પલસાણા: (Palsana) કડોદરામાં પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડતાં પતિએ પત્ની (Wife) પર છરાથી હુમલો કરતાં મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. પોલીસે પત્નીની ફરિયાદના આધારે પતિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- કડોદરામાં શારીરિક સંબંધ બાંધવાની ના પાડતાં પતિનો પત્ની ઉપર છરાથી હુમલો
- તબિયત સારી ન હોવાથી પત્નીએ પતિને સૂઈ જવા કહ્યું હતું
- શંકાશીલ પતિએ કહ્યું: ‘તું બીજા પુરુષ સાથે જાય છે એટલે ના પાડે છે’
કડોદરાની એક સોસાયટીમાં રહેતા પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ બાંધવા બાબતે વિવાદ થયો હતો. ગત તા.2/2/2024ની રાત્રે પતિ-પત્ની જમી પરવારીને સૂતાં હતાં. તેમનાં બે બાળકો આગળના રૂમમાં અને પતિ-પત્ની અંદરના રૂમમાં સૂઈ ગયાં હતાં. દરમિયાન રાત્રિના સમયે પતિએ તેની પત્ની પાસે શરીર સંબંધની માંગ કરી હતી. પરંતુ પત્નીએ ચાર-પાંચ દિવસથી તબિયત બરાબર નથી. જેથી સૂઈ જાવ એમ કહેતાં પતિએ પત્ની પર તું કોઈ બીજા પુરુષ સાથે જાય છે. જેથી તું મને ના પાડે છે એવો આરોપ લગાવી ઝઘડો કરવા લાગ્યો હતો.
બાદ પતિએ રૂમમાં પડેલો છરો લઈ પત્નીના ડાબા કાનમાં મારી દીધો હતો. બૂમાબૂમ કરતાં તેનાં બાળકો જાગી ગયાં હતાં અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદ પતિ આજે તો તું બચી ગઈ પણ બીજી વાર તને નહીં છોડું તેમ બોલી ઘરની બહાર નીકળી ગયો હતો. બાદ પતિ ઘરે પરત ફર્યો ન હોવાથી મહિલાએ કડોદરા જીઆઇડીસી પોલીસમથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.