મૂળ અમદાવાદની એક્ટ્રેસ નેત્રી ત્રિવેદીના માતા – પિતા પણ રંગમંચ ઉપર અભિનય આપતા હતા અને બાળપણથી જ તે કલાજગત સાથે સંકળાયેલી છે. નેત્રી ત્રિવેદીની અર્બન ગુજરાતી ફિલ્મો જેવી કે ‘છેલ્લો દિવસ’, ‘અરમાન : સ્ટોરી ઓફ સ્ટોરી ટેલર’, ‘ફેરા ફેરી હેરા ફેરી’ જાણીતી ફિલ્મો છે. હાલમાં જ તેની ઓહો ગુજરાતી ઓ.ટી.ટી પ્લેટફોર્મ ઉપર વેબ સીરીઝ ‘ચસકેલા’ આવી છે, તેની અપકમિંગ ફિલ્મ ‘ધુંઆધાર’ અને ‘ટિફિન’ પણ ટૂંક સમયમાં રજૂ થશે. નેત્રી ત્રિવેદી સાથે ગપશપના અંશ
નેત્રી તમે એક્ટ્રેસ બનવા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું?
નેત્રી ત્રિવેદી : ફિલ્મ મેકિંગની બાબતો શીખવી ખુબ જ જરૂરી છે, એક કલાકાર ફિલ્મ મેકિંગના વિવિધ પાસાઓ જેવા કે એડિટિંગ, વિઝ્યુલાઇઝિંગ , ફ્રેમ કેવી રીતે લેવી , શોર્ટ કેવી રીતે લેવો, પોસ્ટ પ્રોડક્શનની બાબતો શીખી લે છે ત્યારે એના માટે કેમેરા સામે કામ કરવું ખુબ જ સરળ થઇ જાય છે, મેં મલ્લિકા સારાભાઈની દર્પણ એકેડમીમાં આસિસન્ટ ડિરેકટર તરીકે કામ કર્યું હતું.
પ્રાદેશિક ભાષાના પ્રોડક્શનમાં પહેલી વાર કામ કરવામાં કેવા પડકાર હતા?
નેત્રી ત્રિવેદી : મલયાલી શોર્ટ ફિલ્મ માટે હું આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી , અમદાવાદમાં આ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું હતું અને યુનિટના સભ્યો, કલાકાર, ટેક્નિશ્યન , ડિરેક્ટર તમામ મલયાલી હતા અને હું ગુજરાતી હતી. તમારે સેટ ઉપર નિર્દેશ આપવો હોય તો તમે કેવી રીતે આપી શકો કારણકે સામેવાળા ક્યાં તો મલયાલી ભાષા સમજશે ? ક્યાં તો અંગ્રેજી ભાષા કે ભાગ્યું તૂટ્યું હિન્દી તેઓ સમજતા હોય છે , પડકાર આવે પણ અવનવું શીખવા પણ મળે છે, તેમની વર્કિંગ પેટર્ન , તેમનું વિઝન , તેમની નરેટ કરવાની સ્ટાઈલ દરેક બાબતો તમે શીખી શકો છો.
વેબ સિરીઝ ‘ચસકેલા’માં તમારી ભૂમિકા વિશે જણાવો?
નેત્રી ત્રિવેદી : વેબ સીરીઝ ‘ચસકેલા’ માં હું માનસીની ભૂમિકા ભજવી રહી છું. માનસી ખુબ જ સ્ટ્રોંગ હેડેડ છોકરી છે, તે સ્પષ્ટ વાત કરશે, તમને તેનો એટીટ્યુડ ગમશે કે નહિ પણ ગમે. તમે તેની વાતો સાથે કન્વિન્સ થાવ કે નહિ થાવ. આ વેબ સીરીઝમાં દરેક ભૂમિકાઓ સુંદર રીતે ઘડવામાં આવી છે , દરેક યૂથની પોતાની સમસ્યા અને પોતાની રીતે ટેકલ કરવાની પદ્ધતિ છે. આ વેબ સિરીઝમાં ફેમિલી ઓડિયન્સ અને યુથ દરેકને પસંદ પડશે.
તમને ભવિષ્યમાં કેવી ભૂમિકાઓ ભજવવી છે?
નેત્રી ત્રિવેદી : મને પડકારજનક ભૂમિકાઓ ભજવવી છે, મને માં આનંદ શીલાની ભૂમિકા ભજવવી છે. બીજી રેવૉલ્યુશનરી જર્નાલિસ્ટ સ્વ.ગૌરી લંકેશની ભૂમિકા ભજવવી છે, આવી ભૂમિકાઓ ભજવવા માટે ઘણા ચેલેન્જ કલાકારને મળતા હોય છે. ફિલ્મ ‘મંથન’ આવી હતી જેમાં વર્ગીસ કુરિયનનું વિઝન એટલે ‘અમુલ’ ડેરીની જર્નીની વાત હતી, આ ફિલ્મ ‘મંથન’ માં તા પાટીલની ભૂમિકા હતી એવી ભૂમિકા મને ભજવવી ગમશે.
તમે જયારે ફિલ્મો કે વેબ સીરીઝમાં કામ નથી કરતા ત્યારે ફાજલ સમયમાં શું કરો છો?નેત્રી ત્રિવેદી : જયારે હું ઘરમાં હોવું ત્યારે ઢગલાબંધ નેટફ્લિક્સ ઉપર મુવી જોવી મને બહુ ગમે છે , એક્શન, થ્રિલર, સસ્પેન્સ, કોમેડી કે રોમેન્ટિક , ડાર્ક કોમેડી દરેક જોનર મને જોવું ગમે છે. મને વાંચનનો પણ ઘણો શોખ છે એટલે અમેરિકન રાઇટર નીલ ગેમન મને બહુ ગમે છે. મારી અપકમિંગ ફિલ્મ ‘ટિફિન’ આવી રહી છે, આ ફિલ્મમાં માં – દીકરીના સંબંધને ખુબ જ સુંદર રીતે દેખાડવામાં આવ્યા છે અને આ ફિલ્મ રામ મોરીએ લખી છે. આ ફિલ્મમાં મહિલા સશક્તિકરણ વિષયને ખુબ જ સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે. મને લેખન કાર્ય ખુબ ગમે છે, ભલે ફિલ્મ પ્રોડક્શનનો મને અનુભવ છે પણ હું પ્રોડ્યુસર બનવા માંગતી નથી, ફિલ્મ રાઇટિંગનું કામ હું ભવિષ્યમાં કરીશ કારણકે ફિલ્મ રાઇટિંગનું કામ મને ગમે છે.