લખનઉ (Lucknow): રવિવારે ઉત્તર પ્રદેશના મુરાદાનગરમાં (Muradnagar, UP) એક હ્રદયદ્રાવક કિસ્સો બન્યો. પોતાના સગા-સંબંધીના અંતિમ સંસ્કાર કરવા આવેલા 23 લોકો પોતે જ મોતના મોંમાં ધકેલાઇ ગયા. બન્યુ એવુ કે સ્મશાનભૂમિમાં આવેલા આશ્રયની છત તૂટી પડતાં ઓછામાં ઓછા 23 લોકોનાં મોત અને 15 લોકો ઘાયલ થયા હતા. બચાવ કાર્યકરો અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમે વધુ ભોગ બનેલા લોકો ત્યાં ફસાયા ન હોય તેની ખાતરી માટે કલાકો સુધી કાટમાળ દૂર કર્યો હતો.
આ કેસમાં પોલીસે જુનિયર એન્જિનિયર ચંદ્રપાલ, સુપરવાઇઝર આશિષ, ઇઓ નિહારિકા સિંઘ, કોન્ટ્રાક્ટર અજય ત્યાગી અને અન્ય સામે FIR નોંધી છે. આ FIR મુરાદાનગર પોલીસ સ્ટેશનમાં કલમ 304, 337, 338, 409 અને 427 હેઠળ નોંધવામાં આવી છે.
આ આખી ઘટના પછી મેરઠના વિભાગીય કમિશનર અનિતા સી મશરામે જણાવ્યુ હતુ કે, “મુરાદાનગરમાં શેડ તૂટી પડતાં લગભગ 38 લોકોને બચાવવામાં આવ્યા છે. અમે તપાસ શરૂ કરી દીધી છે અને દોષી ગણાતા લોકો સામે કડક કાર્યવાહી કરીશું.”. ઇજાગ્રસ્ત થયેલા લોકોની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક રાહતની પણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ મેરઠના વિભાગીય કમિશનર અને એડીજી મેરઠ ઝોનને રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. “ઉત્તરપ્રદેશના મુરાદનગરમાં બનેલી દુર્ઘટનાના સમાચારને લઈને ઘણું દુ:ખ થયું છે. રાજ્ય સરકાર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા અને તેમાં ઘાયલ થયેલાઓને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા. આ લોકોના પરિવાર પ્રત્યે હું દુ:ખ વ્યક્ત કરું છું.”. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે એક ટ્વિટમાં કહ્યુ કે, “મૃતકોના પરિવાર પ્રત્યે હું શોક વ્યકત કરું છું. હું પ્રાર્થના કરું છું કે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય. સ્થાનિક વહીવટ રાહત અને સહાય માટે કામ કરી રહ્યું છે.”.
કેન્દ્રીય મંત્રી વી કે સિંઘ, જે ગાઝિયાબાદના સાંસદ છે, અને પોલીસ અને વહીવટીતંત્રના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પછીથી સ્થળની મુલાકાત લીધી હતી. ઉત્તર પ્રદેશના આરોગ્ય પ્રધાન અતુલ ગર્ગ, જે ભાજપના સ્થાનિક ધારાસભ્ય છે, તેઓ ઘાયલોમાંથી કેટલાકને સરકારી હોસ્પિટલમાં મળ્યા હતા.
રામ સિંહ નામના 63 વર્ષીય વૃદ્ધના અંતિમ સંસ્કાર માટે ગયેલા તેમના નજીકના અનેક સગા-સંબંધીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાંના કેટલાક તો તેમના ઘરના એકમાત્ર કમાઉ વ્યકતિ હતા. આ આખી ઘટના વિશે રામ સિંહના પુત્રી વધારે કંઇ બોલી શક્યા નહીં. તેમણે કહ્યુ કે તેમણે તેમના નજીકના પરિવારના અનેક સભ્યો ગુમાવ્યા છે.