SURAT

પ્રેમિકાનો પતિ આવી જતાં પ્રેમી ત્રીજા માળેથી કૂદી પડ્યો અને પછી..

સુરત: (Surat) જહાંગીરપુરામાં એક યુવક પ્રેમીકાને (Lover) મળવા માટે ગયો હતો, પરંતુ તે દરમિયાન પ્રેમીકાનો પતિ આવી જતા દોડધામ મચી ગઇ હતી. પ્રેમી યુવક ગેલેરીમાં છુપાઇ ગયો હતો અને ત્યાંથી ભાગવા માટે તેને ત્રીજા માળેથી ઝંપલાવ્યું (Jumped from the third floor) હતું. જો કે, ગંભીર ઇજાને કારણે આ યુવકનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, જહાંગીરપુરામાં આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીક એસએમસી આવાસમાં રહેતા અને ફર્નિચરની દુકાનમાં કામ કરતા 30 વર્ષીય રવિકુમાર મહેશભાઈ ચૌધરીનું અડાજણમાં એસએમસી આવાસમાં રહેતી એક પરિણીતા સાથે બે વર્ષથી પ્રેમસંબંધ હતો. સમયાંતરે રવિ પરિણીતાને મળવા માટે પણ જતો હતો. સોમવારે બપોરના સમયે રવિ પરિણીતાને મળવા માટે ગયો હતો. પરંતુ આ દરમિયાન પરિણીતાનો પતિ ઘરે આવ્યો હતો અને દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખખડાવતા જ પરિણીતા અને રવિ બંને બચવા માટે દોડધામ કરવા લાગ્યાં હતાં.

શરૂઆતમાં રવિ બાથરૂમમાં છુપાઇ ગયો હતો અને ત્યારબાદ તે ગેલેરીમાં છુપાઇ ગયો હતો. થોડીવાર બાદ પરિણીતાએ દરવાજો ખોલતા સામે પતિને જોતા જ ગભરાઇ ગઇ હતી. મોંઢા ઉપર ચિંતા જોતા પતિએ તેની પત્નીને સવાલો પુછ્યા હતાં, પરંતુ યોગ્ય જવાબ નહીં મળતા પરિણીતાનો પતિ ઘરમાં આમથી તેમ ફરવા લાગ્યો હતો. પતિથી બચવા માટે રવિએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી અને નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં રવિને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઇજાને કારણે રવિનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top