Columns

બસ જવા દો – એક નિયમ

એક જિંદાદિલ ભાઈ, નામ અનિલ, ઉંમર 64 વર્ષ પણ યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ. બધા તેમને સોસાયટીમાં અનિલ કપુર કહે અને પેલા ભાઈ હસતાં હસાવતા આગળ વધે. રોજ સવાર – સાંજ વોક, નિયમિત જીવન, ખોરાક માપસર અને બધાને મદદ કરવા તૈયાર અને હંમેશા મોજમાં. એક દિવસ સાંજે બધા મિત્રો મજાક કરતા બેઠા હતા. એક દોસ્તે પૂછ્યું, ‘ભાઈ અનિલ, તું હંમેશા ખુશ અને મજામાં હોય છે. શરીર પણ સ્વસ્થ અને ચહેરા પર ચમક અને ખુશી આનું રહસ્ય શું છે?’અનિલભાઈએ કહ્યું, ‘દોસ્ત મેં જીવનમાં એક ખાસ નિયમ અપનાવ્યો છે અને તેનું પાલન હું હંમેશા કરું છું.’

મિત્રએ કહ્યું, ‘ભાઈ એવો કયો નિયમ છે?’ અનિલભાઈએ કહ્યું, ‘મારો નિયમ છે – બસ જવા દો.’ બીજા મિત્રએ પૂછ્યું, ‘આવો કયો નિયમ કઈ સમજાયું નહિ.’ અનિલભાઈ હસ્યા બોલ્યા, ‘ન સમજાય તો બસ જવા દે દોસ્ત. આજ મારો નિયમ છે, કોઈ બાબતમાં કોઈને એક કે બે વાર સમજાવો અને સામેવાળું ન સમજે તો વાતનો તંતુ છોડો અને બસ જવા દો. જયારે બાળકો મોટા થઇ જાય અને પોતાના નિર્ણય પોતે લેવા માંડે ત્યારે તમારા નિર્ણય તેમની પર ન થોપો તેમને આગળ વધવા દો. બસ જવા દો. તમારો સ્વભાવ બધાની જોડે નહિ જામે, જેની જોડે જામે તેને દોસ્ત બનાવો. ન જામે તો છોડી દો બસ જવા દો. કોઈ તમારો વાંક કાઢે અને આલોચના કરે તો ખરાબ ન લગાડો. હશે એને એમ લાગ્યું હશે એમ કહીને બસ જવા દો.

તમે સમજો કે જે વસ્તુ તમારા હાથમાં નથી તે તમે બદલી નહિ શકો તો ચિંતા કરવાની છોડો, જે થાય તે થવા દો બસ જવા દો. જયારે તમારી ઈચ્છાઓ ઘણી અને તમારી આર્થિક, શારીરિક શક્તિ ઓછી હોય ત્યારે તે બે વચ્ચેનો તફાવત વધે ત્યારે વધુ પડતી અપેક્ષાઓ જાત પાસેથી ન રાખો. જે મળ્યું તે વાહ.. વાહ.. અને ન મળ્યું તે બસ જવા દો. બધાના જીવન, જીવન જીવવાની રીત, જીવનના સંજોગો, જુદા જુદા હોય છે તે સમજો અને સરખામણી કરવાનું છોડો. તમારું જીવન જેમ આગળ વધે છે, વધવા દો બસ જવા દો.’ અનિલભાઈ પોતાની મસ્તીમાં બોલી રહ્યા હતા. આજુબાજુ તેમની વાતો સાંભળવા અનેક લોકો ભેગા થઈ ગયા હતા, તેનું તેમને ધ્યાન જ ન હતું.

અનિલભાઈ આગળ બોલ્યા, ‘જીવનમાં તમને ઘણું મળ્યું અનેક સારા માઠા અનુભવોનો ખજાનો મળ્યો તો તેની અમુલ્યતા સામે દુન્યવી કિંમતી વસ્તુઓ અને તમારી આવકનો હિસાબ માંડવાનું છોડો બસ જવા દો.’ આટલી સરસ જીવન સમજ વાત સરળતાથી સમજાવી સ્વભાવ મુજબ અનિલભાઈએ મસ્તીમાં હસતાં હસતાં ઉમેર્યું, ‘તમને મારી વાત ગમી તો સારું તમને લાગુ પડે અને તમે અપનાવો તો વધુ સારું અને ન ગમી હોય અને ન અપનાવવી હોય તો બસ જવા દો.’ બધા હસી પડ્યા. મિત્રએ કહ્યું, ‘દોસ્ત આ નિયમ તો બધાએ અપનાવવા જેવો છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top