ભરૂચ : ભરૂચના કંસારવાડ વિસ્તારમાં ઘરેણાંની ચોરી (Jewelry-Thef) કરી ભાગતા તસ્કરોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા. ભરૂચના વડાપડા ખાતે આવેલી અંબિકા જ્વેલર્સ (Ambika Jewellers) નામની દુકાનમાંથી ચાર તસ્કરો રવિવારે ધોળે દિવસે સોનું થેલીમાં ભરી ભાગ્યા હતા. જ્વેલર્સ પ્રદીપભાઈએ તરત જ બુમરાણ મચાવતા આજુબાજુના લોકો દોડી આવી સોનાની થેલી લઇ ભાગી રહેલા ચાર ચોરોની પાછળ દોડ્યા હતા. બી-ડીવીઝનમાં બનેલી ઘટનામાં ત્રણ ચોરોને એ-ડિવિઝનની હદ એવા કંસારવાડમાંથી લોકોએ પકડી લીધા હતા. લોકોએ તસ્કરોને સારો એવો મેથીપાક ચખાડયો હતો. ઘટનાની જાણ એ-ડિવિઝન અને બી-ડિવીઝનને કરાતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
ખરો સીન ત્યારબાદ શરૂ થયો હતો
ખરો સીન ત્યારબાદ શરૂ થયો હતો. પકડાયેલા તસ્કરોએ પહેલા તો ફરાર થયેલો સાગરિત સોનું ભરેલી થેલી લઇ ભાગી ગયો હોવાનું રટણ કર્યું હતું. જોકે ત્યારબાદ પોલીસે સ્થળ પર જ પુછપરછનો દૌર ચાલુ કરતા પકડાયેલા તસ્કરોએ જ દોડતા-દોડતા જ થેલી ફેંકી દીધી હોવાની હકીકત કહેતા પોલીસ, લોકો અને જ્વેલર્સ થેલી શોધવાના કામમાં લાગી ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધીમાં થેલી મળી નહતી.
ભરૂચ જિલ્લામાં પાંચ સ્થળેથી મોબાઈલ ટાવરની બેટરી ચોરનાર ગેંગ પકડાઈ
ભરૂચ : ભરૂચ, ઝઘડિયા, દહેજ, રાજપારડી, આમોદમાં મોબાઈલ ટાવરની બેટરી ચોરવાના બનાવો હાલમાં જ બન્યા હતા. એલસીબી પોલીસની તપાસમાં આ ચોરીમાં ઝઘડિયાના લીમોદરાનો રીયાજુદ્દીન સૈયદ અને પગુથણનાં આબિદ બેલીમની સંડોવણી બહાર આવી હતી. જેઓની પૂછપરછ કરતા તેઓએ પાંચ સ્થળોએથી અલગ અલગ દિવસે મોબાઈલ ટાવરોના શેલ્ટર રૂમમાંથી બેટરીઓ ભરૂચના આલી-ડીગીવાડના થ્રી-વ્હીલ ટેમ્પો ચાલક નાહીદ હમીદ શેખ સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને આ બેટરી ભરૂચના ફહીમુદ્દીન શેખ અને હુસેન પીપળાવાળાને વેચી હતી.
જિલ્લાના તમામ મોબાઈલ ટાવરોથી વાકેફ હતો
એલસીબીએ પાંચેય આરોપીઓની પાંચ મોબાઈલ સાથે ધરપકડ કરી છે. મુખ્ય સુત્રધાર રીયાઝ સૈયદ અગાઉ રિલાયન્સ જીયો અને એરટેલ ટેલીકોમમાં મોબાઈલ ટાવર મેન્ટેનન્સમાં નોકરી કરતો હોઇ જિલ્લાના તમામ મોબાઈલ ટાવરોથી વાકેફ હતો. જ્યારે ૨૦૨૧માં રીયાજુદ્દીન અને બેલીમ લૂંટના ગુનામાં પકડાયેલા હતા.
ઝઘડિયાના પાણેથા ગામેથી વિદેશી દારુ સાથે એક ઈસમ ઝડપાયો
ભરૂચ : ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારુના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો હતો.ઉમલ્લા પોલીસને પાણેથા ગામે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, પાણેથા ગામે વડતણિયા ફળિયામાં રહેતો રસીક ઉર્ફે ટીનો રામસંગ વસાવા પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારુ લાવી વેચાણ કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા સદર ઈસમના રહેણાંક ઘરના પાછળના ભાગેથી રૂા.૧૩૭૦૦ની કિંમતની દારૂની કુલ ૧૩૭ બોટલો મળી આવી હતી. પોલીસે સદર ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી લઈ રસીક વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.