પલસાણાના જોળવામાં GIDC વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનનું શટર ઊંચકી ગુરુવારે વહેલી સવારે 3 તસ્કર 2 લાખથી વધુના મોબાઈલ અને રોકડ ચોરી ભાગી છૂટ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાના જોળવા ગામે મુખ્ય રસ્તા પરથી જોળવા ગામમાં જતા મુખ્ય રસ્તા પર સાહેબા મિલની સામે આશાપુરા મોબાઈલ નામની મોબાઇલની દુકાનમાં ગુરુવારની વહેલી સવારે 3 તસ્કરો દુકાનનું શટર ઊંચકી દુકાનમાં રહેલા સ્માર્ટ ફોન સહિત રોકડ રકમ મળી અંદાજિત 2 લાખની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.
દુકાનમાલિક ભોપારામ વહેલી સવારે દુકાને આવતાં ઘટનાની જાણ થઈ હતી. ઘટના સ્થળેથી માત્ર 150 મીટરના અંતરે જોળવા આઉટ પોસ્ટ ચોકી આગેલી છે તેમજ ગામનો મુખ્ય રસ્તો હોવાના કારણે આ વિસ્તાર 24 કલાક લોકોની અવરજવરવાળો હોવા છતાં થયેલી ચોરીને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. પોલીસે દુકાનદાર પાસે જરૂરી પુરાવા માંગ્યા છે. આ લખાઈ છે ત્યાં સુધી દુકાનદારે આપેલી અરજીના અને કેમરાનાં ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
માત્ર 6 મિનીટમાં 3 બુકાનીધારી ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા
દુકાનમાં થયેલી ચોરીની સંપૂર્ણ ઘટના CCTV કેમરામાં કેદ થઈ ગઈ છે. ગુરુવારે મળસકે 1.35 વાગ્યે ત્રણ બુકાનીધારી તસ્કર દુકાન નજીક આવે છે અને સળિયા જેવા હથિયાર વડે શટરની સાઈડની પટ્ટી વાંકી વાળી શટરને અડધું ઊંચકી બે ઈસમ દુકાનમાં પ્રવશે છે અને એક બહાર દેખરેખ માટે ઊભો હોય છે. દુકાનમાં પ્રવેશેલા બે ઈસમ આમતેમ ફંફોસી થેલામાં મોબાઈલ ભરે છે. જે સમયે એકનું ધ્યાન કેમેરા પર જતાં કેમેરાની દિશા બદલી નાંખે છે. 1.41 વાગ્યે બંને તસ્કર દુકાનની બહાર નીકળી જાય છે. આમ, માત્ર 6 મિનીટમાં ત્રણ ઈસમ મળી અંદાજિત 2.5 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપે છે.