પલસાણા: કડોદરા પોલીસમથક (Kadodara Police Station) વિસ્તારનાં બે સ્થળે બે કારનું પંચર પાડી (Punctured car) ચાલકનું ધ્યાન ચૂકવી 1.65 લાખ (1.65 lakhs) તફડાવી ગયાનો બનાવ સામે આવતાં જ પોલીસ દોડતી થઈ છે.
નજર ચૂકવી અજાણ્યો ઇસમ કારમાં રહેલું એક પાકીટ ચોરી ગયો
ચોર્યાસીના દખણવાળા ગામે રાજપૂત ફળિયાના રહેતા પ્રવીણસિંહ રામસિંહ વાંસિયા (ઉં.વ.59) ચલથાણ સુગરમાંથી હાલમાં જ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદના કાગળના લગતાં કામકાજ માટે તેઓ બુધવારે વહેલી સવારે 10 વાગ્યે સુગર ફેક્ટરીએ આવ્યા હતા. ત્યાં કામ પતાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન સુગર ફેક્ટરીની સામે આવેલ સુમુલ પાર્લરના તેઓ ખરીદી માટે ગયા ત્યારે કોઈ અજાણ્યા ઇસમે પાર્લરની સામે તેમની રિટર્સ કાર નં.(GJ 05 JC 4114)ના પાછળના ટાયરમાં તીક્ષ્ણ હથિયાર વડે કટ માર્યું હતું.
ખરીદી કરી પાછા ફરેલા પ્રવીણભાઈએ જોયું તો કારમાં પંચર હતું. જેથી પંચરની દુકાને પંચર બનાવવા ગયા હતા. જ્યાં નજર ચૂકવી અજાણ્યો ઇસમ તેમની કારમાં રહેલું એક પાકીટ ચોરી ગયો હતો.ચોરીની જાણ પ્રવીણભાઈને થતાં તરત તેઓ પાકિટ ATM બ્લોક કરાવવા દોડ્યા કે ત્યાં સુધીમાં તો પોસ્ટના બે અલગ અલગ ખાતાંમાંથી ATM મારફતે અલગ ખાતામાંથી 35 હજાર ઉપડી ગયાનો મેસેજ આવતાં પ્રવીણભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઘટના અંગે ચલથાણ પોસ્ટમાં જાણ કરતાં તત્કાલિક બંને ATM બ્લોક કરતાં 16 હજાર બચી ગયા હતા. આ ઘટના અંગે પ્રવીણભાઈએ કડોદરા પોલીસમથકમાં જાણ કરી હતી
ગાડીમાં બેઠા જોયું તો ગાડીનું પાછળનું ટાયર પંચર હતું
અન્ય એક બનાવમાં વાંસદાના ચાંપલધરા ગામે રહેતા અને રાઈસ મિલ ચલાવતા ઈશ્વર હીરાલાલ શાહ (ઉં.વ.60) બુધવારે 11 વાગ્યાના અરસામાં વરેલી ગામેગામ પંચાયતની સામે આવેલી મહાલક્ષ્મી કરિયાણા નામની દુકાનમાં ઉઘરાણીએ આવ્યા હતા. દુકાન આગળ તેમની કાર નં.(GJ 21 CC 1418) પાર્ક કરી તેઓ દુકાનમાં ગયા અને થોડા સમય બાદ તરત રૂપિયા ભરેલું પાકીટ લઈ ગાડીમાં બેઠા કે જોયું તો ગાડીનું પાછળનું ટાયર પંચર હતું. જેથી તેઓ ટાયર બદલવા સ્ટેપની કાઢી અને ટાયર બદલી કરી રહ્યા હતા, ત્યારે કારમાં મૂકેલું રૂપિયા ભરેલું પાકીટ અજાણ્યા તસ્કરો તફડાવી ગયા હતા. આ ઘટના અંગે 1.30 લાખના પાકીટની ઉઠાંતરી અંગેની ફરિયાદ પણ કડોદરા પોલીસમથકમાં આપી છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે
એમ.ઓ. જોતાં નાયડુ ગેંગ હોવાની આશંકા
વરેલી પંચાયત દ્વારા લગાવવામાં આવેલા CCTV કેમેરામાં પંચાયત આગળના કેમેરાની ફૂટેજમાં બે ટાબરિયા છત્રી લઈ વરસાદમાં કારની આસપાસ ફરી જ્યારે કારચાલક ટાયર બદલી રહ્યા હતા, ત્યારે કારમાં ક્લીનર બાજુનો આગળનો દરવાજો ખોલી ડેક્શબોર્ડનું ખાનું ખોલી બિનધાસ્ત રૂપિયા ભરેલું પાકીટ તફડાવી ગયા હોવાનું કેમરામાં કેદ થયું હતું. અને બેગ તફડાવી ગેંગનો એક ટાબરિયું પોતાની ઓળખ છુપાવવા માટે તરત પોતે પહેરેલી ટીશર્ટ બદલી નાંખે છે. વરેલી પાટિયા પરના એક CCTV કેમેરામાં 4થી 5 શંકાસ્પદ ઈસમ હાથમાં રૂપિયા ભરેલી ચોરાયેલી બેગ લઈ રિક્ષાના બેસી કડોદરા તરફ બેસી જોવા મળ્યા હતા. હાલ પોલીસ બંને ઘટના સ્થળનાં CCTV ફૂટેજ ફંફોસી રહી છે. એમ.ઓ. જોતાં નાયડુ ગેંગ હોવાની આશંકા છે.