પેપર, પ્રિન્ટીંગ, મેન્યુફેકચરીંગ, ઓફિસ સ્ટેશનરી, કંપની સ્ટેશનરી અને સ્કૂલને લગતી સ્ટેશનરી માટે રાજ માર્ગ અને રાણીતળાવની શેરીઓમાં 8 થી 10 દુકાનો ધરાવનાર કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીનો દોઢ સૈકા ઉપરાંતથી ડંકો વાગી રહ્યોા છે. ગુજરાતમાં અને સુરતમાં પ્રથમ પેપર મિલ શરૂ કરનાર પેઢી એટલે કાગઝી જી.જે. બ્રધર્સ પ્રથમ ગુજરાતી પેઢી છે. વર્ષ 1870માં ભારતમાં હસ્ત ઉદ્યોગ તરીકે કાગળ બનાવીને વેચવાનો વેપાર ચાલતો હતો. ત્યારે 1870માં મુંબઈમાં કાગઝીની દુકાન ધરાવતા મોહંમદભાઈ જમુવાલા (કાગઝી) અને એ જ કુટુંબના વડીલ જમાલુદ્દીન મુહમ્મદભાઈએ મુંબઈના પરેલમાં શ્રી પદમશીની કાગળ ફેકટરી ખરીદી લઈ મુંબઈમાં પેપર મિલ શરૂ કરી હતી. પરંતુ મીઠા પાણીના અભાવે આ મિલને વસઈ તળાવ પાસે શિફ્ટ કરી હતી.
પરંતુ ત્યાં પણ પેપર મિલ માટે હવામાન માફક ન આવતાં આ પેપર મિલને સહારા દરવાજા પાસે નવાબની મોટી વાવ સાથેની જમીન ખરીદી લઈ 1918 સુધી આ મિલ ચલાવી હતી. 19મી સદીના પ્રારંભે અંગ્રેજોએ વિદેશથી કાગળો આયાત કરતાં આ મિલને મોટો ફટકો પડયો હતો અને તે પછી કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીના વારસદારો સ્કૂલ અને ઓફિસ સ્ટેશનરીથી લઈ સમય પ્રમાણે કમ્પ્યુટર સ્ટેશનરી તરફ વેપારને આધુનિકીકરણ સાથે આગળ ધપાવતા રહ્યાા છે. 152 વર્ષથી અડીખમ સુરતની જૂનામાં જૂની પ્રારંભિક પેઢીઓ પૈકીની એક કાગઝી જી.જે.બ્રધર્સની રોચક વાતો ‘ગુજરાતમિત્ર’ લઈને આવ્યું છે.
જૂના જમાનામાં કૃષિ યુનિવર્સિટીમાં માલ મોકલવા બળદગાડાનો ઉપયોગ થતો
કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીના સંચાલકો પૈકીના એક જુબેર કાગઝી કહે છે કે જૂના જમાનામાં કૃષિ યુનિવર્સિટીમાં માલ મોકલવા બળદગાડાનો ઉપયોગ થતો હતો. દુકાનની બહાર બળદગાડાને બાંધી કપાસને ઢાંકવા માટેના સિલ્વર પેપર, વ્હાઈટ પેપર અને કલર પેપર મોકલવામાં આવતા હતા. અમારી પેઢીથી બે પૈંડાની લારી અને ચાર પૈંડાની લારીમાં શહેરભરમાં સ્ટેશનરી અને કાગળ જતા હતા. ઓછા માલની ડિલિવરી કરવા માટે ટોકરાઓ લઈને બાઈઓ દુકાન બહાર બેસતી હતી.
1870માં પેઢીની શરૂઆત થઈ 1925માં સુરતના લીમડાચોકમાં દુકાનની શરૂઆત થઈ
કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીના સંચાલકો પૈકીના એક ખાલીદ મો. નસીર કાગઝી કહે છે કે કાગઝી-જમુવાલા કુટુંબના મોહમ્મદભાઈ જમુવાલા અને જમાલુદ્દીન મોહમ્મદભાઈ કાગઝીએ 1870માં મુંબઈમાં પેપર મિલની સ્થાપના કરી આ મિલને થોડાં વર્ષો પછી સહારા દરવાજા ખાતે શરૂ કરી હતી. આ પેપર મિલ સુરતમાં અંગ્રેજોના શાસન દરમિયાન 1918 સુધી ચાલી હતી. બ્રિટિશ રાજ દ્વારા કાગળો સુરત આયાત થતાં પેપર મિલનો ધંધો મંદ પડયો હતો. અને 1918 પછી પેપર મિલ બંધ પડી હતી. મુંબઈમાં પણ 1914 સુધી મોહમ્મદભાઈ જમાલુદ્દીન કાગઝીની દુકાન ચાલી હતી. કાગઝી જી. જે. બ્રધર્સ પેઢીનું નામ ગુલામનબી અને જમાલુદ્દીન કાગઝીના પ્રથમ મૂળાક્ષરમાંથી બે મૂળાક્ષરો લઈને બનાવવામાં આવ્યું હતું. આ પેઢીના વારસદારોએ 1925માં શહેરના રાજમાર્ગ પર લીમડાચોકમાં પ્રથમ દુકાન શરૂ કરી હતી. કાગઝી કુટુંબની રાજમાર્ગ અને રાણીતળાવ શેરીઓમાં 8 થી 10 દુકાનો સ્વતંત્ર રીતે ચાલી રહી છે. જે તેમની સાતમી આઠમી પેઢીના સંચાલકો ચલાવે છે. તે ઉપરાંત ખાલીદભાઈ કાગઝી અમર બ્રાન્ડના નામથી ખાતાવહી અને રોજમેળનાે વેપાર કરે છે.
પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના શુભદિવસે વેલવેટના કાપડમાં ચોપડાઓ આપવાની પરંપરા જળવાઈ રહી
કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીના સંચાલકો પૈકીના એક જુબેર કાગઝી કહે છે કે ઓછો નફો, બહોળો વેપાર અને ગ્રાહકને સંતોષ એ અમારો વેપાર મંત્ર રહ્યો છે. કાગળ, ચોપડા અમે પૂરેપૂરી બરકત અને આશીર્વાદ સાથે વેચાણ કરીએ છીએ. ગ્રાહકો ચોપડા લીધા પછી કાગઝી પરિવાર પાસે બરકતના હાથ મુકાવે છે. અમારી પેઢીમાં જોડાતાં દરેક બાળકને પહેલું લેશન એ હોય છે કે ચોપડા પર ક્યારેય બેસવું નહિ અને કોણી ટેકવીને ઊભા રહેવું નહિ. બિલાલ કાગઝી કહે છે કે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના શુભદિવસે વેલવેટના કાપડમાં ચોપડાઓ આપવાની પરંપરા જળવાઈ રહી છે. ગ્રાહકો વેલવેટનું લાલ કાપડ લઈને દુકાને આવે છે જેમાં ચોપડો મુકાયા પછી લક્ષ્મીજીના ફોટા સાથે ગલગોટાના ફૂલ મૂકે છે અને સાથે આવેલા બાળકને ચોપડાઓ અને રોજમેળ વેલવેટ અને મખમલનાં કાપડથી પેક કરી હાથમાં આપે છે. તેની પાછળનું કારણ એ છે કે બાળકોમાં પણ નીતિમત્તા સાથે વેપાર કરવાના સંસ્કાર જળવાઈ રહે. એ પછી કાગઝી પરિવારના વડીલના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લઈ મંદિરે જઈને ગ્રાહક ચોપડાની પૂજા કરે છે અને પછી દુકાને ચોપડા મૂકવામાં આવે છે. દાયકાઓ જૂની આ પરંપરા આજે પણ યથાવત છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડથી લઈ સુરતના નવાબના દફતરે જી.જે.બ્રધર્સના કાગળો જતા : જુબેર કાગઝી
કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીના સંચાલકો પૈકીના એક જુબેર કાગઝી કહે છે કે પેપર અને સ્ટેશનરીની જૂની પેઢી હોવાથી તે જમાનામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની કચેરીઓ અને સુરતના નવાબના દફતરોમાં આ પેઢીમાંથી કામકાજ માટે કાગળો જતા હતા. તે પછી વાપીથી તાપી સુધી આ પેઢીનો વેપાર વિસ્તર્યો હતો. છેક નવાપુરથી ગુજરાતી વેપારીઓ ચોપડાઓ ખરીદવા સુરત સુધી આવે છે. આજે પણ જાણીતી કંપનીઓ એસ્સાર, કૃભકો, L એન્ડ T, ગાર્ડન મિલ, સ્કૂલો-કોલેજો, રાષ્ટ્રીય અને સહકારી બેંકો, સુરત જિલ્લા પંચાયત, સુરત મનપા અને ઈન્કમટેક્સ જેવી એન્જસીમાં ઓફિસ અને કોમ્પ્યુટર સ્ટેશનરી કાગઝી જી.જે. બ્રધર્સની પેઢીના કુટુંબીજનો મોકલાવે છે. પેઢીને જ્યારે 100 વર્ષ પૂરા થયાં ત્યારે કેમલ કંપની દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ઐતિહાસિક પુસ્તકો ‘‘સુરત સોનાની મૂરત’’ અને ‘‘હકીકતુસ સુરત’’માં કાગઝી જી.જે.બ્રધર્સનો ઈતિહાસ નોંધાયો છે : ખાલીદ કાગઝી
કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીના સંચાલકો પૈકીના એક ખાલીદ મો. નસીર કાગઝી કહે છે કે કાગઝી-જમુવાલા કુટુંબ, તેમની પેપર મિલ, સ્ટેશનરીનો વેપાર સહિતની સફળતાની નોંધ ઈશ્વરરામ ઈચ્છારામ દેસાઈના સુરત પરના ઐતિહાસિક પુસ્તક ‘સુરત સોનાની મૂરત’ અને ફારસી ભાષામાં લખાયેલા પુસ્તક ‘હકીકતુસ સુરત’માં પણ કરવામાં આવી છે. પ્રારંભમાં પેઢી હેન્ડમેડ પેપર બનાવતી હતી અને કલરકામ પણ ઘરમાં કરવામાં આવતું હતું.
પાર્કર ક્વિન ઈંક, કેમલ અને અપ્સરા પેન્સિલ કંપનીના માલિકો સાથે પેઢીનો પારિવારિક સંબંધ રહ્યો : બિલાલ કાગઝી
કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીના સંચાલકો પૈકીના એક બિલાલ કાગઝી કહે છે કે સુરતમાં સ્કૂલ સ્ટેશનરી અને ઓફિસ સ્ટેશનરીની પ્રારંભિક પેઢીઓ પૈકીની અમારી પેઢી અગ્રેસર પેઢી હોવાથી ટોચની કંપનીઓના માલિકો સાથે કાગઝી જી.જે.બ્રધર્સના પારિવારિક સંબંધો રહ્યા છે. કેમલના ફાઉન્ડર દાદાસાહેબ દાંડેકરે ઈંકનું ઉત્પાદન સુરતથી શરૂ કર્યું હતું તેઓ થેલા ભરીને અમારી પેઢીમાંં ઈંક વેચાણ માટે લાવતા હતા. જાપાનની કંપની સાથે જોડાણ કરીને તેઓ સફળતાની ટોચે પહોંચવા છતાં અમારી સાથેના સંબંધો જાણવી રાખ્યા હતા. તેમના પુત્રો અને પાર્કર ક્વિન ઈંકના માલિક દિલીપ અને સુભાષ દાંડેકરે પણ આ પરંપરાને આગળ ધપાવી હતી. અપ્સરા પેન્સિલના માલિક પ્રવીણ સંઘવીએ પણ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ડિસ્ટ્રીબ્યુશનશીપ જી.જે.બ્રધર્સને આપી હતી.
70ના દાયકામાં કોરસ કાર્બન પેપર 14 રૂ. અને કાગળના ઘાનો ભાવ 2 રૂપિયા હતો
કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીના સંચાલકો પૈકીના એક ખાલીદ કાગઝી કહે છે કે 70ના દાયકામાં સ્ટેશનરીના વેપારમાં સુરતમાં વધતી વસ્તીને લીધે તેજી શરૂ થઈ હતી તે સમયે કોરસ કાર્બન પેપરનો ભાવ 100 પેપરના 14 રૂ. હતો જે આજે 170 થી 200 રૂપિયા છે. ડઝન બોક્સ ફાઈલનો ભાવ 55 રૂ. હતો. જે આજે લોઅર ક્વોલિટીની 1 ફાઈલનો ભાવ 60 રૂપિયા અને સારી ક્વોલિટીની ફાઈલનો ભાવ 90 થી 125 રૂપિયા છે. કાગળમાં 24 નંગના 1 ઘાનો ભાવ 2 રૂિપયા હતો જે આજે 25 રૂપિયા છે. ઓફિસ ફાઈલનો ભાવ 36 રૂપિયા હતો જે આજે 120 થી 144 રૂપિયા છે.
કોમ્પ્યુટરનો યુગ શરૂ થયા પછી પણ શુકનનો એક ચોપડો ખરીદવાની પરંપરા ચાલી રહી છે
કાગઝી જી.જે.બ્રધર્સ પેઢીના સંચાલકો પૈકીના એક જુબેર કાગઝી કહે છે કે ચોપડા અને રોજમેળના વેપારને અમે પવિત્ર માનીને લોકોનો વિશ્વાસ જળવાઈ રહે એ રીતે બરકતની દુઆ સાથે અને ગ્રાહક સાથેની પેઢી દર પેઢીઓની લાગણી સાથે આપીએ છીએ. ઘણા એવા ગ્રાહકો છે જે પેઢી દર પેઢીથી આવે છે. દાદાથી લઈ પૌત્ર સુધીના ગ્રાહકો છે. કોમ્પ્યુટરનો યુગ શરૂ થયા પછી પણ શુકનનો એક ચોપડો ખરીદવાની પરંપરા ચાલી રહી છે. અમારો એક ગ્રાહક મહારાષ્ટ્રના નવાપુરથી સુરત શુકનનો એક ચોપડો ખરીદવા માટે વર્ષમાં બે વાર આવે છે. કાગઝી જી.જે.બ્રધર્સની દુકાનોમાંથી ચોપડાઓ અને રોજમેળની શુકનની ખરીદી ગ્રાહકો શુભ માને છે. ખાલીદભાઈ કાગઝી કહે છે કે અમારો એક ગ્રાહક એવો છે કે જો હું જમવા ગયો હોઉં તો બીજા ભાઈઓ પાસેથી ચોપડા અને સ્ટેશનરી ખરીદવા ઈન્કાર કરે છે અને જ્યાં સુધી હું દુકાને ન આઉં ત્યાં સુધી રાહ જુએ છે. આ ગ્રાહકનો સંવાદ હોય છે બરકતની દુઆ સાથે કાગઝીસાહેબ ચોપડા આપો. એ પછી જ તે પરત ફરે છે. એ રીતે કુટુંબના ચોક્કસ વેપારીઓ સાથે ગ્રાહકોનો નાતો સંકળાયેલો છે.