આવે અને લોકોને રોજગારી મળે એવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે. નવયુવાન ધારાસભ્ય અરવિંદ પટેલ સરકારમાં રજૂઆત કરી ગામમાં સારો વિકાસ થાય, ગામ પ્રગતિના પંથે આગળ વધે એ માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે. કાકડકુવા ગામમાં ખેડૂતો કેરી, શેરડી, ડાંગર, શાકભાજી સહિતના પાકોની ખેતી કરે છે. આ ગામમાં ધોડિયા, કુંકણા, મુસ્લિમ, કોળચા વગેરે જ્ઞાતિના લોકો વસે છે.
- ગ્રામ દર્પણ
- * ગામનું નામ : કાકડકુવા
- * સરપંચનું નામ : આનંદકુમાર રવિન્દ્રભાઈ બારિયા
- * તલાટી કમ મંત્રી : રેખાબેન યાદવ
- * ડેપ્યુટી સરપંચ : વિનોદભાઇ ખુશાલભાઇ પટેલ
- * ગામની વસતી : પુરુષ 1732, સ્ત્રી 1767
- * ગામની કુલ વસતી : 3499 * કુલ મતદાર: 2700
- * ગામમાં વસતી મુખ્ય જ્ઞાતિઓ : ધોડિયા, કુંકણા, મુસ્લિમ, નાયકા અને કોળચા
- * પ્રાથમિક શાળાની સંખ્યા : ૦૧
- * આંગણવાડી કેન્દ્રની સંખ્યા : ૦૪
- * પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર : ૦૧
- * દૂધ ડેરી : ૦૨
- * ગામમાં મુખ્ય પાકો : ડાંગર શેરડી કેરી તથા શાકભાજી
- * ગામના વોર્ડની સંખ્યા : ૧૦
- સભ્યોની નામાવલિ
- (0૧) સુનીતાબેન પંકજ ડગળા
- (0૨) ગુલાબ સોમલા ડળકયા
- (0૩) વિનોદ ખુશાલ પટેલ
- (0૪) યોગીતાબેન લક્ષ્મણ ગાંવિત
- (0૫) દિવ્યાબેન મનોજ પટેલ
- (0૬) હેમંત ગણેશ પટેલ
- (0૭) માલતીબેન ધીરૂ ભોયા
- (0૮) હંસાબેન ગોપાળ ગરાળિયા
- (0૯) રઘુ નગીન
- (૧૦) ઉષાબેન ઈશ્વર પટેલ
ગામની પ્રાથમિક શાળાના ધો.1 થી 8માં 307 વિદ્યાર્થી શિક્ષણ મેળવે છે
કાકડકુવા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો.૧થી ૮માં ૧૫૪ છોકરા અને ૧૫૩ છોકરી મળી કુલ ૩૦૭ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અત્યારે શાળામાં ૫ ભાઇ અને ૬ શિક્ષિકા બહેનો મળી કુલ ૧૧ શિક્ષકો વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી અને મૂલ્યલક્ષી શિક્ષણ આપી રહ્યા છે. શાળામાં ધો.૧થી ૪માં પ્રજ્ઞા અભિગમો અમલમાં છે. તેઓ વિદ્યાર્થીઓને સપ્તરંગી પ્રવૃત્તિઓ, રમતો, ગીતો, વાર્તાઓ દ્વારા ભારમુકત શિક્ષણ મેળવી રહ્યાં છે. શાળાના આચાર્ય નીરવ સોલંકી અને ઉત્સાહી શિક્ષકોને લીધે વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરે છે. આ શાળા ગત વર્ષોમાં રાજ્ય કક્ષાનાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં કૃતિઓ રજૂ કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામી હતી. શાળાનું મેદાન વિશાળ હોવાથી કબડ્ડી, ક્રિકેટ, વોલીબોલ સહિત અન્ય રમતોની સ્પર્ધા યોજાય છે.
ગ્રામ પંચાયતના સરપંચ આનંદભાઇ બારિયા
કાકડકુવા ગ્રામ પંચાયતના સરપંચ આનંદભાઇ રવિન્દ્રભાઇ બારિયા છે. હાલમાં તાલુકા પંચાયતની બારોલીયા કાકડકુવાની બેઠક ઉપર તેમનાં પત્ની આશાબેન આનંદભાઇ બારિયા ચુંટાઇ આવતાં આ ગામનું વિકાસ સારું થશે. ગામના પ્રથમ નાગરિક સરપંચ આનંદભાઇ બારિયા શિક્ષિત છે. તેઓ સ્વભાવે સરળ અને મિલનસાર છે. તેઓ સાદગીપૂર્ણ જીવન જીવે છે, તેથી લોકપ્રિય છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા તેઓ હરહંમેશ તત્પર રહે છે. તેમની મુખ્ય નેમ ગામના લોકોને સુશિક્ષિત અને સંગઠિત કરી સુરક્ષિત બનાવવાની છે. તેમજ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સૌનો સર્વાંગી વિકાસ કરવાની છે.
કાકડકુવા ગામનાં વિકાસમાં સરપંચ તથા સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલનું મહત્ત્વનું યોગદાન
કાકડકુવા ગામમાં રસ્તા, પાણી, વીજળી, આવાસો તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાતાં ગામની રોનક બદલાઈ જવા પામી છે. કાકડકુવા ગામના વતની અરવિંદ પટેલ હાલમાં ધરમપુર મત વિસ્તારના ધારાસભ્ય હોવાથી અને સરકારમાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અરવિંદ પટેલનું એક જ સપનું છે કે, તે કાકડકુવા ગામનું સારો એવો વિકાસ કરી ગામની કાયાપલટ કરવાની સાથે સારો એવો ગામનો વિકાસ થાય એ માટે ખૂબ પ્રયત્નશીલ છે. કાકડકુવા ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ લાખોના ખર્ચે માર્ગો મંજૂર કરાયા છે. તથા ગામના ઉતારી ફળિયા ખાતે ચેકડેમ કોઝવે ૧૦ લાખના ખર્ચે બનાવવાની મંજૂરી મળી ગઇ છે. ઉપરાંત ગામમાં ૧૬ જેટલાં પ્રધાનમંત્રી આવાસો ગામમાં ૧૦૦ જેટલી સ્ટ્રીટલાઇટ લગાડવા સહિતની સરકારની અન્ય કલ્યાણકારી યોજનાઓના લાભ લોકોને મળે અને ગામ પ્રગતિના પંથે આગળ વધે એ માટે સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલનું યોગદાન મહત્ત્વનું છે.
સોલર લાઇટથી ઝગમગતું ગામ
ગામનાં દરેક ફળિયાંમાં એકાદ-બે જગ્યાએ સોલાર લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. તેથી રાત્રિના સમયે સોલર લાઇટની રોશનીથી ગામ ઝગમગે છે. જ્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો વીજ પૂરવઠો બંધ હોય છે ત્યારે સોલર લાઇટ લોકો માટે ઉપકારક બને છે. અત્યારે ગામમાં ૧૦૦ જેટલી સ્ટ્રીટ લાઇટની મંજૂરી મળી ગઇ છે. એવા સંજોગોમાં સોલર લાઇટ સ્ટ્રીટ લાઇટની ગરજ સારી રહી છે. પરંતુ ગામમાં ૧૦૦ વધુ સ્ટ્રીટ લાઇટના પોઇન્ટ ઊભા કરવામાં આવશે તો સમગ્ર ગામ રોશનીથી ઝગમગી ઊઠશે.
ગામના ડેપ્યુટી સરપંચ વિનોદભાઈ પટેલ
કાકડકુવા ગ્રામ પંચાયતના કુલ ૧૦ વોર્ડ છે. જેમાં ડેપ્યુટી સરપંચ પદે આરૂઢ વિનોદભાઇ ખુશાલભાઇ પટેલ ગ્રામ પંચાયતના સભ્યોમાં સૌથી વધુ ભણેલા છે. ઉત્સાહી અને લોકપ્રિય સભ્ય છે. તેમનું ઘર કાકડકુવા ગ્રામ પંચાયતની નજીક હોવાથી તેઓ સરપંચ આનંદભાઇ બારિયા અને તલાટી કમ મંત્રી રેખા યાદવ તથા ગ્રામજનોની વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે. ડેપ્યુટી સરપંચ વિનોદભાઇ પટેલ ગ્રામજનોને જરૂરી જાતિ-આવકના દાખલા, ઘરવેરા કે જમીન વેરાની રસીદ વગેરે મેળવવામાં મદદરૂપ બને છે. તેઓ ગ્રામજનોનું શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને આરોગ્યનું ધોરણ સુધરે એ માટે પ્રયત્નશીલ રહે છે. તેમનું માનવું છે કે શિક્ષણ અને આરોગ્ય વિના ગ્રામજનોનો ઉદ્ધાર થઈ શકે નહીં.
કાકડકુવા ગામે 111 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
ધરમપુર શહેરી વિસ્તારમાં કોરોના કાળમાં ૬૦૦ જેટલાનાં મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો હતો. જો કે, કોરોના કાળની બીમારીમાં કાકડકુવા ગામે ૧૫ જેટલાં લોકો મોતને ભેટ્યા હતાં. જ્યારે ૧૦૦થી વધુ લોકો સારવાર લઇ સાજા થયા હતા. આમ, ધરમપુર તાલુકામાં કોરોનાની મહામારીમાં મૃત્યુ આંક વધી જતાં સ્મશાન, કબ્રસ્તાનમાં દફનવિધિ તથા અંતિમસંસ્કાર માટે લોકો મૃતદેહ લઇ વેઇટિંગમાં ઊભા જોવા મળ્યા હતા. કાકડકુવા ગામે કોરોનાને અટકાવવા માસ્ક વિતરણ તથા આખા ગામમે સેનિટાઇઝ કરાયું હતું. બાદ સરકારી હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ગામમાં ૧૧૧ જેટલા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે ફક્ત ચાર જ યુવાનોએ કોરોનાં વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. આમ, ગામમાં પણ કોરોના વેક્સિનનો ડોઝ વધુ લોકો લે એ માટે સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલ, ગામના સરપંચ આનંદ પટેલ તથા સહકારી આરોગ્ય કેન્દ્રનાં નર્સ મમતા પટેલે લોકોને અપીલ કરી હતી.
આંગણવાડીમાં ભૂલકાંને આહાર તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાય છે
ગામમાં એક આંગણવાડી કેન્દ્ર દાદરી ફળિયા પાસે કાર્યરત છે. બીજી આંગણવાડી કેન્દ્ર આંબલી ફળિયા ખાતે કાર્યરત છે અને ત્રીજું આંગણવાડી કેન્દ્ર ડુંગરપાડા ખાતે, ચોથું કેન્દ્ર કુંકણ ફળિયા ખાતે કાર્યરત છે. આમ, કાકડકુવા ગામે ચાર જેટલાં આંગણવાડી કેન્દ્ર કાર્યરત છે. જેમાં 0થી 5 વર્ષનાં ભૂલકાંને દરરોજ મેનુ પ્રમાણે પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. વધુમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રનાં બાળકોને અઠવાડિયામાં મંગળવાર તથા શુક્રવારે એમ બે દિવસ દૂધ પીવડાવવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રનાં બાળકોને જુદી જુદી રમતો, વાર્તા, ગીતોની પ્રવૃત્તિઓ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. તદુપરાંત બાળકોમાં સુટેવોનું ઘડતર થાય એવા પણ પ્રયત્નો કરવામાં આવે છે.
ઘરઆંગણે રોજગારી પૂરી પાડતી દૂધ ડેરી
ગામની શોભામાં અભિવૃદ્ધિ કરે તેવું દૂધ ડેરીનું સુંદર મકાન છે. અહીંની દૂધ ડેરીનું સંચાલન મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કરવામાં આવે છે. ગામના પશુપાલન સાથે સંકળાયેલા લોકો દૂધ ડેરીમાં દૂધ ભરી ઘરઆંગણે રોજગારી મેળવે છે. અહીંની દૂધ ઉત્પાદક સહકારી મંડળી સડક ફળિયા ખાતે કાર્યરત છે. મંડળીમાં ૪૦૦ જેટલા સભાસદ છે. ઉપરાંત કાકડકુવાના ડુંગરપાડા ખાતે દૂધ ઉત્પાદક મંડળી કાર્યરત છે. અહીં પુરુષ મહિલા મળી મંડળીમાં ૨૫૦થી ૩૦૦ જેટલા સભાસદ છે. જેમના દ્વારા રોજ સવાર-સાંજ ગાય ભેંસનું દૂધ બંને દૂધમંડળીનું દૂધ 700 લીટર જેટલું એકત્ર કરી ચીખલીના આલીપોર ખાતેની વસુધારા ડેરીમાં મોકલવામાં આવે છે.
ગામમાં ધાર્મિકતાનાં પ્રતીકસમાં ત્રણ મંદિર આવેલા છે
ગામમાં ધાર્મિકતાનાં પ્રતીકસમાં ત્રણ મંદિર છે. જેમાં અંબામાતા મંદિર, હનુમાનજી મંદિર તથા સ્વામીનારાયણના મંદિરનો સમાવેશ થાય છે. કાકડકુવા ગામે વર્ષો જૂનું અંબામાતાનું મંદિર સડક ફળિયા ખાતે આવેલું છે. જ્યાં મહાશિવરાત્રિ તથા નવરાત્રિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ મંદિરોમાં સમયાંતરે ભજન-કિર્તન, સત્યનારાયણ ભગવાનની કથા, પાટોત્સવ ભાગવત કથા જેવા ધાર્મિક કાર્યક્રમો આયોજન થતું રહે છે. સ્વામીનારાયણનું મંદિર ગામની પાદરે આવેલું છે. જ્યાં દર વર્ષે 14મી જાન્યુઆરીએ પાટોત્સવ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ઉપરાંત હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતી નિમિત્તે મહાપ્રસાદ ભજન-કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. અંબા માતાના મંદિરે દર વર્ષે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ગરબાની અનોખી રમઝટ જામે છે. જેમાં આજુબાજુનાં ગામના લોકો હોંશેહોંશે જોડાય છે.
કાકડકુવા ગામે દરેક ફળિયામાં પીવાના પાણીની ટાંકી ઉપલબ્ધ
કાકડકુવા ગામે દરેક ફળિયામાં પીવાના પાણી માટે જલધરા યોજના હેઠળ પાણીની ટાંકીઓ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. અને કાકડકુવા ગામે દરેક ફળિયામાં ઘરે ઘરે નળ મારફતે પીવાનું શુદ્ધ પાણી લોકોને મળી રહ્યું છે. સરકારની આ યોજના હેઠળ ઘરે ઘરે પીવાનું પાણી નળ મારફતે મળતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઉપરાંત કાકડકુવા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦૦ આવાસો મંજૂર કરાયાં છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દરેક લાભાર્થીને પાકાં મકાનો મળશે. એવી સરકારની અનેક કલ્યાણકારી યોજના હેઠળ લોકોને અનેક લાભો મળી રહ્યા છે.
કાકડકુવા ગામે આવેલું પી.એચ.સી. સેન્ટર 8 ગામને ઉપયોગી
કાકડકુવા ગામે આવેલું નવું પી.એચ.સી. સેન્ટર 8 જેટલાં ગામને ઉપયોગી થઇ રહ્યું છે. કારણ કે, તાવ, મેલેરિયા, ટાઇફોડ તથા સ્ત્રી રોગ, ચામડીના રોગ સહિતની સારવાર કાકડકુવાના નવા પી.એચ.સી. સેન્ટર ખાતે વિનામૂલ્યે કરવામાં આવે છે. હાલમાં આ નવા પી.એચ.સી. સેન્ટરમાં આરોગ્ય અધિકારી તરીકે વિજય પટેલ સેવા બજાવી રહ્યા છે. સ્ટાફમાં ૩ નર્સ તથા ૧ ફાર્માસીસ સહિત પાંચનો સ્ટાફ આ હોસ્પિટલમાં ખડેપગે સેવા બજાવી રહ્યો છે. જો કે, આ પી.એચ.સી. સેન્ટરને પગલે નાની વહિયાળ, ફૂલવાડી, લાકડમાળ, બારોળિયા, ઝરિયા, ભેળધરા, મોટી વહિયાળ, માકંડવન સહિતનાં 8થી વધુ ગામના લોકોને આ સરકારી પી.એચ.સી. સેન્ટર ખાતે વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. આ પી.એચ.સી. સેન્ટર ખાતે 100થી વધુ મહિલાની પ્રસૂતિ થઇ ચૂકી છે. ઉપરાંત 24 કલાક કોઇપણ સમયે મહિલાઓને પ્રસૂતિ માટે અહીંનો સ્ટાફ ખડેપગે સેવા બજાવી રહ્યો છે. જેના કારણે લોકોને ધરમપુરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે જવું પડતું નથી.